<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

રાજકોટના જગપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાના નામકરણ પ્રસ્તાવને અભૂતપૂર્વ પ્રતિસાદ : ૨૧ જુલાઈ સાંજ સુધીમાં ૪૦૦૦ જેટલાં સૂચનો મળ્યા : ૨ સપ્ટેમ્બરથી યોજાનારા મેળા માટે આકર્ષક શીર્ષક મોકલવાનો આવતીકાલે છેલ્લો દિવસ

રેસકોર્સ મેદાનમાં ૨ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનારા પરંપરાગત મેળાના નામકરણ સ્પર્ધા માટે ગૂગલ ફોર્મ અને ક્યુઆર કોડ મારફતે એન્ટ્રી સ્વીકારાશે : પસંદગી પામેલ વિજેતા સ્પર્ધકને લોકમેળા સમિતિ દ્વારા યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે

રાજકોટ: જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા યોજાતો રાજકોટનો લોકમેળો વિશ્વભરમાં જાણીતો છે. વહીવટી તંત્ર દ્વારા આગામી ૨ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રેસકોર્સના મેદાનમાં પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને મેળાના ફોર્મનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. લોકમેળાને દર વર્ષની જેમ આકર્ષક નામ આપવાની પ્રથાને અનુસરીને આ વર્ષે પણ નગરજનો પાસેથી નામકરણ માટે ગત ૬ જુલાઈથી ૨૨ જુલાઈ દરમિયાન શિષ્ટ અને આકર્ષક શીર્ષકો મંગાવવામાં આવ્યા છે.

લોકમેળાના નામકરણ પ્રસ્તાવને રાજકોટવાસીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૨૧ જુલાઈની સાંજ સુધીમાં ૪૦૦૦ જેટલી એન્ટ્રીઓ આવી ચૂકી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક નગરજનો માટે આવતીકાલે તા. ૨૨ જુલાઈના રોજ અંતિમ દિવસ હોય, જોડાવા માટેની આ છેલ્લી તક છે.

સ્પર્ધકોએ પોતાનું સૂચિત નામ ગૂગલ ફોર્મ લિંક (https://forms.gle/baqQAMDrrHhsN2p6A) અથવા આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને મોકલવાનું રહેશે. આ લિંક પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટના અધિકૃત ફેસબુક પેજ 'Info Rajkot GoG', ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'inforajkotgog' અને એક્સ એકાઉન્ટ 'Info Rajkot GoG' પરથી પણ મેળવી શકાશે.

નામકરણ સ્પર્ધા માટેના નિયમો અનુસાર, આપેલું સૂચન ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી અને લોકજીવનને અનુરૂપ હોવું જરૂરી છે. દરેક સ્પર્ધક માત્ર એક જ શીર્ષક સૂચવી શકશે. ગૂગલ ફોર્મમાં લોકમેળાના ફક્ત એક નામ સાથે સ્પર્ધકે પોતાનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર ખાસ દર્શાવવાના રહેશે. તા. ૨૨ જુલાઈની સમયમર્યાદા પૂરી થયા બાદ આવેલી એન્ટ્રીઓને પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. પ્રાપ્ત થયેલી તમામ એન્ટ્રીઓમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષકની પસંદગી કરવામાં આવશે અને આ અંગે સમિતિનો નિર્ણય આખરી ગણાશે. વિજેતા જાહેર થનાર સ્પર્ધકને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

(9:44 PM IST)