તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
રાજયના અનેક તાલુકામાં સસ્તા અનાજની દુકાનો ઉપર મે મહિનાનો જથ્થો નહી પહોંચતા અસહકાર આંદોલનની જાહેરાત
રાજકોટમાં એક માત્ર લોધીકા બાકી હતું ત્યાં પણ આજે સાયકલ પુરી કરી લેવાઇ છે : જો કે રાજકોટના અગ્રણીઓ કહે છે... રાજકોટમાં બધે જથ્થો પહોંચી ગયો છેઃ આંદોલનમાં નહિ જોડાય

રાજકોટ, તા., ૧૮: સુરત શહેર સહિત રાજયભરમાં વ્યાજબી ભાવની દુકાનોમાં લાખો ગ્રાહકોને અનાજ અપાયું છે. આ વખતે અડધો મે મહિનો પુર્ણ થઇ ગયો હોવા છતા દુકાનદારો સરકારી અનાજ આવવાની રાહ જોઇ રહયા છે.
ગુજરાત ફેરપ્રાઇઝ એસોસીએશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ એડવાન્સમાં રૂપીયા ભરવા છતા અનેક તાલુકાની દુકાનો પર મે મહિનાનો સરકારી અનાજનો જથ્થો પુરવઠા નિગમ કે પછી નિયામક કચેરી દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા થઇ નથી. અને હવે જુન મહિનાની પરમીટ માટે એડવાન્સમાં રૂપીયા ભરવા માટે તારીખ નક્કી કરી છે. હવે દુકાનદારો સાથે થતી અન્યાય પ્રણાલી સામે દુકાનદારો અસહકારનું આંદોલન શરૂ કરવા માંગે છે. આગામી તા. ર૧ મે સુધી તમામ દુકાનદારોને ત્યાં મે મહિનાનો જથ્થો નહિ મળે તો જુનની પરમીટ નહી ઉપાડાય તેમ જાહેર કરાયું છે.
બીજી બાજુ રાજકોટ ફેર પ્રાઇઝ એસો.ના અગ્રણીઓનો સંપર્ક કરતા બહાર આવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં તમામ તાલુકાની દુકાનો ઉપર માલ પહોંચી ગયો છે. એક માત્ર લોધીકા બાકી હતું ત્યાં પણ આજે સાયકલ પુરી થઇ છે. રાજયમાં ૮૦ ટકા સ્થળે માલ પહોંચી ગયાનો દાવો કરતા આ હોદેદારોએ જણાવેલ કે આ એક સામાન્ય બાબત છે. અને આમા ર૧ મીથી જુનની પરમીટ નહિ ઉપાડવાની કોઇ બાબત નથી. રાજકોટના દુકાનદારો આ અસહકારના આંદોલનમાં જોડાવાના નથી.
(2:53 PM IST)










