<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

મધરાતે વતન જવા માટે નીકળેલા યુપીના બે મિત્રોને વાવડી રોડ પર છરીના ઘા ઝીંકી લૂંટઃ એકની હત્‍યા

પુનિતનગર સર્કલથી આગળ મામા સાહેબના મંદિર પાસે ઘટનાઃ બાઇક પર આવેલા ત્રણ શખ્‍સે પહેલા યુપી-પ્રયાગરાજના સંતોષને છરીના ઘા ઝીંકી વીસેક હજારની રોકડ-મોબાઇલ લૂંટી લીધાઃ તેનો મિત્ર યુપીનો દિનેશ ચોૈહાણ ભાગતાં બસ્‍સો મીટર દૂર આંતરી લઇ તેને પણ ઘા ઝીંકાયાની શક્‍યતા : સંતોષને લોહીલુહાણ હાલતમાં મધરાતે હોસ્‍પિટલમાં ખસેડાતાં તેણે બાઇક પર આવેલા ત્રણ શખ્‍સો હુમલો કરી લૂંટી ગયાનું કહ્યું: સવારે આ સ્‍થળથી નજીકમાં ખાડામાંથી તેનો મિત્ર દિનેશ લોહીલુહાણ-બેભાન મળ્‍યા બાદ તેનું મોત થયું: તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી : સંતોષ અને દિનેશ વચ્‍ચે તો માથાકુટ નહોતી થઇ ને? તે અંગે પણ તપાસ : સંતોષ અને મૃતક દિનેશ ત્રણેક વર્ષની સાથે રહેતાં હતાં: દિનેશ અપરિણીત હતો

છરીના ઘા ઝીંકી જેને લૂંટી લેવાયો તે મુળ પ્રયાગરાજનો યુવાન સંતોષ સારવાર હેઠળ છે : હત્‍યાનો  ભોગ બનેલા યુપીના દિનેશ ચોૈહાણનો નિષ્‍પ્રાણ દેહ

ઘટનાને પગલે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે તપાસાર્થે પહોંચેલા તાલુકા પીઆઇ ઍસ. આર. મેઘાણી, પીઍસઆઇ ઍન. ઍચ. મહારાજ, કીશનભાઇ અજાગીયા અને અન્ય સ્ટાફ જાઇ શકાય છે. 

 

રાજકોટ તા. ૨૯: હત્‍યા-ખૂની હુમલો અને લૂંટની ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. ગોંડલ રોડ ગોંડલ રોડ પુનીતનગરથી વાવડીના રસ્‍તે મામા સાહેબના મંદિર નજીક મધરાતે પગપાળા જઇ રહેલા યુપી-પ્રયાગરાજના એક યુવાન અને તેની સાથેના યુપીના જ તેના મિત્રને બાઇક પર આવેલા ત્રણ શખ્‍સોએ આંતરી જે હોય તે આપી દેવાનું કહી છરીના ઘા ઝીંકી રોકડ અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. આ યુવાનનો મિત્ર બચવા માટે ભાગતાં તેનો પણ લૂંટારાઓએ પીછો કરી હુમલો કર્યો હતો. આ યુવાન સવારે ખાડામાંથી બેભાન મળતાં હોસ્‍પિટલમાં ખસેડાતાં તેનું મોત થયું હતું.   આ ઘટનાનો ભેદ ઉકેલવા તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ની ટીમો કામે લાગ્‍યા છે.

 જાણવા મળ્‍યા મુજબ વાવડી રોડ પર ફાલ્‍કન પંપ નજીક રહેતો અને વાવડીમાં કંપનીમાં નોકરી કરતાં સંતોષ મુંદનલાલ જમાર (ઉ.વ.૨૧) નામના યુવાનને તે રાતે સાડા ત્રણેક વાગ્‍યે ચાલીને જતો હતો ત્‍યારે પુનિતનગર વાવડી રોડ મામા સાહેબના મંદિર નજીક અજાણ્‍યા શખ્‍સોએ છરીના ઘા ઝીંકતાં કમર, પીઠના ભાગે ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં તાલુકા પોલીસે સ્‍ટેશનના એએસઆઇ જોષી સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.

