તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજકોટમાં ૭ મત ગણતરી કેન્દ્રો પર પોલીસનું થ્રી-લેયર સુરક્ષા કવચઃ સાત એસીપી અહિના ઇન્ચાર્જ
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મત ગણતરી કેન્દ્રોની વિઝીટ લીધીઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ બંદોબસ્તની વિગતો જણાવીઃ જેસીપી ચૈતન્ય માંડલીકના સુપરવિઝનમાં ચાંપતો બંદોબસ્ત : વિજય સરઘસ માટે પોલીસે સિંગલ વિન્ડો ટેબલની સુવિધા ઉભી કરીઃ ત્યાંથી મંજુરી આપી પોલીસ બંદોબસ્ત પણ અપાશેઃ જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૮: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીની આજે મતગણતરી યજાઇ હોઇ આ પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમાં થાય એ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જડબેસલાક બંદોબસત ગોઠવ્યો હતો. ખુદ પોલીસ કમિશનર પણ સવારથી અલગ અલગ મત ગણતરી કેન્દ્ર ખાતે રૂબરૂ પહોંચ્યા હતાં અને બંદોબસ્ત પર નજર રાખી હતી. દરમિયાન ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ બંદોબસ્તની વિગતો આપતાં જણાવ્યું હતું કે શહેરમાં કુલ ૭ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે.
દરેક મતગણતરી કેન્દ્ર પર પોલીસ દ્વારા ત્રણ લેયરનું ચુસ્ત સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. જેમાં આંતરિક લેયરમાં હથીયારી એસઆરપી ગાર્ડ દ્વારા સુરક્ષા રાખવામાં આવી છે. જ્યારે બહારના બે લેયરમાં સિવિલ પોલીસ, ટ્રાફિક પોલીસ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી છે. તમામ મત ગણતરી કેન્દ્રો ખાતે ૭ એસીપી કક્ષાના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. સમગ્ર પ્રકિયાનું સુપરવિઝન એડીશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવ્યું હતું.
ચુંટણીના પરિણામો બાદ ઉમેદવારો વિજય સરઘસ કાઢી શકે તે માટે પોલીસ દ્વારા સિંગલ વિન્ડો ટેબલની સુવિધા ઊભી કરવામાં આવી હતી. જે ઉમેદવારો વિજયી બને તેમણે અહીંથી મંજૂરી મેળવીને પોલીસ બંદોબસ્ત સાથે સરઘસ કાઢવાનું રહેશે.
પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી વિજય સરઘસ વખતે જાહેર રોડ પર ફટાકડા ફોડવા પર અને એક બીજા પર ફટાકડા ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. ડીસીપી જગદીશ બાંગરવાએ રાજકોટની જનતા અને ઉમેદવારોને અપીલ કરી હતીે કે કાયદાની મર્યાદામાં રહીને અને સામાન્ય જનતાને અડચણ ન થાય તે રીતે વિજયની ઉજવણી કરવામાં આવે. સવારથી જ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ મત ગણતરી કેન્દ્રો પર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવ્યો હતો.
(11:50 AM IST)










