<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

કોઠારીયા સોલવન્‍ટમાં ટાયર-ટયુબના ખર્ચ બાબતે યુવાનના બાઇકમાં બે મિત્રોએ ધોકાથી તોડફોડ કરી

માથે જતાં ધમકી દીધી કે પોલીસને જાણ કરીશ તો મારી નાંખશું: ક્રિષ્‍ના પાસવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુલશન અને ગોપાલ ચોૈહાણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬:  કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં બાઇકના ટયુબ-ટાયરના ખર્ચના સામાન્‍ય ડખ્‍ખામાં એક યુવાન સાથે તેના જ બે જુના મિત્રોએ માથાકુટ કરી બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી માથે જતાં યુવાનને મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્‍યો છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્‍ટ શીતાળધાર ૨૫ વારીયામાં હનુમાનજીના મંદિર નજીક રહેતાં મુળ બિહારના ભાગલપુરના બાકા ગામના ક્રિષ્‍ના બીપીનભાઇ પાસવાન (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી ગુલશન ચોૈહાણ  અને નંદલાલ ચોૈહાણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ક્રિષ્‍ના પરિવાર સાથે રહે છે અને ભઠ્ઠીમાં મજુરી કરી ગુજરાન ચલાવે છે. મુળ બિહારના આ યુવાનનો જન્‍મ અહિ રાજકોટમાં જ થયો છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ રાત્રિના સમયે હનુમાન મંદિર પાસે હાજર હતો. આ દરમિયાન તેનો મિત્ર દિપક ફરિયાદીનું સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ નં.જીજે૦૩પીકે- ૫૪૯૮ લઈને આવી રહ્યો હતો.

ત્‍યારે રસ્‍તામાં ક્રિષ્‍નાના અન્‍ય બે જૂના મિત્રો ગુલશન ચૌહાણ તથા નંદલાલ ચૌહાણે દિપકને ઉભો રાખીને જણાવ્‍યું હતું કે-આ મોટરસાયકલમાં એક અઠવાડિયા પહેલા મેં ટયુબ-ટાયરનો ખર્ચ કરેલ છે તે મને આપ. આ સાંભળી ક્રિષ્‍નાએ જણાવ્‍યું કે તે ઘરેથી રૂપિયા લઈને આવે છે અને થોડી વાર રાહ જોવાનું કહી પોતાના ઘરે રૂપિયા લેવા ગયો હતો. ક્રિષ્‍ના જ્‍યારે ઘરેથી રૂપિયા લઈને પરત ફર્યો ત્‍યારે ગુલશન અને નંદલાલ બંનેએ  મોટરસાયકલ પર પથ્‍થર તથા લાકડાના ધોકા વડે બેફામ તોડફોડ ચાલુ કરી દીધી હતી. બંનેને રોકવાનો પ્રયાસ કરતા ક્રિષ્‍ના અને તેના મિત્ર દિપકને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્‍યા હતા.

તોડફોડ બાદ આરોપી ગુલશને ધમકી આપી હતી કે-જો આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ કરીશ તો છૂટીને આવીને આજે ધોકા વડે પતાવી દઈશ. એટલું જ નહીં, ત્‍યાંથી ચાલ્‍યા ગયા બાદ નંદલાલે પણ ફરિયાદીને ફોન કરીને ધમકી આપી હતી કે-જો ફરિયાદ કરીશ તો તને જોઈ લઇશ. ધોકા-પથ્‍થર ફટકારવાને કારણે મોટરસાયકલની ટાંકી, આગળના મોરા તેમજ આગળ-પાછળની લાઈટોમાં રૂપિયા ૧૮,૦૦૦નું નુકસાન થયું છે. આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:25 PM IST)