News of Thursday, 18th June 2026
શહેરના વિવિધ શાકમાર્કેટના સફાઈ ચાર્જના ભાવવધારા સામે વેપારીઓમાં રોષ :રજૂઆત
ભોજાભગત, જયુબેલી, ગોવિંદબાગ અને હુડકો માર્કેટના ૭૨૬ થડા ધારકોની મેયર નેહલ શુકલ સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાને રજૂઆતઃ જર્જરિત માર્કેટોના સમારકામ, ગેરકાયદે દબાણો દૂર કરવા અને વધારેલો સફાઈ ચાર્જ પરત ખેંચવાની માંગ

રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેરની વિવિધ શાકમાર્કેટોના વેપારીઓએ આજે પદાધિકારીઓને અનેક મહત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ભોજાભગત માર્કેટ, જયુબેલી શાકમાર્કેટ ભાગ-૧ અને ભાગ-૨, ગોવિંદબાગ માર્કેટ તેમજ હુડકો શાકમાર્કેટના કુલ ૭૨૬ થડા ધારકો વતી આગેવાનો દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે મેયર નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાને વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ-૨૦૨૫થી અમલમાં મુકાયેલા સફાઈ ચાર્જમાં થડા દીઠ રૂ. ૫૯૦નો વધારો કરીને કુલ રૂ. ૧,૧૮૦ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે નાના વેપારીઓ માટે અસહ્ય આર્થિક બોજ સમાન છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય અંગે સમયસર જાણ કરવામાં આવી નહોતી અને જાન્યુઆરી-૨૦૨૬માં સત્તાવાર માહિતી આપવામાં આવ્યા બાદ એકસાથે બાકી રકમ ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
રજૂઆતમાં શહેરની મોટાભાગની શાકમાર્કેટોની જર્જરિત હાલતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે માર્કેટોમાં ગંદકી, અનેક સુવિધાઓ અને અસુરક્ષિત માળખાકીય સ્થિતિના કારણે વેપારીઓ તથા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્કેટોના વિકાસ અને સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવાના દાવા છતાં જમીન સ્તરે કોઈ નોંધપાત્ર કામગીરી જોવા મળતી નથી.
વેપારીઓએ વધુમાં રજૂઆત કરી હતી કે માર્કેટોની આસપાસ ગેરકાયદે ફેરિયાઓના વધતા દબાણને કારણે કાયદેસરના થડા ધારકોના ધંધા પર સીધી અસર થઈ રહી છે. ઝોનવાઈઝ નીતિના અભાવે અનિયમિતતા વધી રહી છે
રજૂઆતમાં સફાઈ ચાર્જમાં કરાયેલો વધારો પરત ખેંચવા અથવા તેમાં યોગ્ય રાહત આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી. સાથે જ ગેરકાયદે દબાણો દૂર કરી કાયદેસર વેપારીઓના હિતોનું રક્ષણ કરવા અને શહેરની ઐતિહાસિક શાકમાર્કેટોના અસ્તિત્વને જાળવવા સરકારક પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી.
આ રજૂઆત અશ્વિનભાઇ જોબનપુત્ર, રજાભાઇ ડાભી, કાંતીભાઇ પટેલ, મુકેશભાઇ પીપળીયા, યોગીભાઇ પરમાર, અશ્વિનભાઇ મેઘાણી, સંજયભાઇ ઝીંઝુવાડીયા, જીગ્નેશભાઇ ઠક્કર, બળવંતભાઇ સોલંકી અને બટુકભાઇ વાઘેલા સહિતના આગેવાનોની આગેવાનીમાં કરવામાં આવી હતી
(3:59 PM IST)










