તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
નામચીન રામદેવ ડાંગર પાસેથી બે દેશી પિસ્તોલ કબ્જેઃ હથીયાર છુપાવવામાં મદદ કરનારા બે સાગ્રીત પણ પકડાયા
નાગેશ્વરના રસ્તે જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસમાં બે મિત્રો વચ્ચેની બબાલમાં ફાયરીંગ-હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ કાર્યવાહી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ડી. જે. જોષી, એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે પરવાનાવાળુ હથીયાર કબ્જે લીધા બાદ કુલ ત્રણ હથીયાર અને સાત કાર્ટીસ જપ્ત થયા

રાજકોટ તા. ૧૧: શહેરના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર પાસેના જેમ્કો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન ખાતે બે મિત્રોએ જાહેરમાં એકબીજા પર હથિયાર તાકીને ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ફાળ પડી ગઈ હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ અને એસઓજીએ કાર્યવાહી કરી બંને આરોપીને પકડી લીધા હતાં. બે ફાયરીંગ કરનાર શખ્સનું પરવાનાવાળુ હથીયાર કબ્જે કરાયું હતું. જ્યારે નામચીનની છાપ ધરાવતાં શખ્સની વિશેષ પુછતાછ બાદ તેના કુલ બે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. સાથે તેના બે સાગ્રીતને પણ પકડી લેવાયા છે. આ બંનેએ હથીયાર નાગેશ્વરમાં જ ઘટના બાદ દાટી દીધા હતાં. જે એસઓજીએ જપ્ત કર્યા છે.
પૈસાની લેતીદેતીના મામલે કુખ્યાત છાપ ધરાવતા શખ્સ અને મિત્ર વચ્ચે બબાલ થઈ હતી. ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ જાહેરમાં થયેલા આ હુમલાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ધજાગરા ઉડાડનાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. શનિવારે સાંજના સમયે જામનગર રોડ પર સ્થિત જેમ્કો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન પાસે દિવ્યરાજસિંહ મજુબતસિંહ સરવૈયા (ઉ.વ.૪૦- ધંધો ખેતી કામ તથા પ્રાઇવેટ નોકરી, રહે. વિનાયકવાટીકા-૪) અને અને રામદેવ લક્ષમણભાઇ ડાંગર (ઉ.વ.૪૪-ધંધો ખેતી કામ, રહે. વિનાયક વાટીકા-૪, મુરલીધર મકાન જામનગર રોડ) વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ હિંસક વળાંક લીધો હતો જ્યારે બંને પક્ષોએ પોતાની પાસે રહેલા હથિયારો કાઢયા હતા.
આરોપી દીવ્યરાજસીંહ સરવૈયાએ રામદેવ ડાંગર તરફ નિશાન સાધીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. સામા પક્ષે રામદેવ ડાંગર પણ પાછો ન પડતા તેણે પણ હથિયાર સાથે ફાયરિંગની પોઝિશન લઈ દીવ્યરાજસીંહ તરફ તાકી હતી. પણ ત્યાં હાજર લોકોએ રામદેવને પકડી લીધો હતો. આ બનાવની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ધારાબેન જે. જોષી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી, એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરીની ટીમે આરોપીઓને પકડી લીધા હતાં. શરૂઆતમાં દિવ્યરાજસિંહનું પરવાનાવાળુ હથીયાર (રિવોલ્વર) રૂા. ૮૦ હજારની અને ફોર્ચ્યુનર કાર, બલેનો કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૩૭,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. રામદેવ ડાંગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે અગાઉ ડીસીબી, એ-ડિવીઝન, માલવીયાનગર, યુનિવર્સિટી પોલીસ, પ્ર.નગર, બી-ડિવીઝનમાં આર્મ્સ એક્ટ, રાયોટીંગ, મારામારી, દારૂ, હત્યા સહિતના ૧૧ ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો હતો. એક સમયે તે બલી ડાંગર ગેંગમાં કામ કરતો હોવાનું પોલીસે કહ્યું હતું.
રામદેવ પાસેનું હથીયાર તેની ધરપકડ વખતે તેની પાસે ન હોઇ આકરી પુછતાછ કરવામાં આવતાં તેણે કબુલ્યું હતું કે ફાયરીંગની ઘટના પછી તેની પાસે જે હથીયાર હતું એ અને બીજુ એક હથીયાર તેની કારમાં હતું તે બંને તેણે મિત્ર કુલદીપસિંહ ઉર્ફ લાલો દશરથસિંહ જાડેજાને આપી દીધા હતાં. એસઓજીએ લાલાને ઉઠાવી લેતાં લાલાએ પોતાના મિત્ર અજય વનરાજસિંહ ચુડાસમા સાથે મળી આ બંને હથીયાર નાગેશ્વર વિસ્તારમાં દાટી દીધાનું કબુલતાં આ બંને હથીયાર અને કાર્ટીસ કબ્જે લેવાયા છે. આ ગુનામાં એક પરવાનાવાળુ અને બે ગેરકાયદે મળી ત્રણ હથીયાર કબ્જે થયા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ડી. જે. જોષી, હેડકોન્સ. શબ્બીરખાન મલેક, રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, મિહીરસિંહ બારડ, હંસરાજભાઇ ઝાપડીયા, કોન્સ. પ્રશાંતભાઇ, રઘુવીરસિંહ, વિપુલભાઇ તથા એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. કે. ઝાલા અને એસઓજી ટીમે આ કામગીરી કરી હતી. આગળની તપાસ એસઓજી ટીમ કરી રહી છે.
(2:50 PM IST)










