<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

શાપરના ગુંદાસરા પાસે રોડરોલરની ઠોકરે બાઇક ચડી જતાં નવાગામ આણંદપરના બે મિત્રોના મોત

૧૮-૧૮ વર્ષના જતીન સરવૈયા અને બળદેવ સેજાણી કોમ્‍પ્‍યુટર ક્‍લાસીસમાંથી પરત ઘરે આવતાં હતાં ત્‍યારે બનાવઃ બંનેના પરિવારજનોનો કાળો કલ્‍પાંત

 

રાજકોટ તા. ૧૭: શાપર વેરાવળના ગુંદાસરા નજીક જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. બાઇક પર બેસી રાજકોટના નવાગામ આણંદપરથી શાપર કોમ્‍પ્‍યુટરના ક્‍લાસીસમાં ગયેલા બે મિત્રો પરત રાજકોટ આવતાં હતાં ત્‍યારે રોડરોલરની ઠોકરે બાઇક ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં બંનેના મોત થયા છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામ આણંદપરમાં રહેતાં જતીન છગનભાઇ સરવૈયા-કોળી (ઉ.વ.૧૮) અને બળદેવ ખોડુભાઇ સેજાણી-કોળી (ઉ.વ.૧૮) બંને બાઇકમાં બેસી શાપરથી નવાગામ આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં ગુંદાસરા નજીક રોડરોલરની ટક્કર બાઇકને લાગી જતાં બંને રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.

બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. બંનેને ગંભીર ઇજાઓ સાથે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે શાપર પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં બંને મૃતકના સગા પરિવારજનો પણ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. દિકરાઓના મૃતદેહ જોઇ આક્રંદ કરી મુકતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર જતીન સરવૈયા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા હયાત ન હોઇ તે પરિવારનો આધારસ્‍તંભ હતો.

જ્‍યારે તેનો મિત્ર બળદેવ બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. તેના પિતા ખેત મજુરી કરે છે. આ બંને મિત્રોએ ધોરણ-૧૨ પાસ કર્યા બાદ હાલ શાપર વેરાવળ ખાતે  કોમ્‍પ્‍યુટર ક્‍લાસીસમાં જતાં હતાં. સવારે ૯થી ૧૨નો ત્‍યાંનો સમય હોઇ ક્‍લાસીસ પુરા થયા બાદ બંને હોન્‍ડા પર નવાગામ ઘરે આવવા નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં આ કરૂણ ઘટના બની હતી. બે પરિવારે આશાસ્‍પદ દિકરા ગુમાવતાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

(3:00 PM IST)