<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

કાલે વિશ્વ પર્યાવરણ દિવસઃ મનપા દ્વારા કપડાની થેલીઓનું નિઃશુલ્‍ક વિતરણ

શહેરની વોર્ડ ઓફિસો, સીવીક સેન્‍ટરો તથા ઝોન ઓફિસે આવતા નગરજનોને વિના મૂલ્‍યે અપાશે : સખી મંડળની બહેનો દ્વારા જુના કપડામાંથી ૯ હજાર થેલીઓ બનાવાઇ : લાભ લેવા પદાધિકારીઓની અપીલ

રાજકોટઃ તા.૪, આવતીકાલ તા.૫, ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ'' નિમિત્તે મનપા દ્વારા પર્યાવરણ સંરક્ષણ, પ્‍લાસ્‍ટિક મુક્‍તિ અને પુનઃઉપયોગને પ્રોત્‍સાહન આપતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ છ લાયબ્રેરીઓ ખાતે કાર્યરત આર.આર.આર. સેન્‍ટરોમાં શહેરીજનો દ્વારા પોતાના માટે બિનઉપયોગી બની ગયેલા જૂના કપડાં, પુસ્‍તકો, રમકડાં તેમજ અન્‍ય ઉપયોગી વસ્‍તુઓ જમા કરાવવામાં આવે છે.

આ જૂના કપડામાંથી પ્રોજેક્‍ટ શાખાના સખી મંડળોના બહેનોની મદદથી તૈયાર કરાવવામાં આવેલ ૯ હજાર કાપડની થેલીઓનું આવતીકાલ તા.૫  ના રોજથી તમામ વોર્ડ ઓફિસ અને તમામ સિટી સિવિક સેન્‍ટરો ખાતે આવતા નાગરિકોને વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવશે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર  ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇ.ચા. મ્‍યુનિસિપલ કમિશનર  અનંદુ સુરેશ ગોવિંદ, શાસક પક્ષના નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, આર.આર.આર. સેન્‍ટરોનો મુખ્‍ય હેતુ નાગરિકોમાં પુનઃઉપયોગ અને રિસાયકલિંગ  અંગે જાગૃતિ લાવવાનો તેમજ ઉપયોગમાં ન આવતી વસ્‍તુઓને યોગ્‍ય રીતે પુનઃપ્રચલિત કરવાનો છે. શહેરીજનોના સહયોગથી આર.આર. આર. સેન્‍ટરો ખાતે મોટી સંખ્‍યામાં વિવિધ વસ્‍તુઓ એકત્રિત થાય છે, જેમાં ખાસ કરીને જૂના કપડાંનો પણ સમાવેશ થાય છે.આ પહેલ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલા સશક્‍તિકરણ અને સ્‍વરોજગારને પણ પ્રોત્‍સાહન આપે છે. આ થેલીઓનું વિનામૂલ્‍યે વિતરણ ઉપલબ્‍ધ સ્‍ટોક પૂર્ણ ન થાય ત્‍યાં સુધી કરવામાં આવશે.

 મહાનગરપાલિકા તમામ શહેરીજનોને અપીલ કરેલ છે કે, તેઓ આ પહેલમાં સહભાગી બને, પ્‍લાસ્‍ટિકની થેલીઓનો ત્‍યાગ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરે તથા આર.આર.આર. સેન્‍ટરોમાં પોતાના માટે બિનઉપયોગી પરંતુ અન્‍ય માટે ઉપયોગી બની શકે તેવી વસ્‍તુઓ જમા કરાવી પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનને વધુ મજબૂત બનાવે.

(3:18 PM IST)