તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 19th September 2026
કૂવાડવા અને આસપાસના ક્ષેત્રોમાં નોનવેજનું બેફામ વેચાણ થતુ હોવાની રાવઃ કલેકટર દ્વારા તપાસના આદેશો
હાઇવે પરના ગેરકાયદે કટ્સ તાકિદે બંધ કરવા સૂચનાઃ દિવાળી પહેલા ટ્રાફીક-સફાઇના પ્રશ્નો ઉકેલવા તાકિદ..

રાજકોટ તા. ૧૯ સપ્ટેમ્બર - રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ે જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાએ કુવાડવા અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે થઈ રહેલા નોનવેજના વેચાણ અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો, જેના જવાબમાં અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર તહેવારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સફાઈ અને રેલવે જંકશન ખાતે આડેધડ ર્પાકિંગ અંગે રજૂઆત કરી હતી. જેના જવાબમાં હાઈવે પર બેરિકેટ્સ અને સાઈન બોર્ડ લગાવી ટ્રાફિક સંચાલન કરવા તથા દિવાળી પહેલાં કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરસૂચના આપી હતી. આ ઉપરાંત, શાપર-વેરાવળમાં તાત્કાલિક સફાઈ કરાવવા, રેલવે સ્ટેશન પાસે રિક્ષા અને ખાનગી વાહનો માટે અલગ ર્પાકિંગ લેન કરવા તેમજ વિવિધ રોડ પરના ગેરકાયદેસર કટ તાત્કાલિક બંધ કરવા સૂચના આપી હતી. સ્ટેટ રોડ, પંચાયત રોડ, GSRDC, NHAI કે રૂડાના રોડ પર ગેરકાયદેસર કટ-ગેપિંગ મીડિયન ખુલ્લા જોવા મળે તો તાત્કાલિક તેની માહિતી આપવા કલેક્ટરે અધિકારી ઓને સૂચિત કર્યા હતા.
ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરાવાના બાકી રહી ગયા હોવા સંબંધિત પ્રશ્ન અંગે કલેક્ટરે સંબંધિત પ્રાંત અધિકારીને તાત્કાલિક સંકલન સાધીને આ કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. જ્યારે બીજા પ્રશ્ન માં તેમણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ હોસ્પિટલોના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશનના લીધે દર્દીઓના પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થવામાં મુશ્કેલીઓ આવી રહી હોવાની રજૂઆત કરી હતી, જેના નિકાલ માટે કલેક્ટરે આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધીને આ પેન્ડન્સી ત્વરિત પૂરી કરવા આદેશ આપ્યો હતો જેથી દર્દીઓ અને હોસ્પિટલોને પડતી હાલાકી દૂર થઈ શકે.
(3:55 PM IST)










