તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
આજે તો ફેંસલો જ કરી નાંખવો છે...કહી પતિએ વાળ પકડયા, સસરાએ લાફો માર્યો
મંદિરે જઇ રહેલા સાસુ-સસરાને વહુએ મારા દિકરાનું ધ્યાન રાખજો કહેતાં આને અમારે ક્યાંય નથી લઇ જવો કહી ડખ્ખો કર્યો : પરિણીતા છાંયાબેન મુળાશીયાનું માથું બારસાખમાં ભટકાતાં લોહીલુહાણઃ નવલનગરના બનાવમાં માલવીયાનગર પોલીસે પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬: શહેરના મવડી મેઈન રોડ પર આવેલા નવલનગરમાં રહેતી એક પરિણીતાને સંતાન બાબતે મેણા-ટોણા મારી સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિ અને સસરાએ પરિણીતાને માર મારી તેનું માથું દરવાજાના બારસાખ સાથે અથડાવતા તેને ઈજા પહોંચી હતી.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે નવલનગર-૯માં બટુક હનુમાનજીવાળી શેરીમાં રહેતી છાંયાબેન પ્રવિણભાઇ જોટાણીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ યશ, સસરા પરેશભાઇ રવજીભાઇ મુળાશીયા તથા સાસુ મધુબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગતો મુજબ છાયાબેનના લગ્ન વર્ષ ૨૦૨૨માં યશ સાથે થયા હતા. લગ્નના શરૂઆતના સાત-આઠ મહિના બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ ત્યારબાદ સાસુ મધુબેન દ્વારા નાની નાની વાતોમાં મેણા-ટોણા મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. છાયાબેનને લગ્નના એક વર્ષમાં જ પુત્ર તિર્થનો જન્મ થયો હોવા છતાં સાસુ એવી વાતો કહીને ત્રાસ આપતા કે મારી દીકરીને લગ્નના દસ વર્ષ થયા તો'ય સંતાન નથી અને તારે એક વર્ષમાં દીકરો આવી ગયો.
આ ઉપરાંત કામકાજ અને બાળકને રમાડવા બાબતે પણ અવારનવાર ઝઘડા કરવામાં આવતા હતા. બે દિવસ પહેલા સસરા અને સાસુ પૌત્ર તીર્થને મંદિરે દર્શન કરવા લઈ જતા હતાં ત્યારે છાયાબેને બાળકનું ધ્યાન રાખવાનું કહેતા સાસુ ઉશ્કેરાઈ ગયા હતા અને તારા છોકરાને કયાંય નથી લઈ જવો તેમ કહી ઝઘડો કર્યો હતો. આ વાતનો ખાર રાખી ગત સાંજે જ્યારે પતિ યશ નોકરીએથી ઘરે આવ્યો ત્યારે સાસુએ તેને ચડામણી કરી ઉશ્કેર્યો હતો. સાસુ અને સસરાની ઉશ્કેરણીથી પતિ યશે આજે તો ફેંસલો કરી નાખવો છે, બોલાવો આના પિતાને તેમ કહી તેણીને પિયર ભેગી કરી દેવાની ધમકી આપવા લાગ્યો હતો.
જ્યારે છાયાબેને પડોશમાં રહેતા મહિલાઓને આ ત્રાસ વિશે વાત કરી ત્યારે ઉશ્કેરાયેલા પતિએ વાળ પકડી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સસરા પરેશભાઈએ પણ આવીને છાયાબેનને ગાલ પર જોરદાર ઝાપટ મારી હતી, જેના કારણે છાયાબેનનું માથું લાકડાના દરવાજાની બારસાખ સાથે જોરથી ભટકાયું હતું. જેથી તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનને જાણ થતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોનસ. એ. કે. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:43 PM IST)










