<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

આંગડીયા કર્મી સાથે ઝપાઝપીઃ ગન બતાવી ૧૯ લાખની લૂંટ : જુઓ વિડિયો

પટેલવાડી પાસે પાસે પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમાં સનસનાટીભરી ઘટના : વાંકાનેરના જયેશભાઇ ઓઝાની પેઢીના કર્મચારી જાગનાથ પ્‍લોટમાં રહેતાં અલ્‍કેશભાઇ દવે સવારે ઘરેથી રોકડના બે થેલા લઇને નીકળ્‍યા હતાં: એક થેલો ગોંડલ રોડ બ્રાંચમાં આપી બીજો થેલો પટેલવાડી પાસેની બ્રાંચે લાવ્‍યા હતાં: સવારે સાડા દસેક વાગ્‍યે બે શખ્‍સ આવ્‍યાઃ એક બહાર ઉભો, બીજાએ અંદર આવી બે લાખનું આંગડીયુ કરવું છે કહી સીધો જ થેલો ઉઠાવ્‍યોઃ ઝપાઝપી કરતાં ગન બતાવી લૂંટ કરી ભાગ્‍યાઃ બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ અને ટીમે ગુનો નોંધ્‍યોઃ તપાસનો ધમધમાટ : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ ઘટના સ્‍થળે પહોંચ્‍યાઃ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમોએ પણ તપાસમાં ઝંપલાવ્‍યું

સવારે સાડા દસે સતત ધમધમતા પટેલવાડી નજીકના રોડ પર આવેલી પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની જુની આંગડીયા પેઢીમાં આંગડીયુ કરવાના બહાને આવેલા લૂંટારૂ કર્મચારી સાથે ઝપાઝપી કરી ગન જેવુ હથીયાર બતાવી રૂા. ૧૯ લાખની રોકડનો થેલો લૂંટી ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે. તસ્‍વીરમાં જ્‍યાં ઘટના બની તે પેઢી, લોકોના ટોળા, ઓફિસ અંદર ભોગ બનનાર પાસે વિગત મેળવતા પોલીસ અધિકારીઓ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, પીઆઇ જી. આર. ચોૈહાણ તથા ડીસીબીનો અન્‍ય સ્‍ટાફ, ભોગ બનેલા કર્મચારી અલ્‍કેશભાઇ દવે તથા સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યોમાં અલ્‍કેશભાઇ તથા બંને લૂંટારા જોઇ શકાય છે. ઝપાઝપી થઇ હતી તે દ્રશ્‍યો પણ નજરે પડે છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: શહેરમાં સામા કાંઠે ભાવનગર રોડ પર પટેલ વાડીના ખુણા નજીક દિનદહાડે સવારે સાડા દસેક વાગ્‍યે લૂંટની ઘટના બનતાં સનસનાટી મચી ગઇ છે. પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં કર્મચારી હજુ તો રોકડના થેલા સાથે આવ્‍યા ત્‍યાં જ બાઇક પર આવેલા બે શખ્‍સો પૈકી એક શખ્‍સે અંદર આવી બે લાખનું આંગડીયુ કરવાનું છે તેમ કહી અંદર આવ્‍યો હતો એ પછી તરત જ રોકડનો થેલો ઉઠાવ્‍યો હતો. કર્મચારીએ તેને અટકાવતાં તેની સાથે ઝપાઝપી કરી તુરત જ ગન તાંકી દીધી હતી અને રોકડા ૧૯ લાખનો થેલો લૂંટી તેના સાગ્રીત સાથે બાઇકમાં બેસી ભાગી ગયો હતો. લૂંટારાઓને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે.

જાણવા મળ્‍યા મુજબ ન્‍યુ જાગનાથ પ્‍લોટ-૨૩માં વિષ્‍ણુ એપાર્ટમેન્‍ટમાં રહેતાં અલ્‍કેશભાઇ ગીરીશભાઇ દવે ત્રણ વર્ષથી સામા કાંઠે ભાવનગર રોડ પર પટેલ વાડી નજીક બીઓઆઇના એટીએમ નજીક આવેલી પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. આ પેઢીના માલિક જયેશભાઇ ઓઝા વાંકાનેર રહે છે. અલ્‍કેશભાઇ દવે દરરોજ રાતે પેઢીની જે રકમ ગ્રાહકોને આપવાની, મોકલવાની હોય તે તકેદારીના ભાગ રૂપે ઘરે લઇ જાય છે. ગત રાતે તેઓ રોકડના બે અલગ અલગ થેલા ઘરે લઇ ગયા હતાં.

