<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

એટીએમમાં પૈસા ફસાવી ચોરી કરતાં યુપીના ત્રણ શાતીર ગુનેગાર ઝડપાયાઃ રાજકોટ સહિતના ૧૪ ગુના કબુલ્‍યા

બેંકમાં રજાના દિવસે અથવા બેંક બંધ હોય તે સમયે એટીએમની રેકી કરતાં, એટીએમમાં કોઈ માણસ હાજર ન હોય ત્‍યારે મશીનના ડિસ્‍પેન્‍સર બોક્‍સમાં એલ્‍યુમિનીયમની પટ્ટી ફીટ કરી બહાર જતા રહેતાં : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસિયાની સૂચના અને પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડાભોર, સી.એચ.જાદવ, પીએસઆઈ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણાની ટીમની કસમગીરીઃ એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. સંજયભાઈ અલગોતર તથા કોન્‍સ. નિકુંજભાઈ મારવીયા અને સંજયભાઈ ખાખરીયાની બાતમી

રાજકોટ તા. ૧૦: શહેર પોલીસ સ્‍ટેશનની ક્રાઇમ બ્રાન્‍ચ ટીમે એટીએમ મશીન સાથે છેડછાડ કરી રોકડ રકમની ચોરી કરતી ઉત્તરપ્રદેશની આંતરરાજ્‍ય ગેંગના ત્રણ શાતિર આરોપીઓને ઝડપી પાડ્‍યા છે. આ ત્રિપુટીએ રાજકોટના ત્રણ ગુના કબુલ્‍યા છે અને સાથે સાથે મુંબઇ, સુરત, મહેસાણા, અમદાવાદના પણ બીજા ૧૪ ગુનાની કબુલાત આપી છે. 

શહેરના પીડીએમ કોલેજ પાસેના એટીએમ, તેમજ ઢેબર રોડ પરના એટીએમ સહિત ત્રણ સ્‍થળે એટીએમના કેશ ડિસ્‍પેન્‍સર બોક્‍સમાં એલ્‍યુમિનીયમની પટ્ટી લગાવી લોકોના પૈસા ફસાવી ચોરી કરીલેવાના ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુના ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસમાં હતી ત્‍યારે એએસઆઇ  વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. સંજયભાઈ અલગોતર તથા કોન્‍સ. નિકુંજભાઈ મારવીયા અને સંજયભાઈ ખાખરીયાને મળેલી ચોક્કસ હકિકત આધારે એટીએમ સાથે છેડછાડ કરી પૈસાની વધુ એક ચોરી કરે તે પહેલાં જ પુજારા પ્‍લોટ કાંતા વિકાસ ગળહ પાછળની શેરીમાંથી ત્રણ શખ્‍સોને પકડી લીધા હતાં.

પુછતાછમાં આ શખસોએ પોતે  ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના અફસારઅહમદ રિયાસતઅલી (ઉ.વ.૨૩), અરબાઝ ફૈયાઝઅહમદ (ઉ.વ.૨૭) અને સાહિદખાન મોહમદસલીમ (ઉ.વ.૨૬) જણાવ્‍યા હતાં. આરોપીઓ પાસેથી રૂ. ૧,૧૨,૨૦૦ની રોકડ રકમ, રૂ. ૩૩,૦૦૦ની કિંમતના ૩ એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન, રૂ. ૩,૦૦,૦૦૦ની વેગનઆર કાર, એમએચ૦૧એફઇ-૧૧૧૩, ૪ એલ્‍યુમિનીયમની પટ્ટીઓ, ફાઇબરની રિંગ બ્‍લેન્‍ડર ફાઇલ અને બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ મળીને કુલ રૂ. ૪,૪૫,૨૦૦નો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે. 

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ ઉત્તર પ્રદેશના વિવિધ પોલીસ સ્‍ટેશનો જેવાં કે અંટુ, નવાબગંજ, લાલગંજ, જેઠવારા, કોટવાલી અને લીલાપુરમાં ગુંડા એક્‍ટ સહિતના ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યા છે. આ ત્રણેય તેના વતનથી કાર મારફત રાજકોટ આવતાં અને એટીએમમાં ફ્રોડ કરી ચોરી કરી જતાં હતાં.

આરોપીઓ બેંકમાં રજાના દિવસે અથવા બેંક બંધ હોય તે સમયે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા તથા બેંક ઓફ બરોડાના એટીએમની રેકી કરતા હતા. એટીએમમાં કોઈ માણસ હાજર ન હોય ત્‍યારે મશીનના ડિસ્‍પેન્‍સર બોક્‍સમાં એલ્‍યુમિનીયમની પટ્ટી ફીટ કરી બહાર જતા રહેતા. ત્‍યારબાદ કોઈ ગ્રાહક પૈસા ઉપાડવા આવે અને સંપૂર્ણ પ્રોસેસ પુર્ણ કર્યા બાદ પૈસા બહાર ન આવતા તે બહાર નીકળી જતો. ગ્રાહક ગયા બાદ આરોપીઓ અંદરપ્રવેશ કરી પટ્ટી હટાવી તેમાં ફસાયેલા નાણાં ચોરી લેતા હતા. 

આ કામગીરીથી રાજકોટ શહેરના ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન, માલવીયાનગર પોલીસ સ્‍ટેશન અને મહેસાણા શહેર એ ડીવી. પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓએ સુરત, અમદાવાદ, મહેસાણા, મુંબઈ અને રાજકોટના વિવિધ એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. 

આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈત્‍યન મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી.બસીયા, પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડાભોર, સી.એચ.જાદવ, પીએસઆઈ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણા, એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ અલગોતર, નિકુંજભાઈ મારવીયા, સંજયભાઈ ખાખરીયા, સંજયભાઈ દાફડા, મહેશભાઈ સોલંકી, તુલસીભાઈ ચુડાસમા, લાલજીભાઈ હાડગડા, સુભાષભાઈ ધોધારી, ભાનુભાઈ ધાંધલા, ધર્મેન્‍દ્રભાઈ કુંચાલા, ધર્મેશભાઈ ખાંડેખા અને ધર્મરાજસિંહ રાણા સહિતની ટીમે કરી છે. વધુ તપાસ માટે ત્રણેયનો વારાફરતી માલવીયાનગર, ભક્‍તિનગર અને એ-ડિવીઝન પોલીસ કબ્‍જો મેળવશે.

(3:45 PM IST)