<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતભરના ૧૪૩ ખેલાડીઓની કાબેલિયત ઝળકી

રાજકોટ સિટી પોલીસ અને આરડીસીએ ના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચઃરવિવારે અંડર-૧૩ ચેસ ખેલાડીઓની પસંદગી સ્પર્ધા

રાજકોટઃરાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્ટ્રિકટ ચેસ એસોસિએશન  તથા એહસાસ ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે  ઓમ્નિટેક ઍન્જીનિયરિંગ લિમિટેડના સીએમડી  શ્રી ઉદયભાઈ પારેખ, કો સ્પોન્સર આર. કે. જૈન ફાઉન્ડેશન તેમજ એવીઆર (વિક્રમ) વાલ્વસ પ્રા. લી. ના ચેરમેન શ્રી વિક્રમભાઈ જૈનના આર્થીક સહયોગથી પોલીસ હેડકવાર્ટર, રાજકોટ ખાતે તાજેતરમાં ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬ નું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ખાસ કરીને અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ કેટેગરીના ખેલાડીઓ માટે યોજાઈ હતી, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ ૧૪૩ યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

આ ચેમ્પિયનશિપમાં અંડર-૧૩ કેટેગરીમાં ૯૬ ખેલાડીઓ, અંડર-૧૫ કેટેગરીમાં ૩૦ ખેલાડીઓ અને અંડર-૧૭કેટેગરીમાં ૧૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ, વડોદરા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભૂજ સહિતના શહેરોમાંથી ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે કુલ ખેલાડીઓમાંથી આશરે ૫૦ ટકા ખેલાડીઓ રેટેડ હતા. સ્પર્ધા કુલ ૭ રાઉન્ડમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઓમ્નિટેક ઍન્જીનિયરિંગ લિમિટેડના સીએમડી શ્રી ઉદયભાઈ પારેખ તેમજ પોલીસ હેડકવાર્ટરના એસીપી શ્રી પઠાણ,  એઆસઆઇ શ્રી અનિલભાઈ દવે(સ્પોર્ટ્સ ઓફીસર) ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓને કુલ રૂ.૧,૨૨,૦૦૦ ના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. આ સાથે વિજેતા ખેલાડીઓને કુલ ૩૦ ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનાર ખેલાડીઓને ભાગીદારી પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં અંડર-૧૩ કેટેગરીમાં કિયાન કેવલકુમાર પટેલ પ્રથમ, શ્લોક પ્રશાંતભાઈ વ્યાસ દ્વિતીય અને કેવિશ ખન્ના તૃતીય સ્થાને રહ્યા હતા. અંડર-૧૫ કેટેગરીમાં હેરિન રેનિશકુમાર પટેલ પ્રથમ, માઘવ જયદીપભાઈ વોરા દ્વિતીય અને શ્રેયાંશ મહેતા તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે અંડર-૧૭ કેટેગરીમાં તન્ના ક્રિશ અલ્પેશભાઈ પ્રથમ, સોહમ હરિયાણી દ્વિતીય અને કાવ્યા શાહ તૃતીય સ્થાને વિજયી રહ્યા હતા. રાજકોટ જિલ્લા યેસ એસોસિએશનના ઓર્ગેનાઈઝિંગ ટ્રસ્ટી શ્રી પરિન પટેલે(સીએ)એ જણાવ્યું હતું કે, રાજકોટ સિટી પોલીસના સહયોગથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન, માર્ગદર્શન અને સ્પર્ધાત્મક માહોલ મળી રહ્યો છે. આવી પહેલથી બાળકોમાં રમતગમતની ભાવના, શિસ્ત, એકાગ્રતા, શારીરિક-માનસિક તંદુરસ્તી અને ટીમ સ્પિરિટનો વિકાસ થાય છે.

  આ ટુર્નામેન્ટના આયોજન માટે આરડીસીએ ના શ્રી પરિનભાઈ, શ્રી નિશ્ચલ સંઘવી, શ્રી પંચમીયા તેમજ એહસાસ ટ્રસ્ટ ના કૂ કિન્નરીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેંટનું સફળ સંચાલન શ્રી હર્ષદભાઈ ડોડીયા, શ્રી જશરાજભાઈ, શ્રી મિતેશભાઈએ કરેલ અને આર્બિટર તરીકે શ્રી જયભાઈ ડોડીયાએ સેવા આપેલ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે તા. ૦૫ જુલાઈ, રવિવારના રોજ પોલીસ હેડકવાર્ટર હોલ(એસી), રેસકોર્સ રિંગ રોડ,   ખાતે રાજકોટ જિલ્લા કક્ષાએ અંડર-૧૩ ચેસ ખેલાડીઓની પસંદગી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા માત્ર રાજકોટ જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધાની વિશેષતા એ છે કે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ટોચના બે છોકરાઓ અને છોકરીઓને આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે.

 આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ સાથે આવેલ વાલીઓ માટે ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના સીએમડી શ્રી ઉદયભાઈ પારેખ તરફથી બપોરે વિનામુલ્યે સ્વરુચી ભોજનની વ્યવસ્થા પોલીસ હેડકવાર્ટર, રેસકોર્સ ખાતે કરવામાં આવેલ છે. દરેકે પોતાના ફૂડ કૂપન સવારે રમત ચાલું થતાં પહેલા સંચાલક શ્રી મિતેશભાઈ-૯૪૨૮૨ પ૧૦૦૦ પાસેથી મેળવી લેવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:02 PM IST)