તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
રાજકોટ શહેર અને જિલ્લામાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા શિક્ષક સંઘની પ્રબળ માંગ
એક જ અધિકારી પાસે ત્રણ-ત્રણ કચેરીઓનો ચાર્જ હોવાથી વહીવટી ગૂંચવાડોઃ પેન્શન, સીપીએફ અને ઉચ્ચતર પગારધોરણના સેંકડો કેસો ટલ્લે ચડયા

રાજકોટ,તા.૧૦: સૌરાષ્ટ્રના શિક્ષણના અગ્રણી કેન્દ્ર સમાન રાજકોટ શહેર અને જિલ્લામાં લાંબા સમયથી કાયમી જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ)ની જગ્યા ખાલી હોવાને કારણે શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર વ્યાપક વિપરીત અસર પડી રહી છે. રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આ ગંભીર મુદ્દે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંઘના હોદ્દેદારોએ અકિલા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, કાયમી શિક્ષણાધિકારીના અભાવે વહીવટી તંત્ર જાણે ખોરવાઈ ગયું છે અને શિક્ષકો તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રશ્નોનો સમયસર નિકાલ થઈ રહ્યો નથી.
શિક્ષક સંઘના પ્રમુખ નારણભાઈ વીરડા (મો.૯૬૮૭૪ ૦૩૨૯૮) અને મહામંત્રી અલ્પેશભાઈ ભાલોડિયા (મો.૯૮૨૪૯ ૦૨૬૩૭) એ સત્તાવાર પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો વધારાનો ચાર્જ લાંબા સમયથી પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જ્યારે રાજકોટ જિલ્લામાંથી શહેર અને જિલ્લાની બે અલગ-અલગ કચેરીઓનું નવું મહેકમ ફાળવવામાં આવેલ હોય, તેમાં પણ હજુ એક જ અધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જવાબદારી સંભાળે છે. એક જ વ્યક્તિ કેટલા વિભાગો સંભાળી શકે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
અધિકારી પર કામનું ભારણ હદ બહાર વધી જતાં સમયમર્યાદામાં પૂરા થવા જોઈતા મહત્વના વહીવટી કાર્યોમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને શિક્ષકોના સી.પી.એફ઼ ખાતા ખોલાવવા, ઉચ્ચતર પગાર ધોરણની મંજૂરીના કેસો તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનના કેસો વગેરે ખૂબ મોટા પ્રમાણમાં બાકી પડ્યા છે. યોગ્ય સમયે આ ફાઈલોનો નિકાલ ન થતા શિક્ષક આલમમાં ભારે અસંતોષ અને વહીવટી ગૂંચવાડો ઊભો થયો છે.
શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ મીડિયા કન્વીનર ભાવેશભાઈ ઈલાણીના જણાવ્યા અનુસાર, એક જ અધિકારીને ત્રણ-ત્રણ કચેરીઓનો કાર્યભાર (ચાર્જ) સોંપવામાં આવતા તેઓ કોઈપણ કચેરીના કામને પૂર્ણ ન્યાય આપી શકતા નથી. અધિકારી પોતે પણ જબરા વહીવટી દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. વહીવટી સરળતા અને શૈક્ષણિક કાર્યક્ષમતા ખાતર બંને જગ્યાએ સ્વતંત્ર અને કાયમી ધોરણે પૂર્ણ સમયના અધિકારી હોવા અનિવાર્ય બન્યા છે.
આવી કપરી પરિસ્થિતિમાં શૈક્ષણિક સમુદાયના વિશાળ હિતમાં સરકારે સત્વરે હકારાત્મક નિર્ણય લેવો જોઈએ. સંઘે પ્રબળ માંગણી કરી છે કે શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજકોટને તાત્કાલિક અસરથી કાયમી જિલ્લા શિક્ષણાધિકારી ફાળવવામાં આવે.
આ રજૂઆતને અગ્રણીઓ કિશોરચંદ્ર બાલોડિયા, મનનભાઈ મંડલી, શૈલેષભાઈ તેમજ ભાવેશભાઈ ચોવટિયા સહિતના તમામ સભ્યોએ સમર્થન આપી યોગ્ય ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ શહેર માધ્યમીક શિક્ષક સંઘના પ્રમુખ નારણભાઇ વીરડા, મહામંત્રી અલ્પેશભાઈ ભાલોડીયા, ભરતભાઈ ભંડેરી, ચંદ્રેશભાઈ ઓઝા, ભાવેશભાઈ ઢોલરીયા, ગિરીશભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:34 PM IST)










