<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગાયના ઘીમાં વનસ્‍પતિ ફેટ! ચાર નમૂના નાપાસ

મનપાના ફૂડ વિભાગનું તહેવારો પૂર્વે સઘન ચેકિંગઃ ૪૭ સ્‍થળોએ તપાસઃ ૩૭ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ, બે પેઢીને નોટિસ : ગાયના શુદ્ધ ઘીના નામે વેચાતા બે બ્રાન્‍ડના ઘીમાં વનસ્‍પતિ ફેટની હાજરી મળીઃ પનીરમાં ફેટનું પ્રમાણ ઓછું, ટોમેટો સોસમાં સિન્‍થેટિક કલર ઝડપાયો

રાજકોટ, તા. ૨૩: તહેવારોની મોસમમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્‍ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓ પૈકી પનીર, ઘીની બે બ્રાન્‍ડ અને ટોમેટો સોસ સહિત કુલ ચાર નમૂના લેબોરેટરી તપાસમાં સબસ્‍ટાન્‍ડર્ડ એટલે કે ધારાધોરણ મુજબના નહીં હોવાનું જાહેર થયું છે. ખાસ કરીને ગાયના શુદ્ધ ઘીના નામે વેચાતા બે અલગ અલગ બ્રાન્‍ડના ઘીમાં વનસ્‍પતિ ફેટની હાજરી મળી આવતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા હાથ ધરાયેલા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરની વિવિધ પેઢીઓમાંથી ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્‍યા હતા. આ નમૂનાઓના પળથક્કરણ રિપોર્ટમાં ચાર ખાદ્યચીજો ગુણવત્તાના નિર્ધારિત માપદંડોમાં નિષ્‍ફળ ગઈ હોવાનું સામે આવ્‍યું છે. આ ચારેય નમૂના અંગે સંબંધિત પેઢીઓ સામે એડજ્‍યુડિકેશન કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફોર્ચ્‍યુન મિલ્‍ક એન્‍ડ

ફૂડ પ્રોડક્‍ટ્‍સના

પનીરનો નમૂનો ફેઇલ

મનપાના ફૂડ વિભાગ દ્વારા લાતી પ્‍લોટ, શેરી નંબર ૪માં પુનિત ઘરઘંટીની બાજુમાં આવેલી ફોર્ચ્‍યુન મિલ્‍ક એન્‍ડ ફૂડ પ્રોડક્‍ટ્‍સ પેઢીમાંથી પનીરનો નમૂનો લેવામાં આવ્‍યો હતો. લેબોરેટરીના પળથક્કરણ રિપોર્ટમાં પનીરમાં ફેટની રિચર્ટ વેલ્‍યૂ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછી હોવાનું સામે આવતાં પનીરનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર કરવામાં આવ્‍યો છે.

VASTU અને SHREEKANT બ્રાન્‍ડના ઘીમાં વનસ્‍પતિ ફેટની હાજરી

ફૂડ વિભાગની તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત ગાયના ઘીના નમૂનાઓમાં સામે આવી છે. શહેરના દાણાપીઠ, પરાબજાર કોર્નર ખાતે આવેલી પેશુમલ ચેલારામ એન્‍ડ કંપનીમાંથી લેવામાં આવેલા VASTU AGMARK GHEE MADE FROM COW'S MILK (500 ML)ર્ંના નમૂનામાં ફોરેન ફેટ એટલે કે વનસ્‍પતિ ફેટની હાજરી મળી આવી છે.

તેવી જ રીતે મવડી મેઇન રોડ પર વિનાયકનગર, ઉદયનગર-૧ ખાતે અક્ષર પ્‍લાસ્‍ટિકની સામે આવેલા જલારામ ઘી ડેપોમાંથી લેવામાં આવેલા SHREEKANT COW'S PREMIUM GHEE (200 ML)ર્ંના નમૂનામાં પણ વનસ્‍પતિ ફેટની હાજરી મળી આવી છે.

