તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
આંતરરાજ્ય બે તસ્કર નસીમ અને દિપક દેહરાદૂનમાં ચોરી કરે એ પહેલા રાજકોટ પોલીસે ત્યાંથી દબોચ્યા
ગૂગલ મેપથી શહેર પસંદ કરી ટ્રેન મારફત જે તે શહેરમાં પહોંચી બસ સ્ટેશન-રેલ્વે સ્ટેશન પાસે હોટેલમાં રોકાતાં : યુપીના નસીમ સૈફી અને દિપક જાટવની યુપીમાં અલગ અલગ ૮ ચોરીઓમાં સંડોવણીઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એસ. એન. શ્યોરા અને ટીમોની કામગીરી : રૂડાનગર-૩માં ઇંટોના ધંધાર્થીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ દિવસે બંધ મકાનની રેકી કરી રાતે બે વાગ્યે ચોરી કરી સવારે યુપી ભાગી જતાં

રાજકોટ તા. ૧: શહેરના કાલાવડ રોડ રૂડાનગર-૩ ઇસ્કોન મંદિર પાછળ રહેતાં ઇંટોના ધંધાર્થીના એક દિવસ માટે બંધ રહેલા મકાનના તાળા તોડી એંસી હજારથી વધુની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી દહેરાદૂનથી યુપીના બે આંતર રાજ્ય તસ્કરને પકડી લીધા છે. આ બંને દેહરાદૂનમાં પણ ચોરી કરવા જ ગયા હતાં. પણ ત્યાં હાથફેરો કરે એ પહેલા ઝડપાઇ ગયા હતાં. ગૂગલ મેપથી જે તે શહેર પસંદ કરી ટ્રેન મારફત એ શહેરમાં પહોંચી બાદમાં દિવસે રેકી કરી રાતે ચોરી કરી સવારે ટ્રેન પકડી પરત યુપી ભાગી જતાં હતાં.
જાણવા મળ્યા મુજબ રૂડાનગર-૩માં બંધ મકાનમાં ચોરી થઇ હોઇ આ ગુનો ઉકેલવા ટીમો તપાસમાં હતી ત્યારે એલસીબી ઝોન-૨ ટીમને મહત્વની કડી મળી હતી કે આ ચોરીમાં સામેલ બે તસ્કર યુપીના વતની છે અને આંતરરાજ્ય ગુનેગાર છે. તેમજ હાલમાં તે દહેરાદૂન ખાતે ચોરી કરવા પહોંચ્યા છે. આ બાતમી બાદ ઉચ્ચ અધિકારીઓની સુચનાથી ટીમના જવાનો પગેરૂ દબાવતાં દહેરાદૂન (ઉત્તરાખંડ) ખાતે પહોંચ્યા હતાં અને શોધખોળ કરી બંનેને પકડી લીધા હતા. પુછતાછમાં પોતાના નામ નસીમ કયુભાઇ સૈફી (ઉ.વ.૩૦-રહે. અખરોલી તા. ચંદોસી જી. શંભલ ઉત્તરપ્રદેશ) તથા દિપક જડુભાઇ જાટવ (ઉ.વ.૨૨-રહે. અમાપ્તી તા. જી. સંભલ ઉત્તરપ્રદેશ) જણાવ્યા હતાં.
આ બંનેની તલાશી લેતાં તેની પાસેથી રોકડ, ચાંદીના સિક્કા મળી રૂા. ૭૭૩૦૦ની માલમત્તા મળી આવતાં તે અંગે પુછતાછ થતાં રાજકોટમાં રૂડાનગર-૩માં ચોરી કર્યાનું કબુલતાં રાજકોટ લાવી વિશેષ કાર્યવાહી માટે યુનિવર્સિટી પોલીસને સોંપ્યા હતાં. આ બંને અગાઉ યુપી મુરાદાબાદ, લખનોૈ, વારાણસીમાં ચોરીઓના આઠ ગુનામાં પકડાઇ ચુક્યા હતાં. આ બંને ગૂગલ મેપથી મોટા શહેરને સર્ચ કરતાં અને બાદમાં નક્કી કર્યા પછી ટ્રેન મારફત જે તે શહેરમાં પહોંચી જતાં હતાં. આ પછી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન આસપાસ હોટેલમાં રોકાઇ દિવસે બંધ મકાનની રેકી કરતાં અને રાતે બે વાગ્યે જે તે નક્કી કરેલા ઘરમાં ત્રાટકી ચોરી કરી વહેલી સવારે ટ્રેનમાં બેસી યુપી ભાગી જતાં હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. શ્યોરા, આર. એમ. સાખરા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ કાળુભા, દિવ્યરાજસિંહ સાવજુભા, જયંતિભાઇ રાઠોડ, કોન્સ. પ્રવિણભાઇ જતાપરા, વિરેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ ટેમભા, પ્રાદિત્યસિંહ ઝાલા તથા એલસીબી ઝોન-૨ પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી
(2:21 PM IST)