આજે સવારે નિત્‍યક્રમ મુજબ એક રોકડનો થેલો તેઓ ગોંડલ રોડ પર સમૃધ્‍ધી ભવનમાં આવેલી પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝની એક બ્રાંચ ખાતે પહોંચાડી બીજો રૂા. ૧૯ લાખની રોકડનો થેલો લઇને સવારે સાડા દસેક વાગ્‍યે પટેલવાડી પાસેથી પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝની બ્રાંચ ખાતે આવ્‍યા હતાં. અહિ ઓફિસ ખોલી અંદર બેઠા તેને માંડ પાંચેક મિનીટ થઇ હતી ત્‍યાં જ હોન્‍ડા શાઇન બાઇક પર બે શખ્‍સ આવીને તેમની ઓફિસ બહાર ઉભા રહ્યા હતાં.

જેમાંથી એક શખ્‍સ ઉતરીને ઓફિસ અંદર આવ્‍યો હતો અને તેણે અલ્‍કેશભાઇ દવેને ‘મારે બે લાખનું આંગડીયું કરવાનું છે' તેમ ગુજરાતી ભાષામાં કહ્યું હતું. અલ્‍કેશભાઇ હજુ વધુ કંઇ તેને પુછે કે વાત કરે એ પહેલા જ આ શખ્‍સે રોકડના થેલા પર ઝોંટ મારી હતી અને થેલો ઉઠાવી લીધો હતો. આથી અલ્‍કેશભાઇએ તેની સાથે ઝપાઝપી ચાલુ કરી રોકડનો થેલો બચાવવા પ્રયાસ આદર્યો હતો. પણ આ વખતે લૂંટારાએ ગન જેવું હથીયાર તાંકી દેતાં અલ્‍કેશભાઇ ડરી જતાં તેને છોડી દીધો હતો. બાદમાં તે બહાર ભાગતાં અલ્‍કેશભાઇએ બૂમાબૂમ કરતાં નજીકની પાનની દુકાને ઉભેલા અશ્વીનભાઇ પણ દોડી આવ્‍યા હતાં. તેણે પણ લૂંટારાને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગન બતાવતાં તે પણ પાછળ હટી ગયા હતાં.

બંને લૂંટારા ૧૯ લાખની રોકડ લૂંટી બાઇક પર બેસી પળવારમાં ભાગી છુટયા હતાં. અલ્‍કેશભાઇએ સ્‍વસ્‍થ થઇ તુરત જ પોલીસને અને પોતાના શેઠને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી. આર. ચોૈહાણ સહિતનો સ્‍ટાફ પહોંચી ગયો હતો અને વિગતો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અલ્‍કેશભાઇ દવેની ફરિયાદ તેમણે નોંધી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સહિતના અધિકારીઓ, ડીસીબીનો કાફલો, એલસીબી ઝોન-૧ ટીમ પણ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે લૂંટારા ભાગ્‍યા ત્‍યાંથી લઇને આગળ જે તરફ ભાગ્‍યા એ રસ્‍તા પરના ફૂટેજ મેળવવા અને બંનેનુ પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લૂંટની ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે સામા કાંઠાના વેપારીઓમાં ચકચાર મચી ગઇ હતી. લૂંટારા ગુજરાતી ભાષા બોલતા હતાં.  લૂંટ કરીને હોન્‍ડા શાઇન બાઇક પર ભાગી ગયા હતાં. પોલીસ કન્‍ટ્રોલ રૂમ દ્વારા આ અંગે મેસેજ પાસ કરી મોબાઇલોને વોચમાં રહેવા સુચના અપાઇ હતી. (૧૪.૧૦)

રેકી કરી ઘટનાને અંજામ આપ્‍યાની શક્‍યતા

ઞ્જઅલ્‍કેશભાઇ દવે દરરોજ ઘરેથી રોકડ લઇને નીકળે છે તેની જાણકારી અગાઉથી આ લૂંટારૂઓએ મેળવવા રેકી કરી હોવાની શક્‍યતા નકારી શકાતી નથી. ગોંડલ રોડની  બ્રાંચ કોમ્‍પલેક્ષમાં હોઇ ત્‍યાં વધુ ભીડભાડ રહેતી હોઇ છે. પટેલવાડીની બ્રાંચ ખાતે અલ્‍કેશભાઇ એકલા જ બેસે છે તેની પણ લૂંટારૂઓએ રેકી કર્યા બાદ અંજામ આપ્‍યાની શક્‍યતા છે. લૂંટારૂઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(2:56 PM IST)