તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 17th April 2026
રાજકોટમાં રૈયા ચોકડી નજીકથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ બંને મહિલા અંગે ઉચ્ચ એજન્સીઓને જાણ કરાઇઃ ડીપોર્ટ કરવાની તજવીજ

રાજકોટ તા. ૧૭: શહેરમાં અવાર-નવાર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ-એસઓજી દ્વારા ખાસ ઝુંબેશના ભાગ રૃપે ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં હોય તેવા બહારના દેશના તત્વોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં બાંગલાદેશના ગેરકાયદે વસાહતીઓ મળી આવતાં તેને ડીપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં઼ આવતી હોય છે. આવી વધુ બે બાંગ્લાદેશી મહિલા રાજકોટ શહેરમાંથી મળી આવતાં નિયમ અનુસાર જે તે સંબંધીત એજન્સીઓને જાણ કરી આ બંને મહિલાને તેના વતન પરત મોકલવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જાણવા મળ્યા મુજબ શહેરમાં ગેરકાયદેસર રીતે પાડોશી દેશ કે બીજા દેશના કોઇ નાગરીકો વસવાટ કરતાં હોય તો શોધી કાઢવાની સુચના પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી ચૈતન્ય મંંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા દ્વારા મળી હોઇ એસઓજીના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. એમ. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ દરમિયાન ટીમને માહિતી મળતાં રૈયા ચોકડી પાસેથી બે મહિલાને સકંજામાં લીધી હતી. એસઓજીની આ ટીમ સાથે મહિલા પોલીસ કર્મચારી પણ હતાં. બંને મહિલા બાંગ્લાદેશની હોવાની માહિતી હોઇ તેની પુછતાછ કરવામાં આવતાં અને રહેણાક સહિતના આધારપુરાવા માંગવામાં આવતાં પોતે બાંગ્લાદેશની વતની હોવાનું અને મજુરી કરવા ગેરકાયદેસર રીતે અહિ આવ્યાનું રટણ કર્યુ હતું.
એસઓજીની ટીમે નિયમાનુસાર જરૃરી કાર્યવાહી કરી જે તે એજન્સીઓને જાણ કરી હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં જે તે ઘુષણખોરનો ઇરાદો ગુનાહિત ન હોય તો તેને ડીપોર્ટ કરવાની કાર્યવાહી થતી હોય છે. એટલે કે જરૃરી કાર્યવાહી બાદ તેને તેના દેશમાં પરત મોકલી દેવામાં આવે છે. આ મહિલાઓની વિશેષ પુછતાછ બાદ જે તે એજન્સી દ્વારા તેને ડીપોર્ટ કરવામાં આવશે.
(3:36 PM IST)










