તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
મિત્રના નામે આવેલી આરટીઓ ઇ-ચલણની ફાઇલ મોકલી ગઠીયાઓએ વેપારીના ખાતામાંથી ૪.૫૬ લાખ ઉસેડી લીધા
મોબાઇલમાં ઓટો મિડીયા ડાઉનલોડ મોડ હોઇ એપીકે ફાઇલ ઓટોમેટિક ડાઉનલોડ થઇ ગઇ અને ગઠીયાઓએ ટ્રાન્જેકશન કરી લીધા : ગોવર્ધન ચોકમાં રહતાં મેડીકલ સર્જીકલ ચીજવસ્તુના વેપારી તીર્થ દેસાઇ સાથે બનાવઃ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો

રાજકોટ તા. ૩૦: શહેરના ૧૫૦ ફીટ રીંગ રોડ વિસ્તારમાં રહેતા અને મેડિકલ સર્જિકલ સાધનોનો વ્યવસાય કરતા એક યુવાન સાથે સાયબર ઠગોએ મિત્રના વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ. ૪.૫૬ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એપીકે ઈ-ચલણના નામે મોકલેલી એક જોખમી એપીકે ફાઈલ ડાઉનલોડ થતા જ વેપારીના બેંક ખાતામાંથી મંજૂરી વગર નાણાં ઉપડી ગયા હતા.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ગોવર્ધન ચોક ૧૫૦ રીંગ રોડ ઇગલ રેસીડેન્સી પાસે સ્કાય હાઇટ્સ સી-૯૦૧માં રહેતાં અને મેડીકલ સર્જીકલને લગતી વસ્તુનો વેપાર કરતાં તીર્થભાઇ ગીરીશભાઈ દેસાઇ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ ગત તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ તીર્થ દેસાઇના મોબાઈલ પર મ્યુચ્યુઅલ ફંડનો હપ્તોકપાયાનો મેસેજ આવ્યો હતો. બેંકમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેના કેનેરા બેંકના ખાતામાંથી તેમની જાણ બહાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા મોટી રકમ ઉપડી ગઈ છે. જેથી તેણે બેંકમાં અને સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તીર્થભાઇના મિત્ર ભરતભાઈના વોટ્સએપ નંબર પરથી આરટીઓ-ઇ ચલાન નામની એક ફાઈલ આવી હતી. તો ફોનમાં મીડિયા ઓટો ડાઉનલોડ મોડ ચાલુ હોવાથી આ એપ્લિકેશન આપમેળે ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. આ એપ્લિકેશન દ્વારા સાયબર માફિયાઓએ ફરિયાદીના ફોનનો બિનઅધિકળત એક્સેસ મેળવી લીધો હતો. અ પછી ગઠીયાઓએ તીર્થભાઈના કેનેરા બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન માધ્યમથી બે મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હતાં. જેમાં એક ટ્રાન્જેકશન રૂા. ૩,૨૬,૧૪૧નું અને બીજુ ૧,૨૯,૯૮૫નું હતું. આ રીતે કુલ ૪,૫૬,૧૨૬ રૂપિયા ગઠીયાઓએ ઉપાડી લીધા હતાં.
આ અંગે અગાઉ એનસીઆરપી પોર્ટલ પર અરજી કર્યા બાદ હવે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઠગો અને ક્રેડિટ કાર્ડ ધારકો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વોટ્સએપ પર આવતી અજાણી લિંક કે એપીકે ફાઈલ કેટલી જોખમી સાબિત થઈ શકે છે. વોટ્સએપ કે એસએમએસ પર આવતી કોઈ પણ એપીકે એક્સ્ટેન્શન વાળી ફાઈલ કયારેય ડાઉનલોડ કરવી નહીં. મિત્ર કે પરિચિત વ્યક્તિના નામથી પણ આવી શંકાસ્પદ ફાઈલ આવે તો તેને ખોલતા પહેલા ખાતરી કરી લેવી. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. બી. વારીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(3:52 PM IST)










