તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજકોટમાં રાત્રે ૯ થી સવારે ૧૦ સુધીમાં સવા બે થી અઢી ઈંચ
વાતાવરણમાં ઠંડક પ્રસરી, શાળા-કોલેજોમાં રજાથી સવારે રસ્તાઓ સુમસામ બન્યા, સ્થિતિ ઉપર તંત્રની બાજ નજર

રાજકોટઃ રંગિલા રાજકોટ શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ પોતપોતાનો અડિગો જમાવ્યો છે. ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આખી રાત દરમિયાન ધીમીધારે અને ઝરમર સ્વરૂપે ચાલુ રહ્યો હતો. રાતભર વરસેલા અવિરત વરસાદને કારણે સવાર સુધીમાં કુલ ૧ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ ધીમીધારના વરસાદને કારણે સમગ્ર રાજકોટ શહેરમાં વાતાવરણ એકદમ આહલાદક, ઘેઘુર અને ટાઢોડું બની ગયું છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૩૦ વાગ્ે રાત્રીના ૯ વાગ્યા થી સવારે ૧૦ વાગ્યા સુધીમાં બે થી અઢી ઈંચ પાણી પડી ગયું છે.
આજે વહેલી સવારે પણ મેઘરાજાએ વિરામ લીધો ન હતો. આ લખાય છે ત્યારે પણ શહેરમાં ધીમીધારે વરસાદ ચાલુ જ છે. વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સતત વરસી રહેલા ઝાપટાંના કારણે લોકોએ અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે. વાતાવરણમાં પ્રસરેલી સોડમ અને ટાઢકથી વાતાવરણ મનમોહક બની ગયું છે.
સતત વરસી રહેલા વરસાદ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. શાળા-કોલેજોમાં રજા હોવાથી તેમજ વહેલી સવારથી જ ઝરમર વરસાદ ચાલુ હોવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રસ્તાઓ પર લોકો અને વાહનોની અવરજવર સાવ ઓછી જોવા મળી હતી. નોકરીયાત વર્ગ અને ધંધાદારીઓ પણ વરસાદી માહોલ વચ્ચે સાવચેતીપૂર્વક બહાર નીકળતા નજરે પડ્યા હતા.
હવામાન ખાતાના આંકડા જોઈએ તો આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૮.૮ મી.મી. (૧ ઈંચ) પાણી વરસ્યું છે.
આખી રાત વરસેલા ૧ ઇંચ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, માર્ગો અને સોસાયટીઓમાં હળવા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સતત ધીમીધારે વરસાદ પડતો હોવાથી પાણીનો નિકાલ ધીમો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.
ચોમાસાની આ જામતી ઋતુમાં રાજકોટવાસીઓ એક તરફ વરસાદી ટાઢકનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ વહેલી સવારથી જ સુમસામ બનેલા રસ્તાઓ વચ્ચે તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(4:03 PM IST)










