News of Friday, 17th July 2026
શાપરમાં કુતરૂ રૂમમાં ઘુસી જતાં બે શખ્સ બાખડયા, વચ્ચે પડતાં અનિલ પર ધોકાવાળીઃ પગમાં ફ્રેકચર
મુળ બિહારના યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૭: શાપર વેરાવળમાં કુતરૂ રૂમમાં ઘુસી જવા મામલે ઉપર નીચેના રૂમમાં રહેતાં મુળ બંગાળી અને ગુજરાતી શખ્સો વચ્ચે બોલાચાલી થતાં બાજમાં રહેતો બિહારી યુવાન ઝઘડામાં વચ્ચે પડતાં આ બાબતની ખાર રાખી ગુજરાતના શખ્સે તેને ધોકાથી ફટકારતાં પગમાં ફ્રેકચર થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતો અનિલ કમલાભાઇ પાસવાના (ઉ.વ.૨૫) ઘરે હતો અને સુતો સુતો મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક બાજુમાં રહેતાં ગુજરાતના શખ્સે આવી ધોકાથી માર મારતાં પગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં શાપર પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
અનિલે કહ્યું હતું કે હું મુળ બિહારનો વતની છું અને શાપર રહી સેન્ટીંગ કામ કરૂ છું. મારી બાજુમાં એક ગુજરાતી શખ્સ અને ઉપરના માળે બંગાળી શખ્સ રહે છે. રાતે ગુજરાતી શખ્સે ફળીયાની ડેલી ખુલ્લી રાખીને સુઇ ગયો હોઇ કુતરૂ આવીને બંગાળી શખ્સના રૂમમાં ઘુસી ગયું હતું અને ભોજનમાં મોઢુ નાંખી દીધુ હતું. આ બાબતે આ બંને શખ્સો વચ્ચે ઝઘડો થતાં હું તેની વચ્ચે પડયો હતો અને મેં પણ ગુજરાતી શખ્સને દરવાજો રાતે બંધ કરી દેવા બાબતે સમજાવ્યો હતો. રાતે મામલો શાંત પડી ગયો હતો પણ બીજા દિવસે ગુજરાતી શખ્સ ખાર રાખી અચાનક ધોકા સાથે આવ્યો હતો અને હુમલો કર્યો હતો. પોતાને ડાબા પગમાં ફ્રેકચર થઇ ગયાનું અનિલે કહ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:12 AM IST)










