તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
મોરબીના ઉંચી માંડલથી કોઠારીયામાં ગાંજો વેંચવા આવેલા બે બિહારી રવિ અને રાહુલને આજીડેમ પોલીસે દબોચ્યા
૨.૫૮૮ કિલોગ્રામ ગાંજો, બે મોબાઇલ કબ્જેઃ પીઆઇ એન. એચ. પટેલની રાહબરીમાં પીએસઆઇ ગોહિલ અને ટીમની કામગીરીઃ એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, કોન્સ. મનિષભાઇ શીરોડીયાની બાતમી

રાજકોટ તા. ૫: શહેરમાં નશાના કારોબાર અને માદક પદાર્થોની હેરાફેરી સામે આજીડેમ પોલીસ મથકે કાર્યવાહી કરી છે. ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કોઠારીયા સોલવન્ટ ફાટક રોડ પરથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને બિહાર રાજ્યના વતની અને હાલ મોરબી ખાતે રહીને મજુરી કામ કરતા બે શખ્સોને રૂ. ૧,૨૯,૪૦૦ની કિંમતના ૨.૫૮૮ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા છે.
પોલીસે નશાના આ કાળા કારોબારમાં સંડોવાયેલા બંને શખ્સો પાસેથી ગાંજો, સ્માર્ટફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૫૦,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કલમો હેઠળ ગુન્હો નોંધી જેલહવાલે કર્યા છે. સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માદક પદાર્થની હેરાફેરી અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રવિભાઇ ડી. વાંક, હેડકોન્સ. પિયુષભાઈ ચિરોડીયા અને કોન્સ. મનીષભાઈ શિરોડીયાને બાતમી મળી હતી કે રવિકુમાર અને રાહુલકુમાર નામના બે શ્ખ્સ માકદ પદાર્થ વેંચવા માટે કોઠારીયા ગામ પાણીના ટાંકાથી આગળ, સોલવન્ટ ફાટક તરફ જવાના રસ્તે મહાદેવ ફેરો કાસ્ટ કારખાનાની સામે જાહેર રોડ પર ઉભા છે.
આને આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચતા બાતમી મુજબના બે શખ્સ મળતાં સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ રવિકુમાર મંગલ સીંગ (ઉ.વ.૨૬-રહે. મુળ ગામ તેરઠ, પોસ્ટ અકોલી ગોલા તેતરાટ, જીલ્લો રોહતાસ, બિહાર. હાલ રહેવાસી ગામ ઊંચી માંડલ જી. મોરબી) તથા રાહુલકુમાર નંદજી પ્રસાદ (ઉ.વ.૩૦-રહે. મુળ વોર્ડ નં. ૧૩, શિવ મંદિરની બાજુમાં, ભાનસ, બૈલવૈયા, જીલ્લો રોહતાસ, બિહાર. હાલ રહેવાસી- ઊંચી માંડલ, મોરબી) જણાવ્યા હતાં. રવિકુમારના કબજામાં રહેલો થેલો ખોલવામાં આવ્યો ત્યારે તેમાંથી એક સફેદ ચાદરની નીચેથી ગુલાબી રંગની પ્લાસ્ટિકની કોથળી અને ખાખી ટેપ વીંટેલા બે પાર્સલ મળી આવ્યા હતા.
જેમાંથી વનસ્પતિજન્ય લીલા પાંદડા, ડાળખાં અને બીજવાળો માદક પદાર્થ દેખાતો હતો અને તેમાંથી તીવ્ર વાસ આવતી હતી. આ પદાર્થ ખરેખર ગાંજો જ છે તેની વૈજ્ઞાનિક ખાતરી કરવા એફએએલ અધિકારી કે. એમ. તાવીયાને બોલાવતાં તેમણે ખરાઇ કરી હતી. પોલીસે રૂા. ૧,૨૯,૪૦૦નો ૨.૫૮૮ કિ.ગ્રા. ગાંજો કબ્જે કરી બંને વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઝડપાયેલા બંને શખ્સ મોરબીમાં સિરામીકમાં નોકરી કરે છે. વતન તરફથી માદક પદાર્થ લાવી રાજકોટમાં ગાંજો વેંચવા આવ્યા હોવાનું રટણ કરે છે. જો કે ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી ગઇ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, મનિષભાઇ શીરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર અને પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી.
(3:40 PM IST)










