તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
મઘરવાડામાં કોપર વાયર ચોરનાર યુપીના ચંદ્રવીરને ખાટલા પર ઉંધો બાંધી એક કલાક માર મારી હત્યાઃ ૯ની અટકાયત
૨૧મીએ રાતે ઓરડીએથી ચંદ્રવીર બહાર જતો'તો ત્યારે કુટુંબી ભાઇ સર્વેશએ ક્યાં જાય છે? પુછતાં રાજકોટ કામ માટે જતો હોવાનું કહેલું: બાદમાં મોડી રાતે તે ૩૫ કિલો કોપર વાયર ચોરીને કોથળામાં ભરીને જતો ઝડપાઇ ગયો હતોઃ સર્વેશ રાતે તેને કારખાને મુકીને જતો રહ્યો, સવારે આવ્યો ત્યારે બધા તેને માર મારી ‘તારી સાથે બીજુ કોણ સામેલ છે?' તેવું પુછતાં હતાં : હત્યાનો ભોગ બનનાર ૪૦ વર્ષિય ચંદ્રવીર બે મહિનાથી કામે જોડાયો હતોઃ તેના કાકાના દિકરા સર્વેશ ચોૈહાણની ફરિયાદ પરથી ફેક્ટરી માલિક ભાવેશભાઇ લીંબાસીયાના પુત્ર સાહિલ, મેનેજર શની રૈયાણી, સાથેના પાર્થ હાપલીયા, ડેનીશ હાપલીયા, સત્યમ ડોબરીયા, રમેશ સિધ્ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર, મુન્ના વર્મા સામે ગુનો નોંધી સકંજામાં લેવાયા : સર્વેશે મારકુટ કરી રહેલા બધાને વિનંતી કરી કે-આને હવે ન મારતાં નહિતર મરી જશેઃ ત્યારે શેઠના દિકરા સાહિલે કહ્યું-આજે તો આને ચોરીની સજા આપવાની જ છેઃ પછી પણ બધાએ મારકુટ ચાલુ રાખી હતીઃ ત્યારબાદ ઓરડીમાં સુવડાવી દીધોઃ એકાદ કલાક રહી સર્વેશ પાણી પીવડાવવા ગયો ત્યારે બેભાન દેખાયોઃ ૧૦૮ બોલાવાતાં મૃત જાહેર કરાયો : કુવાડવા રોડ પીઆઇ એ. એન. જાની, રાઇટરો અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ માલકીયા, ડી. સ્ટાફની ટીમે કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: હત્યાની વધુ એક ઘટના રાજકોટ શહેર પોલીસના તાબા હેઠળના કુવાડવા નજીકના મઘરવાડા ગામે એક કારખાનામાં બની છે. ચાલીસ વર્ષના મુળ યુપીના યુવાનને તેણે તાંબાના વાયરની ચોરી કરી હોવાનો આરોપ મુકી કારખાના માલિકના પુત્ર, મેનેજર સહિતના નવ લોકોએ મળી ખાટલા પર ઉંધો સુવડાવી દોરીથી બાંધી દઇ બાદમાં મશીનના પટ્ટા અને પ્લાસ્ટીકની નળી વડે એકાદ કલાક સુધી વારાફરતી બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને હસ્તગત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે હત્યાનો ભોગ બનેલા મુળ યુપીના ચંદ્રવીર ભગવતીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦)ના કુટુંબી ભાઇ હાલ મઘરવાડા કાવ્યા એલોય પ્રા.લિ. નામની ફેક્ટરીમાં રહી કામ કરતાં મુળ યુપીના બહેરાઇચ જીલ્લાના કેશરગંજ તાબેના દોલતપુરા ગામના સર્વેશ સુશીલકુમાર ચોૈહાણ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી કારખાના માલિકના દિકરા સાહિલ ભાવેશભાઇ લીંબાસીયા, મેનેજર શની રૈયાણી, પાર્થ હાપલીયા, ડેનીશ હાપલીયા, સત્યમ ડોબરીયા, રમેશ સિધ્ધાથ, વિશાલ જાદવ, રાજુ ઠાકોર, મુન્ના વર્મા અને તપાસમાં ખુલે તેની સામે હત્યાનો ગુનો નોંધી તમામને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.
