News of Monday, 18th May 2026
ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોતઃ ઝેરવાળો દારૂ પાઇ મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ
રાજકોટના નવગામમાં રહેતાં પ્રોૈઢ સંત કબીર રોડ પરના જુના મકાનનું રિનોવેશન કરવાનું હોઇ અહિ જ રહેતાં હતાં: તેની સાથે તેના મિત્રનું પણ મોત :નવાગામના મનસુખભાઇ ડાભી (ઉ.વ.૫૦) અને કનકનગરના અલ્પેશભાઇ સાબરીયા (ઉ.વ.૪૩)ના મોતઃ ઘટના સ્થળેથી દેશી દારૂની ખાલી અને થોડા દારૂ સાથેની થેલી મળીઃ મનસુખભાઇના પુત્ર વિનયનો આક્ષેપ-જીણા ભગત નામના સગર શખ્સ સાથે મારા પિતાને માથાકુટ ચાલતી હોઇ તેણે કેમિકલવાળો દારૂ પાઇ દીધો છેઃ પોલીસે જીણા સહિતની પુછતાછ શરૂ કરીઃ મૃતક અલ્પેશભાઇ શકમંદ જીણાનો માણસ હતોઃ તેના મારફત દારૂ મોકલાવ્યાનો મૃતક મનસુખભાઇ ડાભીના પુત્ર વિનય ડાભીનો આક્ષેપઃ પોલીસ તપાસનો ધમધમાટ : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ સોલંકી અને ટીમે તપાસ હાથ ધરી : ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશેઃ હાલ શકમંદની પુછતાછ : મનસુખભાઇ બે બહેનના એક જ ભાઇઃ પાંચ પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું : ફોરેન્સ્કિ પોસ્ટમોર્ટમ બાદ કોઝ ઓફ ડેથ પેન્ડીંગઃ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે : અલ્પેશભાઇ ચાર ભાઇમાં નાનો અને અપરિણીત હતોઃ છુટક મજુરી કરતો

દેશી દારૂ પીધા બાદ મોતને ભેટેલા મનસુખભાઇ ડાભી અને તેના મિત્ર અલ્પેશભાઇ સાબરીયાના નિષ્પ્રાણ દેહ તેમજ બંનેના ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૮: શહેરના સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં મકાનના રીનોવેશનના કામના સ્થળે એક ૫૦ વર્ષના પ્રોૈઢ અને તેના ૪૩ વર્ષના મિત્રએ દેશી દારૂ પીધા બાદ બંને ઘટના સ્થળે જ ટપોટપ ઢળી પડયા બાદ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. પ્રોૈઢના પુત્રએ આક્ષેપ કર્યો છે કે ભગીરથ સોસાયટીમાં જ રહેતાં જીણા ભગત નામના સગર શખ્સને મારા પિતા સાથે મનદુઃખ હોઇ તેણે કેમિકલ ભેળવેલો દારૂ પીવડાવી દઇ મારા પિતા અને પોતાના જ માણસ અને મારા પિતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે જીણા ભગત નામના શખ્સ સહિત ત્રણને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. બંનેના મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે. જો કે કોઝ ઓફ ડેથ હાલ પેન્ડીંગ રખાયું હોઇ અઠવાડીયા દસ દિવસ પછી ફોરેન્સિક વિભાગ તરફથી પ્રાથમિક રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી થશે.
જાણવા મળ્યા મુજબ નવાગામ રહેતાં મનસુખભાઇ રણછોડભાઇ ડાભી-કોળી (ઉ.વ.૫૦) રાતે પોણા નવેક વાગ્યે સંત કબીર રોડપ ર ભગીરથ સોસાયટી-૧૦માં આવેલા પોતાના વડીલોપાર્જીત જુના મકાને હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં. તેની સાથે જ આ સ્થળે તેના મિત્ર અલ્પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયા-કોળી (ઉ.વ.૪૩) પણ બેભાન મળ્યા હોઇ તેને પણ હોસ્પિટલે ખસેડાયેલ. પરંતુ તેનું પણ મોત થયું હતું. મનસુખભાઇ ડાભીના વડીલોપાર્જીત જુના મકાનને પાડીને નવુ બનાવવાનું કામ ચાલુ કરવાનું હોઇ જેથી તે આ મકાને હતાં. બંને મિત્રો બાજુ બાજુમાંથી બેભાન મળ્યા બાદ હોસ્પિટલમાં મોત થયા હતાં.
