<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

એકદંત મંડળીના બે સંચાલકની કાવત્રુ ઘડી વૃધ્‍ધ દંપતિ સાથે રોકાણના નામે ૫.૧૨ લાખની છેતરપીંડી

રૈયા રોડ સદ્દગુરૂ તિર્થધામમાં ઓફિસ ચાલુ કરી વર્ષે ૧૨ ટકા અને દર મહિને પેન્‍શનની લાલચ આપી હતી : રમેશભાઇ સોલંકીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અલ્‍કાપુરીમાં રહેતાં નિલેષ જોષી અને પૂનમગોૈરી ઠાકર વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૭: શહેરના રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકો દ્વારા વયોવૃધ્‍ધ અને નિઃસંતાન દંપતીને ઊંચા વ્‍યાજની અને પેન્‍શનની લાલચ આપી રૂ. ૫,૧૨,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવતાં આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવાતાં કોર્ટના આદેશથી ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર મંડળી ચલાવતાં અને હનુમાન મઢી પાસે અલ્‍કાપુરીમાં રહેતાં બે શખ્‍સ સામે કાવત્રુ ઘડી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અયોધ્‍યા ચોક ઓસ્‍કાર સ્‍કાય પાર્ટ બિલ્‍ડીંગ નં. ૨, ૭૦૨ ખાતે રહેતાં રમેશભાઇ કેશવજીભાઇ સોલંકી (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધની ફરિયાદ પરથી રૈયા રોડ હનુમાન મઢી નજીક અલ્‍કાપુરી-૫માં શ્રીજી કૃપા ખાતે રહેતાં એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેષ રજનીકાંતભાઇ જોષી અને પૂનમગોૈરી મહેશભાઇ ઠાકર વિરૂધ્‍ધ કાવત્રુ ઘડી રૂપિયાના રોકાણ પર ૧૨ ટકા વાર્ષિક લેખે મહિને ૪૦૦૦ પેન્‍શન રૂપે આપવાની લાલચ દઇ રૂા. ૫,૧૨,૦૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદની વિગત મુજબ એકદંત શરાફી મંડળીની ઓફિસ રૈયા રોડ સદ્દગુરૂ તિર્થધામ ઓફિસ નં. ૩૬માં કાર્યરત હતી. વૃધ્‍ધ રમેશભાઈ કેશવજીભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ઓક્‍ટોબર-૨૦૨૨ દરમિયાન અલગ-અલગ એફ.ડી. સ્‍વરૂપે રમેશભાઇ અને તેમના પત્‍નિ અરૂણાબેને કુલ રૂ. ૪,૦૦,૦૦૦નું રોકાણ કર્યું હતું. આ સંચાલકોએ રોકાણ પર વાર્ષિક ૧૨ ટકા અને દર મહિને રૂા. ૪૦૦૦ પેન્‍શન પેટે મળશે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં નિયમિત રકમ ચુકવ્‍યા બાદ માર્ચ-૨૦૨૪થી સંચાલકોએ પેન્‍શન કે વ્‍યાજની રકમ ચુકવવાનું બંધ કરી દીધુ હતું.

સંચાલકોએ માર્ચ-૨૦૨૪થી જુલાઈ-૨૦૨૬ સુધીના કુલ ૨૮ મહિનાના પેન્‍શન પેટે થતા રૂ. ૧,૧૨,૦૦૦ તેમજ મુળ રોકાણના રૂ. ૪,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૫,૧૨,૦૦૦ની રકમ પરત ન કરી આ વળદ્ધ દંપતિ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. દંપતિએ પોતાની મેડિકલ અને ઘરખર્ચની જરૂરિયાત માટે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં સંચાલકોએ ખોટા વાયદાઓ આપવાનું ચાલુ રાખ્‍યું હતું. આ પછી ભોગ બનનાર દંપતીએ આ બાબતે ગત એપ્રિલ માસમાં પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી હતી, જે ગાંધીગ્રામ પોલીસ મથકે રવાના થઈ હતી. પણ પોલીસે તેને સિવિલ મેટર ગણાવી કોર્ટ દ્વારા કાર્યવાહી કરવા સમજ કરી હતી. આથી લાચાર બનેલા વયોવળદ્ધ દંપતીએ રાજકોટના ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ સાહેબની કોર્ટમાં  ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટના ે આદેશ બાદ આખરે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો છે. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. જે. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:41 PM IST)