સંતોષ જમારે સવારે સારવાર ચાલુ  હતી ત્‍યારે ત્રુટક અવાજે જણાવ્‍યું હતું કે હું મુળ યુપીના પ્રયાગરાજનો વતની છું અને હાલ વાવડીમાં રહી કંપનીમાં નોકરી કરુ છું. મારે આજે વતન યુપી જવાનું હોઇ વહેલી સવારે ટ્રેન પકડવાની હોવાથી રાતે સાડા ત્રણેક વાગ્‍યે ઘરેથી નીકળ્‍યો હતો. ચાલીને પુનીતનગર સર્કલ વાવડી રોડ પર મામા સાહેબના મંદિર નજીક પહોંચ્‍યો ત્‍યારે બાઇક પર ત્રણ શખ્‍સો આવ્‍યા હતાં. તેણે મારી પાસે વાહન ઉભુ રાખ્‍યું હતું અને પૈસા હોય તે આપી દેવાનું કહ્યું હતું. મેં પૈસા નથી તેમ કહેતાં આ શખ્‍સોએ છરીથી હુમલો કર્યો હતો અને પીઠ-વાંસામાં ઘા મારી દીધા હતાં. બાદમાં મારી પાસેથી રૂા. વીસ હજાર રોકડા અને મારો મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયા હતાં. મેં દેકારો મચાવતાં કોઇ રાહદારી નીકળતાં ૧૦૮ બોલાવી દીધી હતી.

સંતોષે વધુમાં કહ્યું હતું કે હું બે ભાઇ અને એક બહેનમાં મોટો છું અને અપરિણીત છું. મારા પરિવારજનો પ્રયાગરાજ રહે છે. વતનમાં આટો મારવા હું જતો હોઉ ઉપાડ, પગારના મળી વીસ હજાર રોકડા મારી પાસે હતાં. તે રકમ અને મારો મોબાઇલ ત્રણ અજાણ્‍યા શખ્‍સો પડાવી ગયા છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

લૂંટની આ બનાવની તપાસ ચાલી રહી હતી ત્‍યાં જ સવારે લૂંટની ઘટના જ્‍યાં બની તેનાથી આશરે દોઢસો-બસ્‍સો મીટર દૂર વાવડી ચોકી નજીક ખાડામાંથી અજાણ્‍યો આશરે ૩૨ વર્ષનો એક યુવાન બેભાન હાલતમાં મળી આવતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ તેનું મૃત્‍યુ થતાં આ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. સંતોષને લૂંટી લેવાયો એ સ્‍થળથી બસ્‍સો આશરે બસ્‍સો મીટર દૂરથી જ આ અજાણ્‍યો યુવાન મળ્‍યો હોઇ આ બંને ઘટના એકબીજા સાથે સંલગ્ન હોવાની શક્‍યતા ઉભી થઇ હતી.

સંતોષને ઓપરેશનમાં લઇ જવાયો હોઇ સવારે પોલીસ વધુ પુછતાછ કરી શકી નહોતી. બાદમાં બપોરે ઓપરેશનમાંથી તે બહાર આવતાં અને ભાનમાં આવતાં અજાણ્‍યા મૃતકના ફોટા તેને બતાવવામાં આવતાં તેણે આ મૃતક પોતાની સાથે જ રહેતો મુળ યુપીનો પોતાનો મિત્ર દિનેશ ચોૈહાણ (ઉ.વ.૩૦) હોવાનું ઓળખી બતાવ્‍યું હતું અને કહ્યું હતું કે રાતે ઘટનાને કારણે હું ગભરાઇ ગયો હતો. મારા પર હુમલો થયો ત્‍યારે મિત્ર દિનેશ બચવા માટે ભાગી ગયો હતો. હું બાદમાં બેભાન જેવો થઇ ગયો હતો. દિનેશનું શું થયું તેની મને ખબર નહોતી.

પોલીસે આ બાબતની ખરાઇ કરતાં એ સ્‍પષ્‍ટ થયું હતું કે જેની લાશ મળી છે એ અજાણ્‍યો યુવાન દિનેશ ચોૈહાણ જ હતો અને તે પણ યુપીનો વતની હતો. તે બે ભાઇમાં નાનો હતો અને અપરિણીત હતો. તેના પુરા નામ-સરનામા મેળવવા, વાલીવારસને જાણ કરવા પોલીસે તપાસ યથાવત રાખી છે. પોલીસ એવા તારણ પર પહોંચી છે કે લૂંટારાઓએ પહેલા સંતોષને છરીના ઘા ઝીંક્‍યા હતાં અને તેની પાસેથી રોકડ-ફોન પડાવી લીધા હતાં. આ વખતે તેનો મિત્ર દિનેશ ભાગતાં તેનો પીછો કરી આશરે બસ્‍સો મીટર દૂર આંતરી લીધો હશે અને તેને પણ છરીના ઘા મારી દીધા હશે. પોલીસે શકમંદોને ઉઠાવી લેવા અને પુછતાછ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસે એ પણ તપાસ હાથ ધરી છે કે સંતોષ અને દિનેશ વચ્‍ચે તો કોઇ માથાકુટ થઇ નહોતી ને? આ ઘટનાએ વિસ્‍તારમાં અને શહેરમાં ચકચાર જગાવી દીધી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ મહારાજ, કિશનભાઇ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમો, તેમજ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા તથા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:26 PM IST)