તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
૧૪ વર્ષની બાળા સાથે ગેંગરેપના ગુનામાં વધુ બે અબ્દુલરજાક અને સાહિલ ઉર્ફે ડેવીલ ઝડપાયા
નકલી પોલીસ મિહીર કુગશીયા સહિત ૩ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટઃ ખોટા આઇડીને આધારે મિહીરે હોટેલમાં રૂમ મેળવ્યો હતો

રાજકોટ તા. ૨૧: શહેરમાં ૧૪ વર્ષની સગીરાને તેની જ સગીર વયની બહેનપણીએ અલગ અલગ છોકરાઓ સાથે સંપર્ક કરાવ્યા બાદ આ છોકરાઓએ આ સગીરાને ઘરે, હોટેલમાં અને કારમાં લઇ જઇ જઇ સામુહિક દૂષ્કર્મ આચર્યાની ઘટનામાં ભક્તિનગર પોલીસે અગાઉ બે સગીર સહિત પાંચની ધરપકડ કર્યા બાદ વધુ બે આરોપીઓને સુરત અને અમદાવાદથી પકડી લીધા છે. અગાઉ પકડાયેલા ત્રણના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં.
ભોગ બનનાર બાળાને તેની જ એક સગીર બહેનપણીએ મોબાઇલ ફોન આપ્યો હતો. બાદમાં એક શખ્સે તેણીને સીમ કાર્ડ આપ્યું હતું. આ પછી સગીર વયની સખીએ અલગ અલગ છોકરાઓ સાથે આ સગીરાનો પરિચય કરાવ્યો હતો. ફ્રેન્ડશીપના બહાને અલગ અલગ શખ્સોએ આ સગીરાને ઘરે, હોટેલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કારમાં પણ તેની સાથે ત્રણ શખ્સોએ વારાફરતી બળજબરી આચરી હતી. આ ગુનામાં નકલી પોલીસ બની લૂંટ કરવામાં સામેલ પોપટપરાનો નામચીન મિહીર કુગશીયા, વોર્ડન ધવલ રાઠોડ સહિતના સામેલ હોઇ પોલીસે સગીર વયની બહેનપણી સહિત ૮ વિરૂધ્ધ પોક્સો, ગેંગરેપ, ધાકધમકીનો ગુનો નોંધ્યો હતો.
પોલીસે અગાઉ મિહીર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.૨૨-રહે. પોપટપરા-૫ રામજી મંદિર પાસે), ધવલ રાજેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૪-રહે. કોઠારીયા રોડ મેહુલનગર-૮, ચામુંડા આશિષ મકાન), સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઇ ઝરા (ઉ.વ.૨૪-રહે. આઝાદ ચોક બાબા પાનવાળી શેરી, જંગલેશ્વર ૩૩/૩૪)ને તથા બે સગીર મળી પાંચને પકડી લીધા હતાં. સગીર સિવાયના ત્રણને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મિહીર સહિત ત્રણના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં.
વધુ બે આરોપીઓ અબ્દુલરજાક જુમાભાઇ ઠેબા (ઉ.વ.૨૨-રહે. જંગલેશ્વર-૨૯, તવક્ક્લ ચોક) તથા સાહિલ ઉર્ફે ડેવીલ હમીરભાઇ નારેજા (ઉ.વ.૨૧-રહે. રસુલપરા-૧૭, રોશની મેડીકલવાળી શેરી, કોઠારીયા સોલવન્ટ)ને અમદાવાદ, સુરતથી ઝડપી લેવાયા છે. ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમ વધુ તપાસ કરે છે. તપાસમાં એવુ પણ ખુલ્યું હતું કે નકલી પોલીસ બની ગુના આચરવા માટે જાણીતા મિહીર કુગશીયાએ બીજાના નામના આઇડીને આધારે હોટેલમાં બે વખત રૂમ મેળવ્યો હતો. આ મામલે હોટેલ સંચાલક મેનેજર સહિતની આકરી પુછતાછ થઇ છે. પોલીસ હાલ આ કેસમાં મજબુત પુરાવા એકઠા કરી રહી છે. તેમ પીઆઇ જે. ડી. પરમારે જણાવ્યું હતું.
(3:27 PM IST)










