તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરનું ખિસ્સુ કાપી લેનાર રિક્ષાગેંગના બે શખ્સ ઝડપાયા
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવની સુચના મુજબ આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ અને પીએસઆઇ વી. જી. ડોડિયાની ટીમની કામગીરીઃ પીયુષભાઈ, ગોપાલભાઇ, હરપાલસિંહની બાતમી

રાજકોટ તા. ૨૦: શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડી નજર ચુકવી ચોરી કરતી ગેંગનો આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે પર્દાફાશ કર્યો છે. રીક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ ઉલ્ટી કરવાના બહાને ધક્કામુક્કી કરી ખિસ્સા હળવા કરતી આ ટોળકીના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
જાણવા મળ્યા મુજબ ગત ૧૨મી મેના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી સ્વાતિ પાર્ક મેઈન રોડથી ગોંડલ ચોકડી જવા માટે એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષામાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો પહેલેથી જ પેસેન્જર તરીકે બેઠેલા હતા. રીક્ષા ચાલુ થયા બાદ ગોંડલ ચોકડી ઓવરબ્રીજ સુધી પહોંચતા વચ્ચે બેઠેલા શખ્સોએ વારંવાર ઉલ્ટી થવાનું બહાનું કાઢી ફરિયાદી સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમને ઓવરબ્રીજ પર ઉતારી દીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોતાનું ખિસ્સું તપાસતા તેમાંથી ૧૫,૦૦૦ની રોકડ રકમ ગાયબ જણાઈ હતી. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ અને પીએસઆઇ વી. જી. ડોડિયાની રાહબારીમાં સર્વેલન્સ સ્ક્વોડની અલગ-અલગ ટીમો તપાસમાં હતી.
તે દરમિયાન આજીડેમ પોલીસના હેડકોન્સ. પિયુષભાઈ ચિરોડીયા, ગોપાલભાઈ બોળીયા અને કોન્સ. હરપાલસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના બે આરોપીઓ ભકુલ અંકુભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦, રહે. યુવરાજનગર શેરી નં. ૧, આજીડેમ ચોકડી પાસ) અને રાહુલ જતીનભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૩, રહે. યુવરાજનગર શેરી નં. ૧, આજીડેમ ચોકડી પાસેને ઝડપી લઇ ગુનામાં વપરાયેલી રિક્ષા જીજે૨૩એવી-૧૩૬૪ કિંમત રૂા. ૫૦ હજારની, રૂા. ૧૫ હજારની રોકડ કબ્જે કર્યા છે. ત્રીજા સાગ્રીતની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડિયા, એએસઆઇ રવિભાઈ વાંક, હેડકોન્સ. પિયુષભાઈ ચિરોડીયા, સંજયભાઈ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઈ પાલા, ગોપાલભાઈ બોળીયા, ભરતભાઈ જોગીયા, હિતેશભાઈ અગ્રાવત, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, મહેશભાઈ કોઠીવાળ, કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મનીષભાઈ શિરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર તથા પ્રતિકભાઈ બોરસદીયાએ કરી હતી.
(4:04 PM IST)










