<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

આજીડેમ પોલીસે મિલકત સંબંધી ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સો હિન્દૂ વરૂ અને રમેશ ચાવડીયા સામે ‘પાસા’નું શસ્ત્ર ઉગામ્યું

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ચૈતન્ય મંડલિક, હેતલ પટેલ, બી.વી. જાદવ અને પીઆઈ એચ.એન. પટેલ સહિતની ટીમે કરી કામગીરી: એક આરોપી અમદાવાદ અને બીજો વડોદરા જેલ ભેગો કરાયો

​રાજકોટ: શહેરમાં મિલકત સંબંધી ગુન્હાઓ આચરતા અને વારંવાર ગુન્હાખોરીમાં સંડોવાતા રીઢા ગુન્હેગારો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી પાસા દરખાસ્તના આધારે મિલકત સંબંધી ગુન્હાઓમાં પકડાયેલા બે ઇસમો વિરૂદ્ધ પાસા વૉરન્ટ ઇસ્યુ કરી તેઓને અમદાવાદ અને વડોદરા જેલહવાલે કરવામાં આવ્યા છે. 

આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી. જાદવ (પૂર્વ વિભાગ) નાઓના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા અને ભવિષ્યમાં ગુન્હાઓ કરતા અટકાવવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ તથા તેમની ટીમ દ્વારા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા પાસા વૉરન્ટ ઇસ્યુ કરાતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ દ્વારા બંને આરોપીઓ સામે પાસા વૉરન્ટની બજવણી કરવામાં આવી છે. 

પાસા હેઠળ અટકાયત કરાયેલા પ્રથમ આરોપી હીન્દુ જાગાભાઈ વરૂ (ઉં.વ.૨૧, ધંધો-મજુરી, રહે. કોટડા નાયાણી ગામ, ધાર ઉપર, તા.વાંકાનેર, જી.મોરબી) વિરૂદ્ધ પાસા વૉરન્ટની બજવણી કરીને તેને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરાઈ છે. જ્યારે બીજા આરોપી રમેશ વાહણભાઈ ચાવડીયા (ઉં.વ.૨૩, ધંધો-મજુરી, રહે. જય જવાન જય કિસાન સોસાયટી, મ.પરામાં જકાત નાકા પાસે, મોરબી રોડ, રાજકોટ) વિરૂદ્ધ પાસા વૉરન્ટની બજવણી કરી તેને વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ વિરૂદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરી આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ તથા તેમની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી છે.

(2:06 PM IST)