માધાપરમાં ટોમેટો સોસમાં સિન્‍થેટિક કલર ઝડપાયો

મનપાના ફૂડ વિભાગ દ્વારા માધાપરના ઈશ્વરીયા રોડ પર આવેલી ઉત્‍પાદક પેઢી આર.બી. ફૂડ પ્રોડક્‍ટમાંથી લેવામાં આવેલા લૂઝ ટોમેટો સોસના નમૂનામાં સિન્‍થેટિક ફૂડ કલર ‘‘કાર્મોઝિન''ની હાજરી મળી આવી હતી. લેબોરેટરી રિપોર્ટના આધારે આ નમૂનો પણ સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર કરવામાં આવ્‍યો છે. આ મામલે પણ એડજ્‍યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

૪૭ પેઢીમાં ચેકિંગ

બીજી તરફ તહેવારોને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. આ કામગીરી દરમિયાન કુલ ૪૭ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મળી આવેલા વાસી, અખાદ્ય અને ઉપયોગની મુદત પૂર્ણ થયેલા ખાદ્યપદાર્થો સહિત કુલ ૩૭ કિલો જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત સ્‍વચ્‍છતા અને ખાદ્યપદાર્થોના સંગ્રહની સ્‍થિતિ અંગે બે પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. બંને પેઢીઓ પાસેથી કુલ રૂ. ૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

શિવ પંજાબી ચાઈનીઝમાંથી ૫ કિલો જથ્‍થાનો નાશ

કોઠારિયા રોડ પર કેદાર ગેટની આગળ આવેલા શિવ પંજાબી ચાઈનીઝમાં તપાસ દરમિયાન સ્‍વચ્‍છતા અને ખાદ્યપદાર્થોના સંગ્રહની સ્‍થિતિ અંગે ખામીઓ જોવા મળતાં નોટિસ આપવામાં આવી હતી. સ્‍થળ પરથી પડતર ટોફુ અને વાસી મંચુરિયન સહિત કુલ ૫ કિલો ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્‍યો હતો. પેઢી પાસેથી રૂ. ૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

વર્ણીરાજ રેસ્‍ટોરન્‍ટમાંથી ૩૨ કિલો વાસી ખોરાકનો નાશ

કાલાવડ રોડ પર પરિમલ સ્‍કૂલ પાસે શ્રી રામપાર્કના તુલસી કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલી વર્ણીરાજ રેસ્‍ટોરન્‍ટમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. તપાસ દરમિયાન તૈયાર કરેલી વાસી જણાયેલી ખાદ્યચીજોનો કુલ ૩૨ કિલો જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો હતો. સ્‍વચ્‍છતા અને સ્‍ટોરેજ બાબતે રેસ્‍ટોરન્‍ટને નોટિસ આપવામાં આવી હતી તેમજ રૂ. ૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

નમુના લેવાયા

આ દરમિયાન નમકીન દલિયા, વેજ મિક્‍સ સબ્‍જી, સુખડી, રવાનો શીરો, રાઈ, ગોળ, સિંગતેલ અને મગફાડા સહિત આઠ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત રામેશ્વર પાર્ક મેઇન રોડ પર આવેલી ગાયત્રી ડેરી ફાર્મમાંથી કિવિ કદમ અને કેસર ચોકોબાટી, તિરુપતિ ડેરી ફાર્મમાંથી મલાઈ બિસ્‍કિટ અને ચોકો સ્‍વીટ્‍સ લાડુ તથા રૈયા રોડ પર આવેલી જનતા ડેરીમાંથી અંજીરપાક અને ગુલાબ કતરીના નમૂના લેવામાં આવ્‍યા હતા. આમ, તહેવારોને અનુલક્ષીને કુલ ૧૪ નમૂના પળથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યા છે. આ નમૂનાઓ રાજય સરકારની વડોદરા સ્‍થિત લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા છે.

મધ્‍યાહન ભોજનના રસોડામાંથી પણ નમૂના લેવાયા

મનપાના ફૂડ વિભાગ દ્વારા શાષાી મેદાન ખાતે સૂચક સ્‍કૂલ નંબર ૯માં આવેલી પારસ એગ્રો એજન્‍સીના મધ્‍યાહન ભોજનના રસોડામાંથી પણ વિવિધ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્‍યા હતા.

 

(3:00 PM IST)