સર્વેશએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલ હું એલોય ફેકટરીમાં રહી અને ભઠ્ઠીમાં માટી ઉપાડવાનુ મજુરીકામ કરૂ છુ, હુ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી રહુ છું. મારા પિતા છુટક મજુરીકામ કરે છે. મારી માતાનુ નામ સર્મીલાદેવી છે જેઓ ઘરનુ કામકાજ કરે છે. અમો આઠ ભાઈ બહેન છીએ. હું અહી એક મહીના પહેલા કામ ઉપર રહ્યો છું. અહી આશરે પચાસેક જેટલા મજુર કામ કરે છે. મારી સાથે મોટા બાપુનો દિકરો ચંદ્રવીર ચોૈહાણ પણ અહિ બે મહિનાથી કામ કરતો હતો. અમારો નોકરીનો ટાઇમ સવારના આઠથી રાતના આઠ સુધીનો છે.
સર્વેશએ વધુમાં જણાવ્યું હતું કે તા. ૨૧/૭ના રાત્રીના આઠેક વાગ્યાના અરશામાં મારું કામ પુરૂ કરી લેબર વર્કરનીં રહેવાની ઓરડી આવેલી હોઇ ત્યાં ગયો હતો. આ વખતે મોટા બાપુનો દિકરો ચંદ્રવીર હાજર હતો. તે બહાર જતો હોઇ મેં તેને ક્યાં જાય છે? તેમ પુછતાં તેણે કહેલું કે રાજકોટ કામ માટે જાય છે. જેથી મેં કહેલું કે કાલે આપણે વધુ કામ કરવાનું છે, જેથી રાજકોટ જવાનું રહેવા દે, નહિતર કાલે કામ પુરૂ નહિ થાય. જેથી તેણે મને કહેલ કે હુ સમયસર આવી જઈશ અને આપણે કામ પુરૂ કરી નાખીશુ. બાદ હુ જમવાનુ બનાવી જમીને રાત્રીના આશરે સાડા અગીયા વાગ્યે સુઇ ગયો હતો. બાદ રાત્રીના આશરે દોઢેક વાગ્યાના અરસામાં અમારા કારખાનાના મેનેજર સનીભાઈ તથા પાર્થભાઈ બંને આવેલ અને મને જગાડી પોતાની સાથે આવવાનું કહ્યું હતું.
આથી હું તેમના મોટરસાઇકલમાં બસી ગયો હતો. આ લોકો કુવાડવા ગામ બાજુ લઇ ગયેલ, જયાં રસ્તામાં રોડ ઉપર એક દુકાન આવેલ ત્યાં અમો ઉભા રહેલ, જ્યાં મારો ભાઈ ચંદ્રવીર પણ હતો. આ વખતે મેનેજર શનીભાઇએ કહેલું કે-તારો ભાઈ ચંદ્રવીર આપણા કારખાનામાંથી માલ ચોરીને જતો હતો અને તેને પકડયો છે. આ પછી મેં, શનીભાઇ અને પાર્થભાઇએ મારા કુટુંબી ભાઇ ચંદ્રવીર પાસે પ્લાસ્ટીકનો કોથળો હોઇ તે ખોલીને જોતાં તેમાં કોપરનો આશરે ૩૫ કિલો જેટલો તાર હતો. જેથી અમો બધા તે પ્લાસ્ટીકનો કોથળો તથા મારા ભાઈ ચંદ્રવીરને લઇ અને કારખાને પરત આવેલ અને મારા ભાઇ ચંદ્રવીરને ગાભા ખાતામાં મુકી હું મારા રૂમે પરત આવી ગયો હતો. બાદમાં બીજા દિવસે ૨૨/૭ના સવારે આઠેક વાગ્યે હું કામે ગયેલ ત્યારે કારખાનાના ગેઇટ પાસે રોડ પર અમારા શેઠ ભાવેશભાઇ લીંબાસીયાનો દિકરો સાહિલભાઈ તથા તેની સાથે અમારા મેનેજર શનીભાઈ રૈયાણી, તેમજ પાર્થભાઈ હાપલીયા તથા ડેનીશભાઇ હાપલીયા તથા સત્યમભાઇ ડોબરીયા તથા રમેશ સિધ્ધાર્થ તથા વિશાલ જાટપ તથા રાજુ ઠાકોર તથા મુ ન્ના વર્મા તથા બીજા અજાણ્યા માણસો ઉભા હતાં
આ બધાએ મારા ભાઈ ચંદ્રવીરને ત્યા ખાટલા ઉપર ઉંધો સુવડાવી દોરી વડે બાંધીને રાખ્યો હતો. બધા મારા ભાઇ ચંદ્રવીરને મારતા હતા અને પુછતા હતા કે તારી સાથે ચોરી કરવામાં મદદમાં કોણ હતુ? બાદ તેઓ મને જોઇ ગયેલ જેથી તેઓએ મને બોલાવી અને કહેલ કે તું આની ભેગો ચોરીમાં સાથે હતો નહી ને? જેથી મેં ના પાી કહેલું કે મને આ બારામાં કંઇ ખબર નથી, મારા ભાઇએ ચોરી કરી એ પણ મને ખબર નથી. એ મને રાતે રાજકોટ જવાનુ કહીને નીકળેલ હતો. બાદ આ બધા વારાફરતી મારા ભાઈ ચંદ્રવીર જેને ખાટલા ઉપર ઉંધો સુવડાવી દોરી વડે બાંધેલો હતો તેને પાછળના ભાગે પ્લાસ્ટીકની નળી વડે તથા મશીનના પટ્ટા વડે માર મારતા હતા.
