<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ઘાંચીવાડમાં અવેશ ઘોણીયાના ઘરે હુશેન ઉર્ફે ભાણાની ટોળકીનો આતંકઃ પાંચને ઇજાઃ વાહનમાં પણ તોડફોડ

જીલ્લા ગાર્ડન ચોકમાં અવેશ ફાકી ખાવા ઉભો ત્‍યારે હુશેન ઉર્ફે ભાણાએ ‘સામુ શું જોવે છે' કહી વાંસામાં ચાનો કડછો ફટકાર્યો પછી તેના ઘરે જઇ ધમાલ : હુશેન, માહિર, સુફી, અરબાઝ, નોઇન, સૈફુ, સલમાન, આદીલ અને દેવો કાથડ છરી, ધોકા, કોયતા સાથે ધમાલ મચાવીઃ સોડા બોટલ-પથ્‍થરના ઘા કર્યાઃ મારામારી કર્યા બાદ જો ફરિયાદ કરીશ તો આખા પરિવારને મારી નાંખશું તેવી ધમકી દીધીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬: શહેરના જીલ્લા ગાર્ડન ચોક પાસે પાનની દુકાને ફાકી ખાવા ગયેલા ઘાંચીવાડના યુવાન સાથે આ વિસ્‍તારના શખ્‍સોએ સામુ જોવા મામલે માથાકુટ કર્યા બાદ નવ જેટલા શખ્‍સોએ ટોળકી રચી તેના ઘર પર છરી, ધોકા, કોયતા સાથે પહો઼ચી જઇ હુમલો કરી તેમજ ઘર પર સોડા બોટલો અને પથ્‍થરોના ઘા કરી આતંક મચાવતાં દેકારો મચી ગયો હતો. આ હુમલામાં પાંચને ઇજા પહાંચવા સાથે વાહનમાં પણ ટોળકીએ તોડફોડ કરી હતી. બનાવને પગલે પોલીસ દોડી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ઘાંચીવાડમાં રાતે મારામારી થતાં શેરી નં. ૬માં રહેતાં નસિરૂદ્દીનભાઇ અબ્‍દુલભાઇ ઘોણીયા (ઉ.વ.૫૫), તેના ભત્રીજા અમન રફિકભાઇ ઘોણીયા (ઉ.વ.૧૯), અમનના માતા નઝમાબેન રફિકભાઇ ઘોણીયા (ઉ.વ.૫૦) તેમજ અવેશ નસિરૂદ્દીનભાઇ ઘોણીયા (ઉ.વ.૨૮)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે હોસ્‍પિટલે પહોંચી અવેશ નસિરૂદ્દીનભાઇ ઘોણીયાની ફરિયાદ પરથી ઘાંચીવાડના જ હુશેન ઉર્ફે ભાણો હારૂનભાઇ સંધી, માહિર મેમણ, સુફી સલીમભાઇ સંધી, અરબાઝ ઉર્ફે અબો અલ્‍તાફભાઇ દોઢીયા, સૈફુ સલીમભાઇ સંધી, સલમાન ઉર્ફે ભોદીયો ચોૈહાણ, આદીલ સિપાહી અને દેવો કાથડ તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

અવેશ પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેની સાથે પિતા નસરૂદીનભાઇ, બહેન સુમેરાબેન સાથે રહે છે. તેની બાજુમાં તેના કાકા રફીકભાઇ ઘોણીયા, કાકી નઝમાબેન, તેના દિકરાઓ અમન અને ફહદ રહે છે. અવેશએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મંગળવારે રાતે નવેક વાગ્‍યે હું  ઘરેથી જમીને મારૂ એકટીવા  જીજે૦૩કેઆર-૦૫૬૦ લઇને જીલ્લા ગાર્ડન ચોક ખાતે ભારત હોટેલ પાસે ફાકી ખાવા માટે ગયો હતો. ત્‍યા મારા ફુવા નિઝામભાઇ અગવાન ભેગા થતાં અમે બંને ફાકી ખાઇને  થોડી વાર ઉભા હતાં. તે વખતે ત્‍યાં હુશેન ઉર્ફે ભાણો સંધી કોઈની સાથે જોર-જોરથી બોલતો હોઇ મેં તેની સામે જોયું હતું.

આથી  હુશેને મને તું કેમ મારી સામે જોવે છે? કહી સીધી નેફામાંથી છરી કાઢી-આ તને ઘાલી દઇશ તેમ કહી ગાળ દીધી હતી. બાદમોં બાજુના ચાના કીટલા પાસેથી કડછો લઇને મને વાંસાના ભાગે મારી દીધો હતો. જેથી હઅું ત્‍યાંથી નીકળી મારા ઘરે જતો રહ્યો હતો. થોડીવાર બાદ હુશેન ઉર્ફે ભાણો મારા ઘર પાસે આવ્‍યો હતો અને બેફામ ગાળો બોલતો હતો. જેથી મારા પિતા નસિરૂદ્દીનભાઇ તેને સમજાવવા ગયા હતાં. પરંતુ તેણે ગાળો બોલવાનું ચાલુ રાખ્‍યું હતું. બાદમાં તેણે ફોન કરતાં થોડીવારમાં જ બીજા શખ્‍સો માહીર મેમણ અને સુફી સંધી આવ્‍યા હતાં અને મને તથા મારા પિતાજીને ગાળાગાળી કરી ત્રણેય ઝપાઝપી કરવા લાગેલ હતા. આ દરમિયાન અરબાઝ ઉર્ફે અબો તથા નોઈનખાન લાકડાના ધોકા સાથે તથા સૈફુ સંધી કોયતા જેવુ હથીયાર લઇને આવ્‍યા હતાં.

તેમજ  સલમાન ઉર્ફે ભોદીયો તથા આદીલ, દેવો કાથડ પણ સોડા બોટલો અને પથ્‍થર સાથે આવ્‍યા હતાં અને અમારા ઘર પર આડેધડ ઘા ચાલુ કર્યા હતાં.  તે વખતે મારા ઘરમાંથી મારા બહેન સુમેરાબેન તથા પિતા  તેમજ બાજુમાંથી મારા  કાકા રફીકભાઇ, કાકી નઝમાબેન સહિતના બહાર આવ્‍યા હતાં અને આ બધાને સમજાવવા જતા આ બધાએ તેમને ઘેરી લઇને ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો. આ વખતે અરબાઝ, નોઇને મારા પિતા, કાકાને ધોકાથી માર માર્યો હતો. કાકાનો દિકરો અમન વચ્‍ચે પડતાં તેને પણ કોયતાથી ઇજા પહોંચાડીહ તી. મારા બહેન સુમેરાબેન, કાકી નઝમાબેનને પણ આ લોકોએ મુંઢ માર માર્યો હતો. તેમજ મારા એક્‍ટીવામાં ધોકા ફટકારી તોડફોડ કરી હતી. દરમિયાન પોલીસ આવી જતાં  આ બધા ભાગી ગયા હતાં. જતાં જતાં અરબાઝ અને હુશેન ઉર્ફે ભાણાએ જો ફરીયાદ કરીશ તો તને તથા તારા પરીવારને જીવતા નહી રહેવા દઉં તેવી ધમકી આપી હતી. બાદમાં ૧૦૮ કોઇએ બોલાવતમાં મને, મારા પિતા, કાકા,  કાકાના દિકરા, કાકીને હોસ્‍પિટલે ખસેડયા હતાં. એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોનસ. આર. આર. બાવળવાએ ગુનો નોંધતાવ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(2:45 PM IST)