<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

એ લોકો ખેતરમાં મને નગ્ન કરી ખરાબ કરાવતાં, એટલે આત્‍મહત્‍યા કરુ છું...હોડથલીના ખેડુતની બાડપરની વાડીમાંથી લાશ મળી

ચિઠ્ઠીમાં લખ્‍યું-ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ વીસ હજાર પડાવ્‍યા હતાં: હું વાત કોઇને કરી શકું એમ નથી, બહુ કંટાળી ગયો છું: પરિવારને મૃત્‍યુ અંગે શંકા ઉપજતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ ગત સાંજે પાંચેક વાગ્‍યે વાડીએ ગયા, રાતે દસ સુધી ઘરે ન આવતાં દિકરા તપાસ કરવા જતાં લાશ જોવા મળીઃ પરિવારનો આધારસ્‍તંભ હતાં: આજીડેમ પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું

રાજકોટ તા. ૫: સરધાર નજીકના હોડથલી ગામે રહેતાં ખેડુત ગઇકાલે સાંજે ઘરેથી નજીકના બાડપર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ જવાનું કહીને નીકળ્‍યા બાદ રાત સુધી પરત ન આવતાં બે દિકરા વાડીએ તપાસ કરવા જતાં તેમને પિતાની લાશ ખાટલામાં પડેલી જોવા મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મૃતક પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેણે ચોંકાવનારી વાતો લખી હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના આપઘાતની હોવાની પ્રાથમિક શક્‍યતા છે. અન્‍ય કંઇ તો બન્‍યું નથી ને? તે બાબતે પરિવારે શંકા દાખવતાં પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. ખેડુતે પોતાને ખેતરે નગ્ન કરી અમુક શખ્‍સો ખરાબ કરાવી ફોટા વિડીયો લેતાં હોવાનો ઉલ્લેખ કર્યો હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુબજ હોડથલી ગામે રહેતાં હરિભાઇ રાજાભાઇ જાદવ (ઉ.વ.૫૦) ગઇકાલે સાંજે સાડાચાર પાંચેક વાગ્‍યે ઘરેથી બાઇક લઇને વાડીએ જવાનું કહીને નીકળ્‍યા બાદ રાતે દસ સુધી તે પરત ન આવતાં તેમનો ફોન પણ ઘરે હોઇ બે દિકરા મયુરભાઇ અને શૈલેષભાઇ વાડીએ તપાસ કરવા ગયા હતાં. જ્‍યાં તેઓ ખાટલામાં બેભાન મળતાં ૧૦૮ બોલાવાઇ હતી. જેના તબિબે તેમને મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ મૃત્‍યુ અંગે શંકા દર્શાવતા મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવવા પોલીસે તજવીજ કરી હતી.

મૃત્‍યુ પામનાર હરિભાઇ પરિવારના એકના એક આધારસ્‍તંભ હતાં. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. હરિભાઇ પાસેથી એક ચિઠ્ઠી પરિવારજનોને મળી આવી છે. આ ચિઠ્ઠીમાં તેમણે લખ્‍યું છે કે-આ મારુ લખાણ છે, મને આ લોકો બે વર્ષથી હેરાન કરે છે, મારી નાંખવાની ધમકી આપે છે અને અવાર-નવાર રાતે હેરાન કરે છે. મને નગ્ન કરી ખેતરમાં મારે છે અને નગ્ન કરીે ખરાબ કરાવે છે. હું આવુ દુઃખ સમાજને કઇ શકુ તેમ નથી. મારા ભાયુને આ વાત કરેલી છે કે મારી સાથે આવુ થાય છે. રૂપિયા ૨૦ હજાર બે લોકોએ મારી પાસેથી પડાવી લીધા છે. આ લોકોએ મારો ફોટા વિડીયો બનાવેલા છે, જેમાં કુતરો પણ સાથે હતો. પછી ધમકી આપી હતી કે આ વાત કોઇને કરીશ તો ફોટા વિડીયો વાયરલ કરી દઇશું. હું આનાથી કંટાળી ગયો છું, આ વાત કોઇને કહી શકું તેમ નથી. માટે આત્‍મહત્‍યા કરુ છું.

હરિભાઇએ ચિઠ્ઠીમાં આગળ લખ્‍યું છે કે બાડપરનો નરેશ અને હરિપરનો રવજી આ લોકો તથા અજાણ્‍યા માણસો મોઢે રૂમાલ બાંધીને આવે છે. આવા છ લોકોના કારણે હું આત્‍મહત્‍યા કરુ છું. પોલીસે આ ચિઠ્ઠીને આધારે તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. કોણ શા માટે હેરાન કરતું હતું? કેવા ફોટા વિડીયો હતાં? તેની તપાસ થઇ રહી છે.

(11:03 AM IST)