News of Thursday, 3rd September 2026
રાજકોટ રેલ્વે સ્ટેશને ટ્રેનનો એટેન્ડર ખંભાળીયાનો જાબીર દારૂ સાથે ઝડપાયો
પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા, સાગરભાઇ, દેવેન્દ્રભાઇએ રમની ૩૬ બોટલો સાથે પકડયો

રાજકોટ તા.૩: રાજકોટ રેલ્વે પોલીસે વધુ એક વખત ટ્રેનમાં એટેન્ડર તરીકે કામ કરતાં યુવાનને વિદેશી દારૂ સાથે પકડી લઇ કાર્યવાહી કરી છે. આ શખ્સ જામખંભાળીયામાં રહે છે અને ટ્રેનમાં એટેન્ડર તરીકે નોકરી કરે છે.
રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા નશીલા પદાર્થો, દારૂની હેરફેર કરનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓની સુચના અંતર્ગત પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ત્યારે પ્લેટફોર્મ નંબર-૧ ઉપર તિરૂનવેલી-જામનગર એક્સપ્રેસ ટ્રેન આવતાં તેના કોચ નંબર બી-૩માં એટેન્ડર પાસે દારૂ હોવાની બાતમી કોન્સ. સાગરભાઇ અને દેવેન્દ્રભાઇને મળતાં પીએસઆઇ બી. જે. જાડેજા અને ટીમે તપાસ કરતાં રૂા. ૨૭૦૦૦ની કિંમતની ઓલ્ડ મોન્ક ટ્રીપલએક્સ રમની ૩૬ બોટલ મળી આવતાં કબ્જે કરી હતી.
આ દારૂ આ ટ્રેનના કોચમાં એટેન્ડર તરીકે કામ કરતાં જાબીર ઇબ્રાહીમભાઇ શેખ (ઉ.વ.૩૭-રહે. જામખંભાળીયા, હાજી ઘસેડીયા પીરની દરગાહ પાસે જી. દેવભુમિ દ્વારકા)નો હોવાનું ખુલતાં તેની સામે રેલ્વે પોલીસમાં ગુનો દાખલ કરાવી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. રેલ્વેના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એન. ડામોર, અધિક્ષક યશપાલ જગાણીયાની સુચનાથી રાજકોટના વિભાગીય પોલીસ અધિકારી પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા, એએસઆઇ શક્તિસિંહ, કોન્સ. સાગરભાઇ, દેવેન્દ્રભાઇએ આ કામગીરી કરી હતી. થોડા દિવસો પહેલા પણ આ રીતે એક અન્ય એટેન્ડર દારૂ સાથે પકડાયો હતો.
(3:11 PM IST)










