તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
શિક્ષીકા અસ્માબેનના ચારિત્ર્ય પર શંકા કરી પતિ વારીસ માલવીયાની માથાકુટ
હાલ ભોમેશ્વરમાં શિક્ષીકા માવતરે હોઇ પતિ વારીસે કાર લઇને ત્યાં જઇ ઘરની ડેલી સળગાવીઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: ગવલીવાડમાં સાસરૂ ધરાવતી શિક્ષિકાના ચારિત્ર્ય પર પતિએ શંકા રાખી ઝઘડો કરતા તેણી હાલ ભોમેશ્વર પ્લોટમાં માતાના ઘરે ચાલી ગઇ હોઇ ખાર રાખી પતિએ સાસરીયે આવી ઘરની ડેલી પર જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડતાં અને ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
હાલ ભોમેશ્વર વિસ્તારમાં જાગળતિ શ્રમજીવી સોસાયટીમાં રહેતી પરિણીતા અસ્માબેન (ઉ.વ. ૩૨) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મુળ જસદણના વતની અને હાલ રાજકોટમાં કોટક સ્કુલ પાસે જય બી એપાર્ટમેન્ટમાં રહેતા વારિસ રજાકભાઈ માલવીયાનું નામ અપાયું છે. અસ્માબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તે અહીં પરિવાર સાથે રહે છે અને જંકશન પ્લોટમાં ગેબનશા પીરની દરગાહ પાછળ આવેલ આગાખાન ગર્લ્સ સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે. દોઢેક વર્ષ પહેલાં વારિસ માલવિયા સાથે સગાઈ થઈ હતી અને પાંચેક મહિના પહેલા લગ્ન થયા હતા. ત્યારથી પરિણીતા પતિ સાથે રાજકોટમાં રહે છે અને સાસુ- સસરા જસદણમાં રહે છે.
દરમિયાન ગઈ તા. ૧૪/૪ ના રાત્રીના પોતે ભોમેશ્વરમાં માતાના ઘરેથી ટયુશન કરાવી ઘરે ગઈ હતી ત્યારે પતિએ તારે ટયુશનનો ટાઇમ શું છે? તું કેમ ઘરે મોડી આવે છે? કહી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. બાદમાં તા. ૧૫/૪ ના બપોરના પતિએ કહ્યું હતું કે આપણે છુટાછેડા લઈ લઈએ જેથી પરિણીતાએ હા પાડી હતી. બાદમાં તેના વાહનમાં મોચી બજાર ખાતે ગયા હતા અને ત્યાં છુટાછેડા માટેની ના કહેતા કોર્ટ ખાતે જવા માટે નીકળ્યા હતા. જામનગર રોડ પર સંજરી મસ્જિદ પાસે પહોંચતા પતિ બોલાચાલી કરવા લાગ્યો હતો અને પત્નિ પાસેથી ફોન લઈ લીધો હતો. જેથી પરિણીતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં જતી રહેતા તે અહીંથી જતો રહ્યો હતો બાદમાં પરિણીતા તેના માતાના ઘરે જતી રહી હતી.
આ પછી પરમ દિવસે ૧૬મીએ રાતે અગીયારેક વાગ્યા આસપાસ ફરિયાદી માતાના ઘરે હતી ત્યારે પતિએ ફોન કરી તું નોકરી કેમ કરે છે હું જોઉં છું કહી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી તેમજ હું હમણાં ત્યાં આવું છું તેમ કહેતા પરિણીતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતા રાત્રિના બારેક વાગ્યે પરિણીતાને તેની બહેન નેહાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, હું તથા મમ્મી ઘરે હતા ત્યારે વારીસ અહીં કાર લઈને આવ્યો હતો અને શેરીમાં ઉભો રહી ડેલી પાસે કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી જતો રહ્યો છે. તેવી વાત કરતા પરિણીતા તુરંત જ ઘરે ગયા હતા અને જોયું તો અહીં આસપાસના લોકોએ આગ ઓલવી નાખી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તે શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય અને ઘરે આવવામાં કયારેક મોડું થઈ જતું હોઇ જેને લઇ પતિ શંકા રાખી ઝઘડો કરતો હતો. પરિણીતા અહીં પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી જે વાત પતિને ગમતી ન હોય અને તે તલાક આપવા માંગતો ન હોય પરંતુ પરિણીતાને તેની સાથે રહેવું ન હોય જેથી તે ધાક ધમકી આપી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય અને ઘર પાસે આગ લગાડી દરવાજા પર ઘા કરી નાસી ગયો હોય જેથી અંતે પરિણીતાએ પતિ વારીસ માલવીયા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવતાં તપાસ શરૂ કરવામાં આવી છે
(3:35 PM IST)










