<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

આવી રૃડી દિવાળી : કાલે લાખાજીરાજ રોડ ઝળહળશે

દીપાવલી કા ત્યોહાર દૂર કરે અંધેરા, દીપ જલે ઐસે લગે જૈસે સવેરા : સર લાખાજીરાજ રોડ ઓલ મર્ચન્ટ એશો. દ્વારા નયનરમ્ય રોશની અને સોહામણુ સુશોભન

રાજકોટ, તા. ર૭ : સર લાખાજીરાજ રોડ ઓલ મર્ચન્ટ એશો. દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે બાપુના બાવલા તરીકે ઓળખાતા ચોકથી પ્રહલાદ ટોકીઝ સુધી સમગ્ર લાખાજીરાજ રોડ પર રોશની અને સુશોભનનું આયોજન કરવામાં આવેલ છે. જેનો વિધિવત શુભારંભ આવતી કાલે બુધવાર  ૬ વાગ્યે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં થશે. દીપાવલીના પર્વને વધાવવા વેપારીઓ અને નગરજનોમાં ઉત્સાહ છે. રોશની અને સુશોભનથી રોડની રોનક વધશે. સર લાખાજીરાજ રોડ ઓલ મર્ચન્ટ એશો.ના પ્રમુખ મૌલિકસિંહ વાઢેર (વિશ્રામ હોટલ) અને ઉપપ્રમુખ હરીશ દાસાણી (રાજકીય આઇસ્ક્રીમ) જણાવે છે કે એશો.ના બધા સભ્યોની જહેમતથી અને વેપારીઓના સહયોગથી સમગ્ર લાખાજીરાજ રોડને દીપોત્સવી નિમિત્તે સુશોમિત કરવામાં આવ્યો છે.

દીપ પ્રાગટય દ્વારા અંધકારને ઉલેચીને પ્રકાશ પાથરવાનો પુનિત અવસર એટલે દીપવાલી, પ્રકાશના સત્કારના આ મહાપર્વએ દ્વારે કર્ણપ્રિય ટકોરા માર્યા છે. રોડ તથા ઇટ-સિમેન્ટની ઇમારતને વીજળીના નાના-મોટા ગોળાથી રોશન કરવાની સાથે દિલના ગોખલે સ્નેહના દીવા પ્રગટાવીએ. આ સ્વર્ણિમ ઉજાસ આપણને નવા વર્ષમાં નવા સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. લાખાજીરાજ રોડ પરનો ઝળહળાટ સૌને ગમશે તેવી અમને આશા છે. વેપારી સંગઠન સૌને દીવાળીની શુભકામના પાઠવે છે.

સર લાખાજીરાજ રોડ ઓલ મર્ચન્ટ એશો.માં પ્રમુખ મૌલિકસિંહ વાઢેર, ઉપપ્રમુખ હરીશ દાસાણી, મંત્રી અશોક પલાણ, સહમંત્રી રીયલ મહેતા, ખજાનચી દીપક ખખ્ખર, એડવાઇઝર હિતેષ અનડકટ અને પરેશ કોરાટ ઉપરાંત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે.

(5:26 PM IST)