News of Friday, 20th November 2026
શ્રમિકોને રૂા.૫ માં ભોજન આપવા ૪૦૦ કેન્દ્રો છે, હજુ ૩૦૦ કેન્દ્રો વધારાશેઃ રાજકોટમાં શ્રમિકા બસેરા બનાવાશે
૪ નવા લેબર કોડના અમલમાં ગુજરાત મોખરેઃ લોચન શહેરા ગાંધીનગર જી.આઈ.ડી.સી. ગેઝિયા ખાતે શ્રમ સંવાદ પ્રસંગે વિભાગના સચિવ શ્રી લોચન શહેરા, એ.કે. વસ્તાણી, આર.જી.મીણા વગેરે ઉપસ્થિત રહયા હતા.

રાજકોટ, તા.૨૦: શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ શ્રી લોચન શહેરાએ જણાવ્યું હતું કે, ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યભરમાં ટ્રેનિંગ પ્રોગ્રામ્સ શરૂ કરાયા છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે. ૨૦૧૯-૨૦માં લવાયેલા ચાર નવા લેબર કોડનું નવેમ્બર ૨૦૨૫માં નોટિફિકેશન થતાં દેશભરમાં તેનો અમલ શરૂ થયો છે. નિયમો નોટિફાય કરવા, કોમ્પિટન્ટ ઓથોરિટીઝની નિમણૂક, ઓનલાઈન પોર્ટલ અને સોશિયલ સિકયુરિટી ફંડ બનાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. તેમણે રેગ્યુલેટરી અને વેલ્ફેર બંને પાસાઓ પર ભાર મૂકતાં જણાવ્યું કે, કમ્પાઉન્ડિંગ અને ઓનલાઈન વ્યવસ્થાથી compliance સરળ કરાયું છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ.૫માં ભોજન આપતા કેન્દ્રો ૩૦૦થી વધીને ૪૦૦ થયા છે અને છ મહિનામાં ૭૦૦ સુધી લઈ જવાશે. શ્રમિક બસેરા હેઠળ ગાંધીનગર -ગિફ્ટ સિટી અને અમદાવાદમાં આવાસ તૈયાર છે તથા વડોદરા, સુરત અને રાજકોટમાં કામગીરી ચાલુ છે. સાણંદ GIDCના મોડલ મુજબ GIDC જમીન, સરકાર ભંડોળ અને એસોસિએશન નિર્માણ-સંચાલન કરે તેવી વ્યવસ્થા અન્ય એસોસિએશનોને પણ અપનાવવા તેમણે આહવાન કર્યું હતું. કૌશલ્ય વિકાસ માટે PM સેતુ હેઠળ ૧,૦૦૦ ITI અપગ્રેડેશન માટે રૂ.૬૦,૦૦૦ કરોડની જોગવાઈમાં ગુજરાતને ૬૦ ક્લસ્ટર મળ્યા છે, જ્યારે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન હેઠળ તાલીમ ખર્ચના reimbursement સાથે રોજગારી અપાય છેર્.ી તેમણે જણાવ્યું કે, રૂ.૫ લાખના અકસ્માત વીમામાં આગામી બજેટમાં કુદરતી મળત્યુનો પણ સમાવેશ કરાઈ રહ્યો છે. તેમજ ૨૧-૨૨ તારીખે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય શ્રમ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતળત્વમાં રાજ્યોના શ્રમ મંત્રીઓ અને સચિવોની ચિંતન શિબિર યોજાશે.
કાર્યક્રમ અંતર્ગત ઉદબોધન કરતાં ડો. આર. જી. મીણાએ જણાવ્યું કે, નવા શ્રમ કાયદાઓની માહિતી પહોંચાડવા રાજ્યભરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં ગાંધીનગરનો આ ૫૧મો કાર્યક્રમ છે.
કેપેસિટી બિલ્ડિંગ કાર્યક્રમમાં શ્રી એ. કે. વસ્તાનીએ જણાવ્યું કે, ૨૯ જૂના લેબર એક્ટને મર્જ કરીને બનાવાયેલા આ કોડ આધુનિક સમયની જરૂરિયાત છે અને ઔદ્યોગિક હબ ગુજરાત માટે લાભદાયી છે.
શ્રમ સંહિતાઓની રૂપરેખા પર સલાહકાર ડો. આર. જી. મીણાએ ચર્ચા કરી. સેશન ૨માં નોકરીદાતાઓ માટેના મુખ્ય અનુપાલન અંતર્ગત કોડ ઓન વેજીસ, ૨૦૧૯, IR કોડ અને OSH&WC કોડ, ૨૦૨૦ પર આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર શ્રી પી. જી. ગજેરાએ તથા કોડ ઓન સોશિયલ સિકયુરિટી, ૨૦૨૦ પર શ્રી ક્રિશન કુમારએ વાત કરી. સેશન ૩માં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પર RO નરોડા શ્રી કાનરામ મીણા DGLW શ્રી રતનલાલ સાહા અને સેશન ૪મા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પર DGLWના પ્રતિનિધિએ ચર્ચા કરી હતી.
આ સંવાદના પ્રસંગે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના ક્રિષ્ન કુમાર, અધિક શ્રમ કમિશનર સુશ્રી ડૉ. વાય. એમ. શેખ, શ્રમ કમિશનર (ઇન્ચાર્જ) શ્રી આશિષ ગાંધી તેમજ અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ લેબર શ્રી એ. વી. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નેહા તલાવિયા - કિશન જાદવ
(2:39 PM IST)










