News of Thursday, 30th April 2026
વાણિયાવાડીના બગીચાના ફૂવારા છ માસથી બંધ હાલતમાં: ભકિતનગર સર્કલમાં પણ અનિયમિતતા
કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો કયાં જાય?: લોક સંસદ વિચાર મંચ દ્વારા મ્યૂ.કમિશનર અને નવનિયુકત કોર્પોરેટરોને રજુઆત કરાઈ

રાજકોટ, તા.૩૦: લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, સોની સરલાબેન પાટડીયા, રમેશભાઈ તલાટીયા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંક ની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે કોઈપણ શહેરની શાન એ શહેરના ફુવારા અને બાગ બગીચાઓ ગણાય છે. પરંતુ રાજકોટના વોર્ડ નંબર ૧૪ શેઠ હાઈસ્કૂલની સામે આવેલ રવિશંકર જાહેર ઉદ્યાન વાણીયાવાડીના બગીચામાં છેલ્લા છ મહિનાથી ફુવારા બંધ હાલતમાં છે અને ખંઢેર બની ગયો છે.
ભક્તિનગર સર્કલના ફુવારા શરૂ કરાવવા માટે પ્રજાને સાથે રાખી આંદોલનો કરવા પડ્યા હતા અને આ આંદોલનના ફલશ્રળતિ ભક્તિનગર સર્કલમાં ફુવારા શરૂ કરવામાં આવ્યા છે.
પરંતુ સ્વિચ દબાવી શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. મન પડે ત્યારે શરૂ કરવામાં આવે છે અને મન પડે ત્યારે બંધ પણ કરી દેવામાં આવે છે. મેઇન્ટેનન્સની કામગીરી ઝીરો હોવાથી ફુવારાની નળી બ્લોકેઝ થઈ ગઈ છે.
હાલ સમગ્ર ગુજરાતમાં રાજકોટ આજે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યભરમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ છે ત્યારે શહેરની જનતા બપોરના સમયે બહાર નીકળતી નથી અને રાત્રે હરવા ફરવા ફેમિલી સાથે બહાર નીકળે ત્યારે આ હાડપિંજર સમાન આ ફુવારા શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. ભક્તિનગર સર્કલની અંદરના ફુવારામાં પાણી જ નહોતું ફક્ત લાઈટો જ ચાલુ હતી. રંગીલા રાજકોટમાં સુકાઈ ગયેલા ફુવારા સત્વરે શરૂ કરવા પ્રજામાંથી માંગ ઉઠી છે.
આ ફુવારાઓ બંધ હોવાના પગલે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નોંધાવી નિરાકરણ લાવવા માંગ કરાઈ છે.
વાણીયાવાડીના બગીચાના ફુવારા શરૂ કરાવવા અને ભક્તિનગર સર્કલના બંધ રહેતા ફુવારા સમયસર મેઇન્ટેનન્સ અને સમયસર ફુવારા શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે એ પ્રકારની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર ૧૪ ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો કેતનભાઇ પટેલ, ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન આડેસરા અને હિરેનભાઈ ખીમાણીયાને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.
(3:55 PM IST)










