News of Thursday, 28th May 2026
હૃદય બેસી જતાં, બેભાન થઇ જતાં આરએમસીના બે સફાઇ કામદાર સહિત ૪ લોકોના શ્વાસ થંભ્યા
થોરાળાના શૈલેષભાઇ પરમાર, ગુ.હા.બોર્ડના અશોકભાઇ દવેના હૃદય બેસી ગયાઃ તોપખાનાના જીતેન્દ્રભાઇ ઝાલા, મવડીના ઇલાબેન ત્રિવેદીએ બેભાન હાલતમાં દમ તોડયોઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૮: હૃદય રોગના હુમલાથી અને બેભાન થઇ જવાથી ફાયર બ્રિગેડના એક કર્મચારી તેમજ એક મહિલા સહિત ચાર લોકોના મૃત્યુ થતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ થોરાળાના વાલ્મિકીનગરમાં રહેતાં શૈલેષભાઇ ધીરજલાલ પરમાર (ઉ.વ.૪૫) રાતે બારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ ચાર ભાઇમાં ત્રીજા હતાં અને સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે આરએમસી વોર્ડ નં. ૧૬માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં હતાં. હૃદય રોગના હુમલાથી તેમનું મૃત્યુ થયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ ગુ.હા. બોર્ડમાં રહેતાં અશોકભાઇ મુકુંદરાય દવે (ઉ.વ. ૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ એક બહેન અને બે ભાઇમાં વચેટ હતાં અને સિક્યુરીટીની નોકરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું.
ત્રીજા બનાવમાં જામનગર રોડ તોપખાના હરિજનવાસમાં રહેતાં જીતેન્દ્રભાઇ ચમનભાઇ ઝાલા (ઉ.વ.૩૮) નામના યુવાન રાતે સાડા અગીયારેક વાગ્યે શ્વાસ ચડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે આરએમસી વોર્ડ નં. ૭માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. બિમારીથી મૃત્યુ થયાનું સગાએ જણાવ્યું હતું.
ચોથા બનાવમાં મવડી પાળ ગામના રોડ પર રામધણ પાસે આસોપાલવ એનીગ્મામાં રહેતાં ઇલાબેન પ્રાહોશભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. અસ્થમાની બિમારી હોવાનું જણાવાયું હતું. ચારેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસ, યુનિવર્સિટી, પ્ર.નગર અને તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:29 PM IST)










