<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

રાજકોટ રેન્જ પોલીસ દળમાં તડામાર સર્ચ ઓપરેશન: આઈજી નિર્લિપ્ત રાયે ડી-સ્ટાફના તમામ સ્ટાફ સામે આકરા વલણ સાથે કડક ચકાસણીનો આપ્યો આદેશ

​પોલીસ સ્ટેશનોના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓનો કૌટુંબિક બેકગ્રાઉન્ડ ચકાસાશે: સગા-સંબંધીઓ પૈકી કોઇ બુટલેગર, હિસ્ટ્રીશીટર કે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે કે કેમ તે અંગે સાત સંવેદનશીલ મુદ્દાઓ પર લેખિતમાં વિગતો તલસ્પર્શી રીતે મંગાવાઈ

​રાજકોટ:રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ વિસ્તારના પોલીસ વિભાગમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા એક મોટો વહીવટી ધમાકો કરવામાં આવ્યો છે. વિવિધ પોલીસ મથકોમાં કાર્યરત ડી-સ્ટાફ (ડીટેક્શન સ્ટાફ)ના પોલીસ કર્મચારીઓ અને ગુનેગારો વચ્ચેની કોઈ પણ પ્રકારની સંભવિત આંતરિક સાઠગાંઠ પર અંકુશ મેળવવા માટે આઈજી તરફથી અભૂતપૂર્વ ચકાસણી અભિયાન શરૂ કરાયું છે. ઉચ્ચ કક્ષાએથી લેવાયેલા આ કડક નિર્ણયના પગલે સમગ્ર રાજકોટ રેન્જના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ અને ખળભળાટનો માહોલ સર્જાયો છે.

​નવા આદેશ મુજબ, રેન્જ હેઠળના તમામ પોલીસ સ્ટેશનોના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પાસેથી તેમની અંગત તથા વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને લગતી કુલ ૭ સ્પષ્ટ અને મહત્વપૂર્ણ મુદ્દાની લેખિત માહિતી માંગવામાં આવી છે. જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે કર્મચારીના પોતાના કે પત્નીના પરિવારમાં, નજીકના કે દૂરના કોઈ સગા-સંબંધીઓ દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા છે કે કેમ, પ્રોહિબિશન હેઠળના ગુનાઓમાં લિપ્ત છે કે પછી તેમનો નામચીન બુટલેગર કે હિસ્ટ્રીશીટર તરીકેનો કોઈ ભૂતકાળ કે ક્રિમિનલ રેકોર્ડ છે કે કેમ તે અંગેની સ્પષ્ટ અને સત્ય હકીકત રજૂ કરવાની રહેશે.

​આ ઉપરાંત, ડી-સ્ટાફમાં તૈનાત કર્મચારીઓ કેટલા સમયથી એક જ સ્થળે, ડિવિઝન કે ઝોનમાં પોસ્ટીંગ ધરાવે છે, તેમની ભૂતકાળની નીતિમત્તા અને કામગીરીનો રેકોર્ડ કેવો રહ્યો છે તેમજ અગાઉ તેમની સામે ક્યારેય ખાતાકીય તપાસ કે શિસ્તભંગના સસ્પેન્શન જેવા પગલાં લેવાયા છે કે નહીં તેની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુનાખોરી મુક્ત વાતાવરણ ઊભું કરવા અને ખાતાકીય સજ્જતા સુધારવાના આકરા અભિગમ સાથે હાથ ધરાયેલી આ કવાયત બાદ આગામી દિવસોમાં રેન્જના ડી-સ્ટાફમાં વ્યાપક ફેરબદલ તેમજ આંતરિક બદલીઓની મોટો ઘાણવો ઉતરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(5:27 PM IST)