<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

સાચી મોજ આંતરિક શાંતિ, મનનો સંતોષ, સ્‍નેહસભર સંબંધો, કળતજ્ઞતા અને પરમાત્‍માના સ્‍મરણમાં સમાયેલી છે : પૂ.અપૂર્વમુનિ સ્‍વામી

માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવની પૂર્ણાહુતિએ માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે સ્‍વઉત્‍કર્ષની યાત્રાનો આરંભ કરાવતા પૂ.અપૂર્વમુનિ સ્‍વામી આજે સાંજે ૬ થી ૯ દરમિયાન ‘લક્ષ્મણ રેખા' થીમ હેઠળ મહિલા પાંખ દ્વારા વિશાળ મહિલા સંમેલન

રાજકોટ : બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા છેલ્લા ૫ દિવસથી ચાલતા ‘માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ'ના અંતિમ દિવસે પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામીએ ઉપસ્‍થિત તમામ શ્રોતાજનોને ‘માનવીને સાચી મોજનો રાજમાર્ગ' દર્શાવ્‍યો હતો. આ પ્રસંગે બીએપીએસ સંસ્‍થાના વરિષ્‍ઠ સદ્દગુરુ સંત અને સારંગપુર સંત તાલીમ કેન્‍દ્રના મુખ્‍ય સંચાલક સંત પૂજ્‍ય નારાયણમુનિ સ્‍વામીની પાવન ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન, પ્રાર્થના, વૈદિક પારાયણ, પૂજન વિધિ અને આરતી સાથે થયો હતો. મહોત્‍સવના અંતિમ દિવસે પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામીએ ‘મોજમાં રહે તે માનવ' વિષય પર હૃદયસ્‍પર્શી અને ચિંતન પ્રેરક પ્રવચન આપ્‍યું. પ્રવચનમાં તેઓએ સમજાવ્‍યું કે આજના ભૌતિકવાદી યુગમાં માણસે મોજનો અર્થ ખોટી રીતે વૈભવ, દેખાવ, સુખ-સગવડો અને સામાજિક સરખામણી સાથે જોડી દીધો છે, જ્‍યારે સાચી મોજ આંતરિક શાંતિ, મનનો સંતોષ, સ્‍નેહસભર સંબંધો, કળતજ્ઞતા અને પરમાત્‍માના સ્‍મરણમાં વસે છે. તેઓએ પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા સમજાવ્‍યું કે પૈસા, પ્રસિદ્ધિ અને ભૌતિક સુખ હોવા છતાં મનુષ્‍યને શાંતિ મળે જ એવું જરૂરી નથી. બીજી તરફ, સાદગી, સેવાભાવ, આધ્‍યાત્‍મિકતા અને સ્‍વીકાર સાથે જીવતા લોકો પરિસ્‍થિતિઓ વચ્‍ચે પણ સાચું સુખ અનુભવી શકે છે. તેમણે ખાસ ભાર મુકયો કે તુલના, ઈર્ષ્‍યા, ઓવર થિંકિંગ, સોશિયલ મીડિયાની ચકાચૌંધ અને અતિશય અપેક્ષાઓ માનવીની મોજ છીનવી લે છે. પ્રવચન દરમિયાન તેમણે જીવનમાં નાની ખુશીઓનું મહત્‍વ, સંબંધોમાં તોહ અને સમયનું મૂલ્‍ય, કળતજ્ઞતા રાખવાની ભાવના, તથા સંજોગો ગમે તેવા હોય છતાં મનને મજબૂત અને પ્રસન્ન રાખવાની આવશ્‍યકતા પર પ્રકાશ પાડ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, સાચી મોજ કોઈ મોંઘા સાધનોમાં નહીં, પરંતુ જે મળ્‍યું છે તેમાં રાજી રહેવામાં અને ભગવાનના ભજન-સ્‍મરણ સાથે જીવવામાં સમાયેલી છે. પારાયણના અંતે સ્‍વામીએ સૌને સંદેશ આપ્‍યો કે, જીવનમાં સરખામણી છોડીને સ્‍વીકાર અપનાવો, ચિંતાને બદલે પ્રાર્થના અને ફરિયાદને બદલે આભારની ભાવના વિકસાવો, પરિવાર સાથેનો સમય સાચવો અને પરમાત્‍મા પ્રત્‍યે વિશ્વાસ રાખો. તેમણે જણાવ્‍યું કે, જે મનુષ્‍ય સંતોષ, સદ્વિચાર, પ્રેમ અને પ્રસન્નતાથી જીવે છે, તે જ સાચા અર્થમાં મોજમાં રહી શકે છે. દરમિયાન આજે તા. ૧૭ના શુક્રવારે સાંજે ૬ થી ૯ દરમિયાન ‘લક્ષ્મણ રેખા' થીમ હેઠળ મહિલા પાંખ દ્વારા મહિલા સંમેલન યોજાશે. રાજકોટના રેસકોર્સ મેદાન પર ઉજવાઈ રહેલો બીએપીએસનો ‘માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ' ભક્‍તિ, સેવા અને સંસ્‍કારનો જીવંત ઉત્‍સવ બનીને હજારો લોકોના હૃદયને સ્‍પર્શી રહ્યો. આ મહોત્‍સવની જ્‍વલંત સફળતા પાછળ એક અદૃશ્‍ય પરંતુ અત્‍યંત શક્‍તિશાળી શક્‍તિ કાર્યરત છે, મહિલા શક્‍તિ. નારી શક્‍તિના અવિરત સમર્પણ, નિષ્‍ઠા અને શ્રદ્ધાએ આ મહોત્‍સવને એક નવી આધ્‍યાત્‍મિક ઊંચાઈ પર પહોંચાડ્‍યો છે. આ મહોત્‍સવમાં ૪ વર્ષની બાલિકા લઈને ૮૦ વર્ષથી વધુ ઉંમરની બહેનોએ વિવિધ વિભાગોમાં સેવા આપી હતી. પ્રસાદ વિભાગમાં આશરે ૯૦ જેટલી યુવતીઓએ રોજ હજારો ભક્‍તોને પ્રસાદી બેગ (મીઠાઈ, ફરસાણ, પાણી અને કોલ્‍ડ્રિન્‍ક્‍સ)નું વિતરણ કરેલ. પૂજન વિભાગમાં ૧૦૦ બહેનોએ સેવા આપી હતી. પાણી વિભાગમાં ૪૦ બહેનોએ સેવા આપેલ. પ્રેસ વિભાગમાં ૨૦ જેટલી યુવતીઓ ટેકનોલોજીના માધ્‍યમથી મહોત્‍સવને વૈશ્વિક સ્‍તરે પહોંચાડવામાં નિરંતર કાર્યરત રહેલ. પી.આર. વિભાગમાં ૬૦ બહેનો મહેમાનોનું સ્‍વાગત, સન્‍માનમાં સેવારત બનેલ. ૯૫ જેટલી બહેનોએ પ્રેમવતી કાઉન્‍ટર પર સતત સેવા આપેલ. સ્‍વયંસેવક ભોજનશાળામાં ૮૦ બહેનો છેલ્લા ૧૫ દિવસથી નિયમિત સેવા આપી રહી છે. મેડિકલ અને રક્‍તદાન વિભાગમાં પણ મહિલાઓ સક્રિય ભાગ ભજવી રહી છે. અત્‍યાર સુધીમાં ૧૨૦ થી પણ વધુ બહેનો દ્વારા રક્‍તદાન કરવામાં આવ્‍યું છે અને ૭૦ થી બહેનો અંગદાનના સંકલ્‍પમાં જોડાઈ છે, જે માનવતાની ઉત્તમ સેવા તરીકે પ્રેરણારૂપ છે. ડેકોરેશન, સ્‍વચ્‍છતા, ફૂલહાર અને પ્રદર્શન વિભાગોમાં યુવતીઓ તેમની સર્જનાત્‍મકતા અને આયોજન શક્‍તિથી મહોત્‍સવને આકર્ષક બનાવી રહી છે. પ્રદર્શન વિભાગમાં તેઓ શાકાહાર અને વ્‍યસનમુક્‍તિ અંગે પ્રેરણા આપી સમાજમાં સકારાત્‍મક પરિવર્તન લાવવા પ્રયત્‍નશીલ બનેલ.

(3:30 PM IST)