<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

રાજકોટમાં ભયાનક તાપ : ૪૩.૪ ડીગ્રી તાપમાન

સૂર્યદેવનો પ્રકોપઃ રસ્‍તાઓ સુમસામ, ગરમ લૂના કારણે જનજીવન પ્રભાવિત; હજી પણ તાપમાન વધવાની શકયતા

રાજકોટ, તા. ૧૩ :  સૌરાષ્‍ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડવાની તૈયારી કરી છે. આજે બપોરે ૨:૩૦ વાગ્‍યે શહેરનું તાપમાન ૪૩.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાતા આખું શહેર ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે. સતત ફૂંકાતા ગરમ પવનોને કારણે લોકોએ ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે અને શહેરના મુખ્‍ય માર્ગો પર બપોરના સમયે અઘોષિત કરફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સામાન્‍ય રીતે બપોરે બે થી ચાર વાગ્‍યાનો સમય સૌથી વધુ ગરમ હોય છે, પરંતુ આજે ૨:૩૦ વાગ્‍યે જ પારો ૪૩.૪ ડિગ્રીએ પહોંચી જતાં લોકોની મુશ્‍કેલીમાં વધારો થયો છે. વાહનચાલકો રસ્‍તા પર લૂના થપાટો અનુભવી રહ્યા છે. બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.

 રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ જેવા ધમધમતા વિસ્‍તારોમાં પણ ટ્રાફિક નહિવત જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી બચવા માટે શેરડીના રસ, છાશ અને ઠંડા પીણાંનો આશરો લઈ રહ્યા છે.

હવામાન નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, હજી સાંજ સુધીમાં તાપમાનમાં સામાન્‍ય વધારો થઈ શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન પણ રાજકોટ અને આસપાસના વિસ્‍તારોમાં ‘હીટવેવ' જેવી સ્‍થિતિ જળવાઈ રહેશે. પવનોની દિશા બદલાતા અને ભેજનું પ્રમાણ ઘટતા ગરમીનો પારો આસમાને પહોંચ્‍યો છે.

(3:48 PM IST)