News of Friday, 20th November 2026
કાલે દેવદિવાળી : ઠાકોરજી - તુલસીજીનો વિવાહ પ્રસંગ
કોઇ સ્થળે આજે પણ દેવ વિવાહની ઉજવણી : ભાવિકો જાનૈયા અને માંડવીયા બનવાનો લ્હાવો લેશે

રાજકોટ તા. ૨૦ : કાલે કારતક સુદ એકાદશી. જેને આપણે ત્યાં દેવ દિવાળીના પર્વ તરીકે મનાવવામાં આવે છે. દેવ પોઢી એકાદશી ગયા બાદ દેવ ઉઠી એકાદશી આવે છે. જેને આપણે દેવદિવાળી તરીકે ઉજવીએ છીએ. આ દિવસે દેવ વિવાહનો પ્રસંગ મનાવી વર્ષભરના માંગલીક પ્રસંગોની શરૂઆત કરાતી હોય છે.
ત્યારે આજે અને આવતીકાલે એમ બે અગીયારસ હોય કોઇ સ્થળે આજે તો કોઇ સ્થળે કાલે દેવ દિવાળી મનાવી તુલસી વિવાહના અવસરનો આનંદ લુંટાશે. આ ઉત્સવી આયોજન માટે ભાવિકો અધીરા બન્યા છે. શાલીગ્રામ સ્વરૂપ ઠાકોરજી અને છોડ સ્વરૂપ તુલસીજીના લગ્નનો પ્રસંગ ઉજવાશે. ભાવિકો જ જાનૈયા બનશે અને ભાવિકો જ માંડવીયા બનશે. શેરડીના સાઠાનો મંડપ રચી આસોપાલવના તોરણો બંધાશે. આ દિવસે ફટાકાડાની એક દિવસીય આતશબાજી ફરી જામશે. ફટકાડા બજાર થોડીવાર માટે ફરી ધમધમશે. દરમિયાન શેરડીના પાકનો પ્રથમ ફાલ બજારમાં મુકવા માટે પણ આ દિવસ પસંદ કરાય છે. શેરડીના વેંચાણનું શુકન સાચવવા બજારોમાં ઢગલાબંધ શેરડીઓ ઠલવાઇ ચુકી છે. દેવદિવાળી નિમિતે તુલસી કયારે શેરડીના સાઠા મુકી દિપપ્રાગટય કરવાની પરંપરા પણ આપણે ત્યાં હજુ જળવાતી આવી છે.
મંદિરોમાં અને વિવિધ સંસ્થા મંડળો દ્વારા તુલસી વિવાહના આયોજનો પણ થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
ચિત્રકુટધામ રામજી મંદિર
ભક્તિનગર સર્કલ, ધર્મજીવન સોસાયટી શેરી નં.૪ ખાતે આવેલ શ્રી ચિત્રકુટધામ રામજી મંદિરે દર વર્ષની પરંપરા મુજબ ૪૩માં વર્ષે કાલે તા. ૨૧ ના શનિવારે શ્રી તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરાયુ છે. સવારે મંગળા આરતી બાદ મંડપ મુહૂર્ત-ગણેશ સ્થાપન નીજ મંદિરમાં થશે. સ્થાપિત શ્રીરામ દરબાર, શ્રી નર્મદેશ્વર મહાદેવજી, શ્રી વિશ્વકર્મા દાદા, શ્રી ચામુંડા માતાજી, શ્રી રાધા કૃષ્ણ, શ્રી સિધ્ધિવિનાયક, શ્રી કષ્ટભંજન હનુમાનજીને દિવ્ય શણગાર કરાશે. સાથે ઠાકોરજી અને તુલસીજીના વિવાહની વિધિ સંપન્ન થશે. બપોરે ૪.૩૦ વાગ્યે નીજ મંદિરેથી જાન પ્રસ્થાન થશે. તેમજ પ.૩૦ કલાકે ઠાકોરજીનું સામૈયુ અશોકભાઇ અને વિનોદભાઇ ગોબરભાઇ ઢોલરીયા પરિવાર તરફથી કરાશે. તુલસીજીના કન્યાદાનનો લ્હાવો મેળવશે. સાંજે ૬.૩૦ વાગ્યે હસ્ત મેળાપ થશે. ત્યાર બાદ મહાઆરતી સાથે કંસારની પ્રસાદીનું વિતરણ કરાશે. સૌ ભાવિકજનોએ પધારવા મહંતશ્રી ગોકર્ણદાસજીએ જાહેર અનુરોધ કર્યો છે.
ગીતા જ્ઞાન મંદિર
ગીતા જ્ઞાન મંદિર ભક્તિનગર સોસાયટી દ્વારા તા. ૨૧ના શનિવારે તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનું ખાંડુ કારતક સુદ અગીયારસના શનિવારે ગીતા મંદિરેથી બપોરે ૪ વાગ્યે પ્રસ્થાન કરી શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર જશે. ત્યાં મહાપ્રસાદ રાખેલ છે. લગ્નવિધિ સંપન્ન થયા બાદ સાંજે ૬ વાગ્યે જાન ગીતા મંદિરે પરત ફરશે. તેમ ગીતા મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
(3:27 PM IST)










