News of Monday, 27th July 2026
ભારતરત્ન 'મિસાઈલમેન' ડો. અબ્દુલ કલામની પુણ્યતિથિએ ભાવાંજલિ
"શું આપની પાસે દેશ માટે ૧૦ મિનિટ છે?": ઈન્ટરનેટ પર લોકપ્રિય થયેલા સંદેશા દ્વારા દેશવાસીઓને મીઠો ઠપકોઃ શ્રેષ્ઠ નાગરિક બનવા વિદ્યાર્થીઓ માટે ૬ સોગંદનો પ્રેરણાદાયી પોકાર

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને 'મિસાઈલમેન' ડો. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા છે. ડો. હેડગેવારના "વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ" વિચારને સાર્થક કરતો ડો. કલામનો "શું આપની પાસે દેશ માટે ૧૦ મિનિટ છે?" શીર્ષક હેઠળનો ઈ-મેઈલ સંદેશો ભારે લોકપ્રિય બન્યો છે. જેમાં તેમણે અન્ય દેશોમાં કાયદાનું પાલન કરતા અને ભારતમાં બેદરકારી દાખવતા નાગરિકોની બેવડી માનસિકતા પર મીઠો ઠપકો આપી, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ નાગરિક બનવા ૬ સૂત્રીય પ્રતિજ્ઞા રજૂ કરી છે.
ભારતરત્ન ''મિસાઈલમેન'' ડો. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે દેશમાં તેમને હાર્દિક શ્રદ્ધાસુમન અર્પિત કરાયા છે. ડો. કેશવરાવ બલીરામ હેડગેવારે કહ્યું હતું કે, ''વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ''. આ જ વાતને ચરિતાર્થ કરતો ડો. કલામનો એક પ્રેરણાદાયી ઈ-મેઈલ સંદેશો ઈન્ટરનેટ પર ભારે લોકપ્રિય બન્યો છે.
"શું આપની પાસે દેશ માટે દસ મિનિટ છે?" આ નિરાળા સંદેશામાં ડો. કલામે ઘરના મુખ્ય વ્યક્તિની હેસિયતથી દેશવાસીઓને મીઠો ઠપકો આપતા શરૂઆતમાં જ પૂછ્યું છે: ''શું તમારી પાસે દેશ માટે દસ મિનિટનો સમય છે? જો છે તો આ વાંચો, નહિતર તમારી મરજી.'' આપણે સતત સરકાર, કાયદા, રેલવે, એરલાઈન્સ અને પોસ્ટ વિભાગની ટીકાઓ કરીએ છીએ, પરંતુ આપણે પોતે દેશ માટે શું કર્યું ?
પરદેશમાં શિસ્ત અને સ્વદેશમાં બેદરકારી: પૂર્વ રાષ્ટ્રપતિએ ઉદાહરણ આપતા કહ્યું કે, એક ભારતીય નાગરિક સીંગાપુરના સર્વશ્રેષ્ઠ હવાઈઅડ્ડા પર ઉતરીને રસ્તા પર સિગરેટનું ઠૂંઠુ કે કચરો ફેંકતો નથી. ત્યાંના કડક નિયમો પાળીને પાર્કિંગ માટે ૬૦ રૂપિયા ચૂકવે છે. દુબઈમાં રમઝાન દરમિયાન જાહેર સ્થળોએ ખાવાની હિંમત કરતો નથી કે વોશિંગટનમાં ૫૫ માઈલથી વધુ ઝડપે ગાડી ચલાવી રોફ જમાવતો નથી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે ટોકિયોમાં ત્યાંના નિયમો પાળે છે અને બોસ્ટનમાં બનાવટી પ્રમાણપત્ર ખરીદતો નથી. પરંતુ ભારતમાં પગ મૂકતા જ કાગળો હવામાં ફેંકે છે ! જો અન્ય દેશોમાં તમે પ્રશંસનીય નાગરિક બની શકો છો તો ભારતમાં કેમ નહીં ?
સિસ્ટમ્સ બદલવાની હાકલ: મુંબઈનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે શ્રીમંતો કૂતરાને રસ્તે ફેરવી ગંદકી કરે છે અને દોષ સત્તાવાળાઓનો કાઢે છે. ડ્રોઈંગરૂમમાં દહેજ વિરોધી વાતો કરી ઘરમાં દહેજ લઈએ છીએ. જ્યારે વ્યવસ્થા બદલવાની વાત આવે ત્યારે પાડોશી કે સરકાર પર દોષ ઢોળી આપણે કોઈ 'મિસ્ટર ક્લીન' ચમત્કાર કરશે તેવી આશા રાખીએ છીએ. અન્યથા દેશ છોડી અમેરિકા કે ખાડી દેશોમાં ભાગી જઈએ છીએ. ડો. કલામે ભારપૂર્વક કહ્યું કે દેશની વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપો. જો ભારતે ૨૦૨૦ના સ્વપ્ન મુજબ વિકસિત થવું હશે તો તે યુવાનોના ખભા પર જ શક્ય બનશે.
અહેવાલ:
જયેશ સંઘાણી
રાજકોટ: ૯૪૨૮૨૦૦૫૨૦
વિદ્યાર્થીઓ માટે ડો. કલામની ૬ સૂત્રીય રાષ્ટ્રનિર્માણ પ્રતિજ્ઞા*
૧. હું મારો અભ્યાસ નિષ્ઠાપૂર્વક કરીશ અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરીશ.
૨. હું ઓછામાં ઓછાં પાંચ વૃક્ષો વાવીશ અને સતત દેખભાળ કરીશ.
૩. હું મારાં દુઃખી ભાઈ-બહેનોનું દુઃખ દૂર કરવા સતત પ્રયાસ કરીશ.
૪. હું પ્રબુદ્ધ નાગરિક બની મારા કુટુંબને સચ્ચાઈના માર્ગે લઈ જઈશ.
૫. હું શારીરિક અને માનસિક વિકલાંગ વ્યક્તિઓનો મિત્ર બનીશ.
૬. હું દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા પ્રમાણિકતાથી પરિશ્રમ કરીશ.
આપણા આત્માને પૈસાના હાથમાં ગીરવે મૂકી દીધો છે ?
ડો. કલામે દેશવાસીઓના વિરોધાભાસી વલણ પર ઊંડો પ્રહાર કરતા પૂછ્યું કે પરદેશમાં કાયદાનું કડક પાલન કરતો નાગરિક પોતાના દેશમાં જ જવાબદારીઓમાંથી કેમ ભાગે છે? આપણે દરેક દેશને ગાળો આપવા તૈયાર છીએ, પરંતુ પોતાના દેશની વ્યવસ્થામાં હકારાત્મક યોગદાન આપવા વિચારતા નથી. શું આપણે આપણા આત્માને પૈસાના હાથમાં ગીરવે મૂકી દીધો છે? દેશ પ્રત્યેની પ્રાથમિક ફરજો નિભાવવા તેમણે આહ્વાન કર્યું છે.
(2:16 PM IST)










