News of Friday, 1st May 2026
પડધરીમાં ચૂંટણીના મનદુઃખમાં વકિલને ધમકી આપી બે શખ્સો ઓફિસમાંથી રોકડ લૂંટી ગયા
તારા ભાઇ સહિતનાએ અમારા વિરૂધ્ધ મત નખાવી હરાવેલ છે, બન્ને ભાઇઓને છરીના ઘોદા મારી પુરા કરી નાખવા છેઃ ધમકી આપતા ભાવેશ ચૌહાણ અને અકબર હાલા સામે ફરીયાદ

રાજકોટ તા. ૧ :.. પડધરીમાં ચૂંટણીના મનદુઃખમાં વકીલને ધમકી આપી બે શખ્સો ઓફીસમાંથી રોકડ લૂંટી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ પડધરી પનામ હોસ્પીટલ સામે ડોડીયા ચેમ્બરમાં ઓફીસ ધરાવતા વિપુલભાઇ પ્રફુલચંદ કોટક ધંધો વકીલાત-રહે. લોહાણા શેરી ધર્મશાળા ચોક પાસે પડધરીએ આરોપી (૧) ભાવેશ રમણીકભાઇ ચૌહાણ રહે. પડધરી તથા (ર) અકબર ઉર્ફે અકડો વલુભાઇ હાલા સંધી રહે. પડધરી સામે પડધરી પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં. (૧) તથા આરોપી નં. (ર) ફરીયાદીની ઓફીસે આવી ફરીયાદને તેના ભાઇ દિવ્યેશભાઇ બાબતે પુછી ફરીયાદીને કહેવા લાગેલ કે તારા ભાઇ દિવ્યેશ અને ચેતનસિંહ જાડેજાએ ચૂંટણીમાં અમારા વિરૂધ્ધમાં મત નખાવી અમને હરાવેલ છે. તેમ કહી ફરીયાદી સાથે ગાળા ગાળી કરી ફરીયાદીને કહેલ કે તમે બન્ને ભાઇઓ રાત્રે ભેગા થાવ ત્યારે છરીના ઘોદા મારીને પુરા કરી નાખવા છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી (૧) અકબરે ફરીયાદીને ઓફીસના ટેબલની ડાબી સાઇડનાં ખાનામાં રાખેલ રૂા. ૧ર૭પ૦ ની લૂંટ કરી ફરીયાદીને ધો મારી ઓફીસની બહાર કાઢી નાસી ગયા હતાં.
આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે ઉકત બન્ને સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:18 PM IST)










