તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
આજ સુધી પત્રકારોને માનપાન મળ્યાઃ હવે સૌથી છેલ્લે કાઢી મુકાયા !!
પ્રિન્ટ મીડીયા સાથે તંત્રના વર્તનથી પત્રકારોમાં રોષઃ જનરલ બોર્ડને અધવચ્ચે છોડી કર્યો બહિષ્કાર

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન મીડિયા પ્રતિનિધિઓ સાથે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થાને લઈને પત્રકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અત્યાર સુધી પ્રિન્ટ મીડિયાના પત્રકારોને બોર્ડરૂમમાં સભ્યોની આગળની હરોળમાં બેઠક વ્યવસ્થા આપવામાં આવતી હતી, જેથી બોર્ડની કાર્યવાહી, સભ્યોની રજૂઆતો અને અધિકારીઓના જવાબો સરળતાથી સાંભળી શકાય. પરંતુ આ વખતે પ્રથમવાર પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને પ્રેસ ગેલેરીમાંથી હટાવીને પ્રેક્ષક ગેલેરીના છેલ્લા ભાગમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે સભ્યો અને અધિકારીઓ વચ્ચે થતી ચર્ચા સ્પષ્ટ રીતે સાંભળી શકાતી ન હોવાથી પત્રકારોમાં અસંતોષ ફેલાયો હતો. આ ઉપરાંત, મીડિયા પ્રતિનિધિઓને બોર્ડરૂમમાં પ્રવેશ આપવા માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈને પણ પત્રકારોમાં નારાજગી જોવા મળી હતી. મીડિયા પ્રતિનિધિઓએ આ વ્યવસ્થાનો વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધ સ્વરૂપે બોર્ડની કાર્યવાહી અધવચ્ચે જ બહિષ્કાર કરીને બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.
ઉપરોકત પ્રથમ તસ્વીરમાં અગાઉ સભ્યોની આગળ પત્રકારોની બેઠક વ્યવસ્થા જયારે આજની સામાન્ય સભામાં સૌથી છેલ્લે બેઠેલા પ્રિન્ટ મીડીયાના પત્રકારો બીજી તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:09 PM IST)










