<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ઓનલાઇન છેતરપિંડી સામે કડક કાયદાની તાતી જરૂર

સરકાર અને બેન્‍કો હવે આવા કૌભાંડના મૂળ સુધી જઈને કડક કાર્યવાહી કરે : નહીંતર આવતીકાલે દરેક ઘરનો માણસ આ જાળમાં ફસાશે ‘થોડા કમિશનની લાલચમાં આખુ બેન્‍ક ખાતુ જોખમમાં મૂકવુ' હવે ગંભીર નાણાકીય અને કાનૂની સમસ્‍યા બની શકે છે. ઓનલાઇન છેતરપિંડીની નવી પદ્ધતિઓને ધ્‍યાનમાં રાખીને કાયદાકીય વ્‍યવસ્‍થા વધુ અસરકારક બનાવવાની સાથે આવા મુખ્‍ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી જરૂરી

રાજકોટ : ડિજિટલ યુગમાં ઓનલાઇન બેન્‍કિંગ અને ડિજિટલ વ્‍યવહારો વધવાની સાથે સાઇબર છેતરપિંડીના નવા નવા સ્‍વરૂપો પણ સામે આવી રહ્યા છે. તેમાં હવે કેટલાક કિસ્‍સાઓમાં ટ્રસ્‍ટ, એનજીઓ કે અન્‍ય સામાજિક સંસ્‍થાઓના નામનો ઉપયોગ કરીને સામાન્‍ય લોકોને તેમના બેન્‍ક ખાતામાં મોટી રકમ જમા કરાવી, તેના બદલામાં કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્‍યારે થોડા કમિશનના ચક્કરમાં આખી જિંદગીની કમાણી અને બેન્‍ક ખાતું બંને જશે - આ વાકય હવે માત્ર ચેતવણી નથી, પણ કાયદાની વાસ્‍તવિકતા બની ગયું છે. ટ્રસ્‍ટ અને એનજીઓના નામે મોટી રકમના વ્‍યવહારો કરવા માટે સીધા-સાદા લોકોને ફસાવવાનું નવું કૌભાંડ સામે આવ્‍યું છે. લાખો રૂપિયા બેન્‍ક ખાતામાં જમા કરાવી આપો અને બદલામાં ‘‘કમિશન''લઈ જાઓ... આ લાલચ આપીને શાતીરોએ સેંકડો ખાતાઓનો ઉપયોગ કાળા નાણાંને ધોળા કરવા માટે કર્યો હોવાનો ગણગણાટ છે.

પ્રાથમિક રીતે સામાન્‍ય અને સરળ કમાણીની તક જેવી લાગતી આ રીતમાં લોકોને તેમના બેન્‍ક ખાતા, UPI અથવા અન્‍ય નાણાકીય માધ્‍યમોનો ઉપયોગ કરવા માટે પ્રલોભિત કરવામાં આવે છે. શરૂઆતમાં મોટી રકમના વ્‍યવહારો બતાવીને વિશ્વાસ ઊભો કરવામાં આવે છે અને બદલામાં સારું  કમિશન મળશે તેવી વાત કરવામાં આવે છે. પરિણામે કેટલાક લોકો ‘ખાતું  ભાડે આપવાની' માનસિકતા સાથે પોતાના બેન્‍ક એકાઉન્‍ટની વિગતો કે વ્‍યવહારો માટેની સુવિધા ઉપલબ્‍ધ કરાવે છે.

પરંતુ ફરિયાદો મુજબ, વ્‍યવહાર પૂર્ણ થયા બાદ જે તગડા કમિશનની લાલચ આપવામાં આવી હોય તેમાંથી મામૂલી રકમ પણ ચૂકવવામાં આવતી નથી, અથવા કમિશનના નામે લીપાપોતી  કરવામાં આવે છે. કેટલાક કિસ્‍સાઓમાં તો ખાતાધારકને પોતાના ખાતામાં થયેલા મોટા નાણાકીય વ્‍યવહારો અંગે પાછળથી મુશ્‍કેલી ઊભી થવાની પણ ભીતિ રહે છે.

નાણાકીય જાણકારીના અભાવે ઘણા લોકો માત્ર થોડા ટકા કમિશનની લાલચમાં પોતાના બેન્‍ક ખાતાનો ઉપયોગ અન્‍ય વ્‍યક્‍તિ કે સંસ્‍થાને કરવાની મંજૂરી આપી દે છે. પરંતુ ખાતામાં આવતી અને જતી રકમનોસ્ત્રોત શંકાસ્‍પદ હોય તો તપાસ એજન્‍સીઓની નજરે ખાતાધારક પણ આવી શકે છે.

