તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
લાલ ગાડી માટે થનગનાટઃ મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના હોદાઓ માટે સેન્સ લેતુ ભાજપ
ભાજપ પ્રદેશમાંથી માજી સાંસદ નટુજી ઠાકોર સહિતના ત્રણ નિરીક્ષકોએ દાવેદારોને વોર્ડ વાઇઝ સાંભળ્યા

રાજકોટ, તા.ર, મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે ભાજપ દ્વારા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામ નક્કી કરવા માટે આજે શનિવારે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા માટે પ્રદેશ દ્વારા નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશ ઓડેદરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે શનિવારે સવારે ૧૧ વાગ્યાથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ શાસક પક્ષના દંડક પદ માટે દાવેદારી રાખતા કોર્પોરેટરોને સાંભળવામાં આવ્યા હતા.
સૌપ્રથમ મેયર પદ માટે દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવેલ. ત્યારબાદ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અંતે શાસક પક્ષના નેતા તથા દંડક પદ માટે દાવેદારી કરનાર કોર્પોરેટરોને પોતાની વાત રજૂ કરવાની તક અપાઇ હતી.
તમામ હોદ્દાઓ માટે આવેલા નામો અંગે ચર્ચા કર્યા બાદ શહેર ભાજપની સંકલન સમિતિ દ્વારા ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે.
આ પેનલ ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન ટિકિટ ફાળવણી સમયે સેન્સ લેવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે પણ સેન્સ લેવાની પ્રથા શરૂ કરી છે.
ભાજપના પ્રતીક પરથી ચૂંટણી લડીને કોર્પોરેટર બનેલા તમામ ૬૫ કોર્પોરેટરો કોઈપણ પદ માટે પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરી શકે છે. જોકે આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે. દાવેદારી ન કરનારને પણ પદ મળવાની શકયતા નકારી શકાતી નથી.
(4:15 PM IST)










