તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
રાજયભરના તલાટીઓની સરકાર સામે લડત શરૂઃ મહેસુલી કામગીરીનો
સજ્જડ બહિષ્કારઃ બીજી બાજુ ૮૯ તલાટીને નિમણુંક અપાઇ રાજકોટ કલેકટર સમક્ષ ૯રમાંથી ૮૯ તલાટી હાજર થતા હવે ર દિ'માં ડીટેઇલ પોસ્ટીંગ મહેસુલની ગામ નમુના નં. ૧ થી ૧૮, ઇનામી જમીનનું પત્રક, હક્ક પત્રક, રેશનકાર્ડ, વારસાઇ રજીસ્ટર આધારકાર્ડ, લેન્ડ ગ્રેબીંગ સહિતની કામગીરી ઠપ્પ

રાજકોટ, તા., ૩: રાજ્યમાં તાજેતરમાં મહેસુલી તલાટીઓની ભરતી પૂર્ણ કરવામાં આવી છે અને તેઓને નિમણૂક પત્રો પણ એનાયત કરી દેવામાં આવ્યા છે, છતાં પણ મહેસુલી તલાટી અને તલાટી કમ મંત્રીના જોબચાર્ટ અલગ કરવામાં ન આવતા હડતાલ શરૂ થઇ છે. રાજકોટ કલેકટરને ફાળવાયેલ ૯ર માંથી ૮૯ તલાટી હાજર થતા તેમને નિમણુંક પત્રો અપાઇ ગયા છે. ડીટેઇલ પોસ્ટીંગ હવે અપાશે તેમ સાધનોએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા આજથી એટલે કે ૩ જુલાઈ ૨૦૨૬થી મહેસૂલ વિભાગ તેમજ અન્ય વિભાગોની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંડળના પ્રમુખ પંકજભાઈ એલ. મોદી અને મહામંત્રી રામભાઈ એન. દેસાઈ દ્વારા જાણવામાં આવ્યું હતું કે જોબચાર્ટ નક્કી ન થવાના કારણે સર્જાયેલા આ વિવાદથી ગ્રામ્ય કક્ષાએ વહીવટી કામગીરી ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે
ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી એ પંચાયત વિભાગની પાયાની કેડર છે અને સૌથી જૂની કાર્યરત કેડર છે. હાલમાં તેમની પાસે પંચાયત વિભાગ ઉપરાંત મહેસૂલ અને ખેતીવાડી વિભાગની મોટાભાગની કામગીરી કરાવવામાં આવે છે.વર્ષ ૨૦૨૨માં તલાટીઓની હડતાળ સમેટાઈ ત્યારે સરકાર સાથે થયેલા સમાધાન મુજબ, મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીનો જોબચાર્ટ અલગ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનું નક્કી થયું હતું.આ સમાધાનને સાડા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે અને બે વાર સમિતિઓની રચના થઈ હોવા છતાં, આજદિન સુધી બંને કેડરના જોબચાર્ટ અંગે કોઈ જ અંતિમ નિર્ણય લેવાયો નથી.
સરકાર દ્વારા તાજેતરમાં મહેસૂલી તલાટીઓની નવી ભરતી પૂર્ણ કરવામાં આવી છે અને ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ તેમને નિયુક્તિ પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.આમ છતાં, કામગીરી નક્કી કર્યા વગર જ નિમણૂકો અપાતા અને વારંવારની લેખિત-મૌખિક રજૂઆતોની અવગણના થતાં તલાટી કમ મંત્રીઓએ આખરે કામગીરી બંધ કરવાનું શષા ઉગામ્યું છે.
તલાટી મહામંડળના આદેશ મુજબ, ૩ જુલાઈ ૨૦૨૬થી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની કોઈ પણ કામગીરી નહીં કરે. મહેસૂલ વિભાગના ગામ નમૂના નં. ૧ થી ૧૮ સહિતની તમામ કામગીરીઓ.કાયમી ખરડો (નમૂના નં. ૧), ખેતી સિવાયની બીજી કાયમી ઉપજનું પત્રક (નમૂના નં. ૨) અને ઇનામી જમીનનું પત્રક (નમૂના નં. ૩).હક્ક પત્રકને લગતી (નમૂના નં. ૬ ને આનુષંગિક) વારસાઈ રજિસ્ટર અને રેકર્ડ દંડ રજિસ્ટરની કામગીરી.એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશન અને ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી. રેશન કાર્ડને લગતી તમામ કામગીરી અને તેની E-KYC તથા NFSA પાત્રતા ચકાસણીની કામગીરી.આધાર કાર્ડ વેરિફિકેશન, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અપાતી તપાસ, અને ડિઝાસ્ટર અંતર્ગત પાક નુકશાનીના સર્વેની કામગીરી.ગૌણ ખનીજ અને સૌરાષ્ટ્ર વળક્ષ છેદન ધારા અંતર્ગત દેખરેખ અને ચકાસણીની કામગીરી સહિતની કામગીરી કરવાં આવશે નહિ.
તલાટી મહામંડળે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે નવી ભરતીથી નિયુક્તિ આપતા પહેલા જોબચાર્ટ અલગ કરવામાં આવે, અન્યથા મહેસૂલ વિભાગની કામગીરી બંધ કરવામાં આવશે. પરંતુ આ બાબતે હકારાત્મક નિકાલ ન આવતા આખરે આજે મહામંડળે આ કડક નિર્ણય લીધો છે.
(3:38 PM IST)