આ રીતે આ બધાએ આશરે એકાદ કલાક મારા ભાઇ ચં દ્રવીરને વારાફરતી થોડી થોડી વારે માર માર્યો હતો. આ કારણે મારો ભાઇ ચંદ્રવીર બેભાન થઇ જતાં મે આ લોકોને કહ્યું હતું કે-હવે વધુ ના મારશો નહીતર મારો ભાઈ મરી જશે. આ વખતે સાહીલભાઇએ કહેલું કે-આજે તો આને ચોરીની સજા આપવાની જ છે. તેમ કહી આ લોકોએ મારા ભાઇને મારવાનુ ચાલુ જ રાખ્યું હતુ. ત્યારબાદ મેં તથા મેનેજર શનીભાઈ તથા પાર્થભાઇ મારા ભાઇને ઉંચકીને અમો રહીએ છીએ તે ઓરડીમાં સુવડાવી દીધો હતો. આ પછી એકાદ કલાક બાદ અમારા શેઠના દિકરા સાહિલભાઇ તથા મેનેજર તથા બીજા તેની સાથેના લોકોએ મને મારા ભાઇ ચંદ્રવીરને પાણી પીવડાવવા માટે મોકલતા હું ત્યા મારા ભાઈ પાસે ગયો અને જોયું તો તે બેભાન હતો, બોલાવવા છતાં કશું બોલતો નહોતો. આની જાણ મે મારા શેઠના દિકરા તથા મેનેજર તથા બીજા લોકોને કરતા તેઓ ઓરડી ખાતે આવી ગયા હતાં અને તેણે પણ તપાસ કરી હતી. બાદ તેઓએ અમારા શેઠ ભાવેશભાઇને જાણ કરતા અમારા શેઠ ભાવેશભાઇ આવીને મારા ભાઇ ચંદ્રવીરને તપાસ્યા બાદ તેઓએ ૧૦૮ બોલાવી હતી. તેના ડોક્ટરે મારા ભાઇ ચંદ્રવીર ચોૈહાણને મૃત જાહેર કર્યો હતો.
આ પછી અમે પોલીસને જાણ કરી હતી. મારા શેઠ ભાવેશભાઇ લીંબાસીયાના દિકરા સાહિલ તથા અમારા મેનેજર શની રૈયાણી તથા સાથેના પાર્થ હાપલીયા તથા ડેનીશ હાપલીયા તથા સત્યમ ડોબરીયા તથા રમેશ સિધ્ધાર્થ તથા વિશાલ જાટપ તથા રાજુ ઠાકોર તથા મુન્ના વર્મા તથા બીજા અજાણ્યાએ મારા ભાઇ ચંદ્રવીર ભગવતી ચૌહાણ (ઉ.વ.૪૦ રહે, હાલ કાવ્ય એલોય પ્રા. લી. મઘરવાડા ગામ તા. જી. રાજકોટ. મુળ રહે, ગૌડરીયા દોલતપુર ગામ તા.કેશરગંજ જી.બહેરાઇચ, ઉત્તરપ્રદેશ) કોપર વાયર ચોરી કરતાં પકડાઇ ગયો હોઇ તેની સાથે આ ચોરીમાં બીજા કોઇ સામેલ છે કે કેમ? તે પુછવા શંકા કરી ખાટલે બાંધી બેફામ માર માર્યો હોઇ તેનું મોત થયું હતું. તેમ વધુમાં સર્વેશએ જણાવતાં ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ એ. એન. જાની, રાઇટર અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ માલકીયા સહિતે ગુનો નોંધી ડી. સ્ટાફની મદદથી તમામ આરોપીઓને પુછતાછ માટે હસ્તગત કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:56 PM IST)










