<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

લાંચ કેસમાં ટ્રાફિક પોલીસ જમાદારને ૧૦ વર્ષ અને મદદગાર આરોપીને સાત વર્ષની સજા

ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્‍ચેના રીંગ રોડ ઉપર માસિક લાંચના કાર્ડ બતાવી વાહનોને જવા દેવાના : સીસીટીવી કેમેરાથી બચવા ડીઝાઇન વાળા ચોક્કસ વેપારીના વાહનોને જવા દેવા માસિક લાંચના કાર્ડ બનાવી હાઇવે ઉપર થઇ રહેલ લાંચના કેસમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદોઃ જીલ્લા સરકારી વકીલની રજૂઆત બાદ કોર્ટે સજા ફટકારીઃ પોલીસ તપાસ દરમ્‍યાન લાંચના અસંખ્‍ય કાર્ડ પણ કબ્‍જે કરવામાં આવ્‍યા હતા

રાજકોટ, તા. ૬ : વાહન ચેક ન કરવાના અવેજ પેટે ૧- માસ માટે લાંચ મળી ગયાનુ કાર્ડ બતાવી વાહનો જવા દેવાના કેસમાં હેડ કોન્‍સ્‍ટેબલ બિપીનભાઈ લવજીભાઈ મકવાણા, ઉ.વ.૪૫ ને ૧૦- વર્ષની સજા અને ૩ લાખનો દંડ તેમજ પ્રજાજન તરીકે મદદગારી કરનાર દિપકભાઈ કાનજીભાઈ પરમાર, ઉ.વ.૩૬ ને તકસીરવાન ઠરાવી અધિક સેશન્‍સ જજ ે ૭-વર્ષની સખ્‍તની કેદની સજા તથા રૂા.ર લાખનો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, સાગર મનસુખભાઈ પટેલ નામના વેપારીએ પોતાના ધંધાના માલ-સામાની હેરાફેરી કરવા માટે ઓટો રીક્ષા રાખેલ હતી જે ચલાવવા માટે તેમણે ડ્રાઈવર રાખેલ. આ ડ્રાઈવર અર્જુનભાઈએ વેપારી સાગરભાઈને જણાવેલ કે તેમની રીક્ષા ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્‍ચેથી પસાર થાય ત્‍યારે ચારેક જગ્‍યાએ ટ્રાફિક પોલીસના લોકો રીક્ષા રોકી ચેક ન કરવાના અવેજ પેટે રૂા.૫૦/-લઈ એક ચોકકસ કાર્ડ આપે છે. ડ્રાઈવરની આ વાતથી વેપારી સાગરભાઈ પટેલે અમદાવાદ એ.સી.બી. કચેરીમાં ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરેલ જેથી અમદાવાદ એ.સી.બી. એ રાજકોટ એ.સી.બી.ને આ અંગે કાર્યવાહી કરવા જણાવેલ. તા.૦૪/૦૩/૨૦૧૮ ના રોજ રાજકોટ એ.સી.બી.ના પી.આઈ.  ચાવડાએ વેપારી સાગરભાઈ પટેલને પથિકાશ્રમમાં બોલાવી છટકા અંગે તેમની સંમતી મેળવેલ અને તા.૦૫/૦૩/૨૦૧૮ ના રોજ ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી સુધી સવારના ૫:૦૦ કલાકે પોતાની ઓટો રીક્ષા ચલાવવાનુ છટકુ ગોઠવેલ હતું. આ મુજબ વેપારી સાગર પટેલના શર્ટના ખિસ્‍સામાં રૂા.૫૦/-ની બે પાવડર વાળી નોટો મુકી દીધેલ તથા વોઈસ રેકોર્ડર પણ ફીટ કરી છટકાની શરૂઆત કરેલ. છટકા દરમ્‍યાન ગોંડલ ચોકડીથી પોતાની ઓટો રીક્ષા ચલાવી સાગર પટેલ કુવાડવા પોલીસ ચોકી તરફ જવા નિકળેલ જે રીક્ષામાં પંચ નં. ૧ ને સાથે બેસાડેલ તથા ટ્રેપીંગ ઓફીસર સાથે બીજા પોલીસકર્મીઓ પ્રાઈવેટ વેગોનઆરમાં રીક્ષાની પાછળ આવેલ. ગોંડલ ચોકડીથી આજીડેમ જવાના રસ્‍તે ઓટો રિક્ષા લઈને સાગરભાઈ પહોંચેલ ત્‍યાં રોડની ડાબી સાઈડે પોલીસની એક ગાડી ઉભેલી હતી અને ગાડી પાસે ટ્રાફીકના ડ્રેસમાં એક ભાઈ ઉભેલા હતા અને એક વ્‍યકિત ખાનગી કપડામાં હતા. આ જગ્‍યાએ પહોંચતા ખાનગી કપડાવાળા ભાઈએ સાગરભાઈની રીક્ષા ઉભી રખાવેલ અને દસ્‍તાવેજો માંગેલા. આ સમયે ખાનગી કપડાવાળા ભાઈએ પોતાના હાથમાંથી એક કાર્ડ સાગરભાઈ તરફ ધરેલ અને ૫૦/- રૂપિયા લઈ લીધેલ. આ સમયે જે વાતચીત થયેલ તેમાં રૂા.૫૦/- નુ આ કાર્ડ લેવામાં ન આવે તો રૂા.૫૦૦/-નો દંડ વસુલી પહોંચ આપવામાં આવશે તેમ જણાવેલ. આ સમયે સાગરભાઈએ પી.આઈ. ચાવડા તરફ ઈશારો કરતા રેડીંગ પાર્ટીના તમામ સભ્‍યો સ્‍થળ ઉપર આવી ગયેલ અને પોતાની ઓળખ આપી ખાનગી કપડામાં રસ્‍તામાં ઉભેલા ભાઈનુ નામ પુછતા તેઓએ પોતાનુ નામ દિપકભાઈ કાનજીભાઈ ૫રમાર  હોવાનુ જણાવેલ.  પી.આઇ.ચાવડાએ કાર્ડના બદલામાં રૂા.૫૦/- લીધેલ તે અંગે પુછતા આ દિપકભાઈએ રૂા.૫૦/- પોલીસ ગાડીમાં બેઠેલ હેડ કોન્‍સ્‍ટેબલ બિપીનભાઈ લવજીભાઈ મકવાણાને આપેલ હોવાનું જણાવેલ. તેમની પાસેથી રૂા.૫૦/- મળી આવતા પોલીસની ગાડીની ઝડતી તપાસ કરતા તેમાંથી અસંખ્‍ય કાર્ડો મળી આવેલા. આથી પી.આઈ. ચાવડા બધાને લઈને આજીડેમ પોલીસ સ્‍ટેશને આવી આગળની કાર્યવાહી કરેલ.