આથી માત્ર ‘મને તો કમિશન મળવાનું હતું' અથવા ‘મને રકમ કયાંથી આવી તેની ખબર નહોતી' એવો બચાવ દરેક પરિસ્‍થિતિમાં પૂરતો સાબિત થાય તે જરૂરી નથી. પોતાના બેન્‍ક ખાતાનો ઉપયોગ અન્‍ય વ્‍યક્‍તિના નાણાકીય વ્‍યવહાર માટે કરવો ગંભીર જોખમ બની શકે છે.

સામાજિક સેવા, દાન અને જનકલ્‍યાણ સાથે સંકળાયેલા ટ્રસ્‍ટ તથા એનજીઓ પ્રત્‍યે સામાન્‍ય લોકોનો વિશ્વાસ હોય છે. તેથી જો કોઈ વ્‍યક્‍તિ કે જૂથ આવા નામનો ઉપયોગ કરીને બેન્‍ક ખાતા મારફતે શંકાસ્‍પદ નાણાકીય વ્‍યવહારો કરતું હોય તો તેની સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સ્‍વતંત્ર તપાસ થવી જરૂરી છે.

કોઈ ટ્રસ્‍ટ કે એનજીઓ સામે ચોક્કસ આક્ષેપ કરવામાં આવે ત્‍યારે તેની નોંધણી, બેન્‍ક વ્‍યવહારો, નાણાંનાસ્ત્રોત, લાભાર્થીઓ, કમિશનના વચનો અને નાણાકીય હિસાબોની તપાસ કરવામાં આવે તો ઘણી હકીકત બહાર આવી શકે છે.

ઓનલાઇન છેતરપિંડી સામે માત્ર કાયદો કડક બનાવવાથી સમસ્‍યા ઉકેલાશે નહીં. બેન્‍ક ખાતું ભાડે આપવું, ઓટીપી અથવા પીન શેર કરવો, અજાણ્‍યા વ્‍યક્‍તિને પીન ઍક્‍સેસ આપવો કે પોતાના ખાતામાં અજાણી મોટી રકમ સ્‍વીકારવીラઆ તમામ બાબતે લોકોમાં વ્‍યાપક જાગળતિ લાવવી પણ એટલી જ જરૂરી છે.

સરકાર અને સંબંધિત તપાસ એજન્‍સીઓએ આવા કિસ્‍સાઓમાં નાણાંની હેરફેરની કડી શોધી મુખ્‍ય સૂત્રધારો સુધી પહોંચવું, માત્ર નાના ખાતાધારકો સામે કાર્યવાહી કરીને અટકી ન જવું અને ભોગ બનનાર તથા જાણતા-અજાણતા ઉપયોગમાં લેવાયેલા ખાતાધારક વચ્‍ચે સ્‍પષ્ટ તફાવત કરવો જરૂરી છે.

જો કોઈ વ્‍યક્‍તિને ટ્રસ્‍ટ, એનજીઓ, કંપની કે અન્‍ય કોઈ માધ્‍યમ દ્વારા ‘તમારા ખાતામાં મોટી રકમ નાખીશું અને તમને કમિશન આપીશું' તેવી ઓફર કરવામાં આવે તો લાલચમાં આવીને ખાતું આપવાને બદલે સમગ્ર વ્‍યવહારની કાયદેસરતા ચકાસવી જોઈએ. કોઈ શંકાસ્‍પદ વ્‍યવહાર થઈ ગયો હોય તો બેન્‍કને તાત્‍કાલિક જાણ કરી, સંબંધિત સાયબર ક્રાઇમ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવવી અને વ્‍યવહાર સંબંધિત તમામ મેસેજ, રસીદ, બેન્‍ક સ્‍ટેટમેન્‍ટ, ફોન નંબર તથા અન્‍ય પુરાવા સાચવી રાખવા જોઈએ. બેન્‍ક ખાતું એ તમારી ઓળખ છે. તેને કોઈને ભાડે આપો એટલે તમે પોતે જ તમારા પગ પર કુહાડો મારો છો. સરકાર અને બેન્‍કોએ હવે આવા કૌભાંડના મૂળ સુધી જઈને કડક કાર્યવાહી કરવી જ પડશે, નહીંતર આવતીકાલે દરેક ઘરનો માણસ આ જાળમાં ફસાશે.

(2:13 PM IST)