<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

૧૦ હજારની રોકડ સાથે ૨૦ કિલોની તિજોરીની ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે મિત્રો ઝડપાયા

પૈસાની ખેંચ હોઇ પ્‍લમ્‍બર અને તેના મજુર મિત્રએ પ્‍લાન ઘડયો'તો : ગાંધીગ્રામના એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, ભવદીપસિંહ, જયદેવસિંહ, ચંદ્રદિપસિંહની બાતમી

રાજકોટ તા. ૨૭: શહેરના લીંબુડીવાડી રોડ પર ન્‍યુ એરા સ્‍કૂલ નજીક આવેલા માધવ વાટીકા કોમ્‍પલેક્ષની ઓફિસ નં. ૧૨ના તાળા તોડી કોઇ ૨૦ કિલો વજનની તિજોરી ચોરી ગયું હતું. જમોં ૧૦ હજારની રોકડ પણ હતી. આ ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી બે શખ્‍સો ઋત્‍વીક ભરતભાઇ ઉર્ફે શક્‍તિભાઇ દુધૈયા (ઉ.વ.૨૬-રહે. જામનગર રોડ, બી. એ. ડાંગર કોલેજ પાછળ ૨૨૫ વારીયા ક્‍વાર્ટર) તથા તેના મિત્ર રત્‍નદિપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.૨૩-રહે. જામનગર રોડ ૨૫ વારીયા ક્‍વાર્ટર નં. ૨ બ્‍લોક નં. ૫૯૨)ને પકડી લઇ તિજોરી, રોકડા ૧૦ હજાર, ૫૫ હજારના મોબાઇલ ફોન અને ૧૦ લાખની વર્ના કાર જીજે૨૭સીએફ-૫૩૩૮ કબ્‍જે કર્યા છે.

ચોરીની ફરિયાદ દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરતાં એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. ભવદિપસિંહ ગોહિલ, કોન્‍સ. જયદિપસિંહ પરમાર, ચંદ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતાં આ બંને શખ્‍સને જામનગર રોડ એઇમ્‍સ હોસ્‍પિટલના રસ્‍તેથી પકડી લીધા છે. બંને આ ઓફિસ આસપાસ આવતાં જતાં હોઇ અહિ કેમેરા પણ ન હોઇ તેનાથી વાકેફ હતાં. રૂત્‍વીક પ્‍લમ્‍બીંગ કામ કરે છે અને રત્‍નદિપસિંહ છુટક મજૂરી કરે છે. બંનેને પૈસાની ખુબ  જરૂર હોઇ ઓફિસના તાળા તોડી અંદર ઘુસ્‍યા હતાં. કોઇ રોકડ કે બીજી ચીજવસ્‍તુ ન દેખાતાં આખી તિજોરી ઉઠાવી લીધી હતી. ચોરી કરવા માટે બંનેએ મિત્રની કાર ઉછીની લીધી હતી. તે પણ પોલીસે કબ્‍જે કરી છે.

ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક, ભવદિપસિંહ ગોહિલ, કોન્‍સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા, ચંદ્રદિપસિંહ જાડેજા, કોૈશિકભાઇ ડાંગર, હોમગાર્ડ હરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. 

(3:26 PM IST)