તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
મોચી બજાર મેઇન રોડ પર વાસણની દૂકાનમાં ચોરઃ બે તસ્કર સકંજામાં
વહેલી સવારે જાળી તોડી ૩૫ હજાર ચોરી ગયાઃ કેમેરામાં કેદ થયાઃ એ-ડિવીઝન પોલીસે ભાવીનભાઇ કાગડાની ફરિયાદ નોંધીઃ ડીસીબીએ શકમંદોને દબોચ્યા

રાજકોટ તા. ૭: શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. મોચી બજાર મેઇન રોડ પર વાસણની દૂકાનમાં જાળી તોડીને ઘુસી જઇ બે તસ્કર રોકડ ચોરી ગયા છે. આ બંને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મોચી બાજર મેઇન રોડ કડીયા સમાજની વાડીની બાજુમાં ડીલક્સ આઇસ્ક્રીમ સામે રહેતાં ભાવીનભાઇ કાંતિભાઇકાગડા-કંસારા (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
ભાવીનભાઇ કાગડા ત્રણ માળના મકાનમાં રહે છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં સી.બી. મેટલ નામે વાસણની દુકાન ચલાવે છે. મકાનમાં અને દુકાનમાં પ્રવેશ માટે એક જ રસ્તો છે. દુકાનના ભાગે શટર છે અને બાજુમાં જ ડેલી છે. તા.૪ના રાતે સવા નવેક વાગ્યે દુકાન બંધ કરી હતી અને શટર પાડી અંદરના ભાગેથી તાળુ માર્યુ હતું. તેમજ લોખંડની ડેલી પણ બંધ કરી હતી. બાદ ૫ાંચમીએ સવારે પોણા સાતેક વાગ્યે ભાવીનભાઇની દિકરીને કોલેજ જવું હોઇ તે નીચે ઉતરી ત્યારે દૂકાનમાં જવાની ગ્રીલ જાળીના દરવાજે મારેલુ તાળુ ખુલતું ન હોઇ તેણે પિતા ભાવીનભાઇને જગાડયા હતાં.
તેમણે તપાસ કરતાં ખબર પડી હતી કે તાળાને કોઇ ભારે વસ્તુથી ટોચા મારી તોડવાનો પ્રયાસ થયો હતો. વધુ તપાસ કરતાં જાળી બાજુમાં તૂટેલી જોવા મળી હતી. નીચે દૂકાનમાં તપાસ કરતાં વાસણ સહિતની વસ્તુ જેમની તેમ જોવા મળી હતી. પણ વેપરના રૂપિયા રાખવાના ગલ્લામાંથી રૂા. ૩૫૦૦૦ ગાયબ જણાયા હતાં. સીસીટીવી કેમેરા ચેક કરતાં ૫ાંચમીની સવારે સવા ત્રેણક વાગ્યે બે તસ્કર ગેલેરીમાં બીજા માળે આવેલી ગ્રીલ તોડતાં જોવા મળ્યા હતાં. ઘરમેળે ચર્ચા વિચારણા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં ભાવીનભાઇએ કહેતાં પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. એન. બી. શીયાળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:35 PM IST)