 આ અંગે ગુન્‍હો નોંધી આગળની તપાસ દરમ્‍યાન બિપીનભાઈ મકવાણાએ આ તમામ કાર્ડો કયાં અને કેટલા સમયે છપાવેલ હતા તે અંગેની વિગતો જણાવેલ. તપાસના અંતે ચાર્જશીટ રજૂ થયેલ અને કેસ ચાલવા ઉપર આવતા બંને આરોપીઓ વતી તેવો બચાવ લેવામાં આવેલ કે હાલના કેસમાં બંને આરોપીઓમાંથી કોઈએ પણ વેપારી સાગર પટેલ પાસે લાંચની માંગણી કરેલ નથી અને રૂા.૫૦/- લાંચ પેટે અપાયેલ છે તેમ ટ્રાયલ દરમ્‍યાન સાબિત થતુ નથી.

 સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ  એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટ્રેપ દરમ્‍યાન વેપારી સાગર પટેલનુ વાહન ઉભુ રાખવુ પરંતુ કોઈ ચેકીંગ ન કરવું તે સુચક રીતે લાંચની માંગણી છે.

આ ઉપરાંત સહ આરોપી દિપક કાનજીભાઈ પરમારે કયાં હોદાની રૂએ સાગર પટેલનુ વાહન ઉભુ રખાવેલ અને આ સમયે હેડ કોન્‍સ્‍ટેબલ બિપીનભાઈ મકવાણા કયાં કારણસર પોલીસ વાહનની અંદર બેસેલા રહેલ તે અંગે કોઈ જ ખુલાસો નથી. પોલીસ વાહનમાં સેંકડોની સંખ્‍યામાં અલગ અલગ ડીઝાઈનવાળા કાર્ડ કયાં કારણસર રખાયેલ તે અંગે પણ આરોપી મૌન રહેલ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં લાંચની માંગણી અને ગુનાહિત ગેરવર્તણૂક બંનેને અલગ અલગ ગુન્‍હાઓ ગણવામાં આવે છે.

હાલના કેસમાં સ્‍પષ્ટ રીતે લાંચની માંગણી કરવામાં ન આવેલ હોય તો પણ કોઈ વાહન ચાલકને ખોટી રીતે હેરાન કરી પૈસા આપવા મજબુર કરવા તે ગુનાહિત ગેરવર્તણુક ગણાય છે જેમાં સજાની જોગવાઈ વધુ છે.

 હાલના કેસમાં કોઈ પ્રજાજનને હાઈવે ઉપર ચાલતા વાહનોને ઉભા રખાવવા સંમતી આપવી અને પોતે હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે વાહનમાં બેઠા રહેવુ તે પણ ગુનાહિત ગેરવર્તણુક છે.  સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે ખાસ અદાલતના જજ ે ટ્રાફીક શાખાના હેડ કોન્‍સ્‍ટેબલ બિપીનભાઈ લવજીભાઈ મકવાણાને ૧૦-વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા.૩ લાખનો દંડ ફરમાવેલ છે તથા તેની ગુનાહિત ગેરવર્તણુકમાં મદદગારી કરનાર પ્રજાજન દિપકભાઈ કાનજીભાઈ પરમારને ૭-વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા.ર લાખનો દંડ ફરમાવેલ છે.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસોમાં થયેલ મહતમ સજાવાળા આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ  સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.  

સંજયભાઇ વોરા

જાણીતા સરકારી વકીલ

(11:27 AM IST)