પરિવારજનોએ પ્રાથમિક તપાસ કરતાં દેશી દારૂની એક ખાલી કોથળી અને એક કોથળીમાં થોડો દારૂ વધ્યો હતો તે મળી આવતાં પોલીસને જાણ કરતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ જે. આર. સોલંકી સહિતની ટીમે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દેશી દારૂ પીધા બાદ બંનેની તબીયત બગડતાં બંને ઢળી પડયા હતાં અને હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવતાં બંનેના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર મનસુખભાઇ ડાભી બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં. તેને સંતાનમાં પાંચ દિકરા છે. પત્નિનું નામ ગનુબેન છે. મનસુખભાઇ યાર્ડમાં તેમજ ઇમિટેશનની છુટક મજૂરી કરતાં હતાં. જ્યારે તેની સાથે મૃત્યુ પામનાર અલ્પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયા ચાર ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે છુટક મજુરી કરતો હતો અને ભગીરથ સોસાયટીમાં જ્યાં ઘટના બની તેની પાછલી શેરીમાં જ રહેતાં અને દારૂ-જૂગારની પ્રવૃતિમાં સામેલ જીણા ભગત સગરની સાથે તેના માણસ તરીકે કામ કરતો હતો.
દરમિયાન મૃતક મનસુખભાઇના મોટા દિકરા વિનય ડાભીએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે-મારા પિતા મનસુખભાઇ અને તેના મિત્ર અલ્પેશભાઇને દેશી દારૂમાં કોઇ ઝેરી કેમિકલ ભેળવીને તે પીવડાવીને મોતને ઘાટ ઉતારાયા છે. હાલમાં અમારા જે ઘરનું રીનોવનેશ કરવાનું છે ત્યાં મારા પિતા કેટલાક દિવસથી રહેતાં હતાં. રાતે ૯:૧૦ કલાકે મને તેમણે ફોન કરીને કડીયા ક્યારથી આવવાના છે? એવુ પુછતાં મેં તેમને કાલથી જ આવી જશે અને કામ ચાલુ થઇ જશે તેમ વાત કરી હતી.
આ પછી રાતે ૯:૩૮ કલાકે મારો નાનો ભાઇ નિલેષ મારા પિતાને સંત કબીર રોડ ભગીરથ સોસાયટીના અમારા આ જુના મકાને ટીફીન આપવા ગયો ત્યારે મારા પિતાને તેણે બેભાન જોયા હતાં અને તેમનો મિત્ર અલ્પેશભાઇ પણ તેમનાથી દસેક ડગલા દૂર બેભાન પડેલો જોવા મળતાં તુરત જ નિલેષે મને જાણ કરતાં અમે બધા તાત્કાલીક ત્યાં પહોંચ્યા હતાં. અમે તપાસ કરતાં ત્યાંથી દેશી દારૂની એક ખાલી કોથળી અને એક થોડો દારૂ ભરેલી કોથળી મળી આવતાં અમે પોલીસને જાણ કરી હતી અને ૧૦૮ બોલાવી હતી. તાકીદે અમે મારા પિતા અને અલ્પેશભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમને તબિબે મૃત જાહેર કર્યા હતા.
વિનય ડાભીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટના બની ત્યાં અમારા ઘરની પાછળની શેરીમાં જીણા ભગત કરીને સગર શખ્સ રહે છે તે દેશી દારૂ વેંચે છે અને વરલીના આંકડા પણ રમાડે છે. થોડા મહિના પહેલા કોઇ પોલીસે મારા પિતાને આવીને પુછેલુ કે વરલીનો જુગાર કોણ રમાડે છે ત્યારે મારા પિતાએ પોતાને ખબર નથી પણ પાછળની શેરીમાં કોઇ રમાડે છે તેવી વાત કરી હોઇ આ કારણે જીણાને મારા પિતા સાથે મનદુઃખ સર્જાયુ હતું. વળી અમારુ આ મકાન પણ જીણાને લેવુ હોઇ અમે હાલમાં રિનોવેશન કરાવતાં હતાં તે જીણાને ગમ્યું નહોતું. જેથી તેણે પોતાના જ માણસ એવા અલ્પેશભાઇ કે જે મારા પિતાના પણ મિત્ર હતાં તેની સાથે દેશી દારૂની કોથળીઓ મોકલી હતી. જે બંનેએ પીધા બાદ બંનેના મોત થયા હતાં. આ દારૂ સાથે કોઇ જલદ ઝેરી પ્રવાહી ભેળવેલુ હોવાની અમને પુરી શંકા છે. વિનયએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ આ રીતે શંકાસ્પદ મૃત્યુ થયા હતાં પણ તેમાં હાર્ટએટેકના તારણ નીકળ્યા હતાં.
વિનયના આક્ષેપોને પગલે તુરત જ પોલીસે જેના વિરૂધ્ધ આક્ષેપો થયા તે જીણા સહિત ત્રણને પોલીસે પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં. જો કે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ બનાવે સામા કાંઠે અને કોળી પરિવારોમાં અરેરાટી ફેલાવી દીધી છે. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ જે. આર. સોલંકી અને ટીમ વધુ તપાસ કરે છે. (૧૪.૫)
(3:06 PM IST)










