તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
નવલનગરના બગીચામાં કૃષ્ણનગરના ધ્રુવ ચોટાઇ પર બે શખ્સનો હુમલોઃ કડાથી ફટકારી લોહીલુહાણ કર્યો
માર્કેટીંગનું કામ કરતો યુવાન મહિલા મિત્ર સાથે બેઠો હતો ત્યારે બે શખ્સો બિભત્સ ગાળો બોલતાં હોઇ સભ્યતા રાખવાનું કહેતાં તૂટી પડયાઃ લોકોએ મયુર મોરબીયા નામના શખ્સને પકડી પોલીસને સોંપ્યો, બીજો ભાગી ગયો

રાજકોટ તા. ૧૩: શહેરના સ્વામીનારાયણ ચોક પાસે રહેતા અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન પર રાત્રે નવલનગરના બગીચામાં બે શખ્સોએ હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યાની ઘટના સામે આવી છે. ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સોએ યુવાનને માથાના ભાગે કડાના ઘા મારતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં માલવીયાનગર પોલીસે સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર-૧૦ મારૂતિનંદન ખાતે રહેતાં ધ્રુવ ભાવેશભાઇ ચોટાઇ (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી મયુર જગદીશભાઇ મોરબીયા અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ધ્રુવ મવડી ચોકડીએ જ્યોતિ કોમ્પલેક્ષમાં ઓફિસ નં. ૩૦૨માં માર્કેટીંગનું કામ કરે છે. ૧૧મીએ રાતે આશરે સાડા અગિયારેક વાગ્યાની આસપાસ તેની મહિલા મિત્ર સાથે કળષ્ણ ડેરી સામે આવેલા નવલનગરના બગીચામાં બેઠો હતો. આ દરમિયાન બે શખ્સો ત્યાં આવીને જોરજોરથી બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. ધ્રુવએ સભ્યતા જાળવવા અને ગાળો નહિ બોલવા સમજાવતાં આ બંને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો.
આ માથાકૂટ દરમિયાન ધ્રુવની મહિલા મિત્ર વચ્ચે પડતા આરોપીઓએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી ગાળાગાળી કરી હતી. જોતજોતામાં મામલો મારામારી પર પહોંચ્યો હતો. જેમાં એક શખ્સે પોતાના હાથમાં પહેરેલા કડા વડે ધ્રુવના માથામાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. હુમલાને કારણે ધ્રુવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. દેકારો થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે એક હુમલાખોર ત્યાંથી નાસી છૂટયો હતો.
ઘટનાસ્થળે હાજર લોકોએ એક શખ્સને પકડી પાડ્યો હતો અને ઈજાગ્રસ્ત ધ્રુવ તેમજ તે શખ્સને તાત્કાલિક માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા શખ્સનું નામ મયુર જગદીશભાઈ મોરબીયા હોવાનું બહાર આવ્યું હતું. ધ્રુવને૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોનસ. એમ. સી. ઓગાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:41 PM IST)










